નોટ આઉટ@ 93: પુષ્પાબેન માલવણીયા 

‘મેરી આવાજ હી પહેચાન હૈ’ ગીતને સાર્થક કરનાર, યુવાનીના અવાજમાં જે જોમ, લય અને રણકાર હતાં તે આજે ૯૨ વર્ષની ઉંમરે પણ બરકરાર રાખનાર પુષ્પાબેન માલવણીયાની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ નાગનેશમાં. દાદા-દાદી, મમ્મી-પપ્પા સાથેના કુટુંબમાં ચાર ભાઈ-બહેન સાથેનું સુખી બાળપણ. પિતાએ  કરાંચી, મુંબઈ અને અમદાવાદમાં ઓડિટર તરીકેની સેવા આપી હતી. શાળાનું ભણતર અને પછી BA(SNDT) અમદાવાદમાં. જે શાળામાં ભણ્યાં હતાં ત્યાં જ શિક્ષિકા તરીકેની નોકરી લીધી. લગ્ન પછી પણ નોકરી ચાલુ રાખી. પતિને નોકરીમાં ટ્રાન્સફર થતી. કલકત્તા 15 વર્ષ, જર્મની-આફ્રિકા-મુંબઈ 13 વર્ષ અને અમદાવાદ 23 વર્ષ રહ્યાં છે. પતિ પાંચ વર્ષ પહેલાં અચાનક સ્વર્ગે સીધાવ્યા. અમદાવાદમાં તેમનું છ-કપલ્સનું ગ્રુપ બહુ સરસ હતું, સાથે હરવા-ફરવાનું અને મોજ-મજા! પાંચ વર્ષથી દીકરા-વહુ સાથે ભરૂચ છે. આ 19મું ઘર છે! કલકત્તામાં 600 બાળકોના બાળ-મંદિરમાં શિક્ષિકા તરીકે જોડાયાં હતાં અને પ્રિન્સિપલ તરીકે પ્રમોશન પામ્યાં!  મુંબઈ શિફ્ટ થતાં નોકરી છોડી. બે દીકરા છે: એક ભરૂચમાં ડોક્ટર છે, બીજો અમેરિકા રહે છે, વહુ અમેરિકન છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ :  

છ વાગે ઊઠે, ભક્તામર-માળા-દીવો-નવકાર કરે. સાંઈબાબાની માળા પણ કરે. પચરુખીમાં દીકરાને ઓરી નીકળ્યા હતા. ઓરીમાં લોક-શ્રદ્ધા વિરુદ્ધ, ભગવાનની માફી માગી દવા કરી. પાડોશી પટેલ-કુટુંબે તેમને સાંઈબાબાની માળા કરવાનું કહ્યું, દીકરો સાજો થઈ ગયો, શ્રદ્ધા બેસી ગઈ, ત્યારથી રોજ સાંઈબાબાની માળા કરે.  10:00 વાગે ફ્લેટની લાંબી લોબીમાં બહેનપણી સાથે ચાલે. પછી ઘેર આવી ટીવી જુએ, ન્યુઝ સાંભળે. દીકરો દોઢ વાગ્યે આવે એટલે દીકરા-વહુ સાથે જમી  બપોરે આરામ કરે. ઊઠીને પ્રતિક્રમણ /સામાયિક કરે. સાંજે દીકરા સાથે કલાક રમી રમે.પછી ટીવી અને જમીને આરામ. દીકરો-વહુ બહુ સાચવે છે. “તૈયાર માલે મજા છે” એમ કહે છે! આખા દિવસમાં કપડાંની ઘડી કરવાનું એક-માત્ર  કામ તેઓ કરે!

શોખના વિષયો : 

સાડી ભરવાનું, મોતીનું ભરવાનું, અંકોડીથી ઊનનું ગૂંથવાનું વગેરે બહુ ગમે, બહુ ભરત-ગુંથણ કર્યું છે. વાંચવાનો શોખ ઘણો. પત્તા રમવાનો ખૂબ શોખ! પહેલા પતિ સાથે અને હવે દીકરા સાથે રોજ એક કલાક રમી રમે જ!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સરસ છે, બીપી-ડાયાબિટીસ જેવો કોઈ મહારોગ નથી! પગની તકલીફ છે, પણ સહેલાઈથી ચલાય છે. જોવા-સાંભળવા-વાંચવામાં થોડી તકલીફ પડે છે, પણ તબિયત એકંદરે સારી છે. આનું શ્રેય જમવામાં અને કામ કરવામાં તેમની  નિયમિતતા અને પોઝિટિવ એટીટ્યુડને જાય!

યાદગાર પ્રસંગ: 

દાદી લહેરીમા ચુસ્ત-જૈન. એકવાર સામાયિક લઈને બેઠાં હતાં. પુષ્પાબેન દીકરાને ઘોડિયામાં તેમની પાસે મૂકી કામે બહાર ગયાં. થોડીવારમાં દીકરાએ રડવાનું શરૂ કર્યું. લહેરીમાએ કોઈ પણ વિચાર કર્યા વગર દીકરાને ઘોડિયામાંથી ઉપાડી લીધો અને પુષ્પાબેન આવ્યાં ત્યાં સુધી સાચવ્યો.

કલકત્તાના ઉપાશ્રયમાં બાજુમાં બેઠેલાં બાએ પુષ્પાબેનને કહ્યું: “મને સામાયિક લેવડાવશો? ભણેલાં છો એટલે આવડતું જ હશે!” પુષ્પાબેનને સામાયિક લેવડાવતા આવડે નહીં! તેમને બહુ દુઃખ થયું! અઠવાડિયામાં સામાયિક શીખી ગયાં. ત્યારથી આજસુધી રોજ સામાયિક કરે છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

નવી-ટેકનોલોજીનો થોડો-ઘણો ઉપયોગ કરે છે. એક દીકરો પરદેશ રહે છે એટલે તેમની સાથે અને દેશ-પરદેશ રહેતાં પૌત્રો-પૌત્રીઓ સાથે મોબાઈલથી કનેક્ટેડ રહે છે. નવું જોવા-જાણવાની હોંશ ખરી એટલે મેસેજ જોતા વહુ યાત્રી પાસે શીખ્યાં! ટીવીની આદતને લીધે પત્રલેખન સાવ બંધ થઈ ગયું છે. આંખો ખરાબ થાય તે નફામાં!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

ઘણો ફેર છે! તે જમાનો સાવ જુદો હતો! હોટલ-સિનેમામાં સારા ઘરની મહિલાઓ જતી નહીં. હવે સ્વતંત્રતા વધીને સ્વચ્છંદતામાં ફેરવાઈ ગઈ છે. તેમને પહેલાં કંપનીમાંથી ફોન મળતો તો પણ જરૂર હોય તો જ વાત થતી. મોબાઈલને લીધે હવે તો ગમે ત્યારે ગમે તેની સાથે કરી શકાય છે! તેમને પણ ટેવ પડી ગઈ છે! સગાં-સંબંધીઓ સાથે ફોનથી ટચમાં રહે છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

ઘરનાં બાળકોના/યુવાનોના ટચમાં છે. પૌત્ર-પૌત્રીઓ ઘરથી દૂર રહે છે. દર અઠવાડીએ નિયત સમયે તેમની સાથે ફોનથી વાત થાય. હમણાં પાડોશમાં એક ઓફિસર અન્ય-રાજ્યમાંથી આવ્યાં. બાળકને શાળામાં  ગુજરાતી શીખવું ફરજિયાત હતું એટલે તેને પુષ્પાબેને ગુજરાતી શીખવાડ્યું!

સંદેશો : 

યુવાનોને ખાસ સલાહ કે મા-બાપનું ધ્યાન રાખે અને વૃદ્ધોને સલાહ કે તેઓ કુટુંબમાં એડજસ્ટ થઈને રહે!