નોટ આઉટ@ 93: ડો.પ્રો. ઈબ્રાહીમ હૈદરી

અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં (NHL મેડિકલ કોલેજ) ભણેલાં હજારો ડોક્ટરો જેમની પાસેથી physiologyની સાથે-સાથે જીવનના પાઠ પણ ભણ્યાં તેવા પ્રોફેસર ડોક્ટર ઈબ્રાહીમ હૈદરીની વાત તેમની પાસેથી સાંભળીએ.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

ઇન્દોર પાસેના  મહુમાં જન્મ (હાલ દુબાઈ), ચાર ભાઈ અને ચાર બહેનોનો બહોળો દાઉદી-વ્હોરા પરિવાર, પિતાજી બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર. મેટ્રિક સુધીનો અભ્યાસ મહુમાં, ત્યારબાદ ઇન્દોર હોલ્કર કોલેજમાં. MGM મેડિકલ કોલેજમાંથી MBBS, MD પાસ કરી 1963ની સાલમાં અમદાવાદ NHL મેડિકલ કોલેજમાં જોડાયા, 800 રૂપિયાના પગારથી! અત્યારે તેમનાં વિદ્યાર્થીઓ, પ્રખ્યાત ડોકટરો ૭૫ વર્ષનાં થઈ ગયાં છે! 26 વર્ષની ઉમરે પત્ની સાથે પ્રેમલગ્ન કર્યા. (પત્ની મહુનાં પ્રથમ SSC મહિલા!) ચાર બાળકો છે. ઘરમાં ચાર પેઢી સાથે રહે છે. 1969ની સાલમાં ફેલોશીપ પર કેનેડા ભણવા ગયા. 1985થી  લીબિયા છ વર્ષ રહ્યા.

પાર્ટીશન વખતે ૧૮ વર્ષના હતા. ત્યારના તોફાનો જોયેલાં છે, ટ્રેનની છત પર બેસીને આવતાં નિરાશ્રિતો જોયાં છે. હજુ માનસિક ડર લાગે છે. “ઘેટ્ટો”માં રહેવું ગમતું નથી અને એકલા રહેવા માટે હિંમત જોઈએ. જમાલપુરમાં પોતાની અને ખાનપુરમાં એક ટ્રસ્ટની હોસ્પિટલમાં 25 વર્ષ પ્રેક્ટિસ કરી. 2002નાં કોમી-તોફાનોમાં પણ પ્રેક્ટિસ ચાલુ રાખી.

નિવૃત્તિની પ્રવૃત્તિ :

સવારે સાડા-ચારે ઊઠી નમાજ પડે છે. રોજની પાંચ નમાજ પઢે છે. નિત્યક્રમ પછી દોઢેક કલાક મોબાઈલ ઉપર વ્યસ્ત! પછી થોડો આરામ કરી, સાડા-આઠે ચા-નાસ્તો કરે, માળા અને વાંચનમાં કલાક થાય. લંચ પછી પાછો થોડો આરામ. ડિનર વખતે ટીવી ઉપર સમાચાર અને મેચ જુએ. ધાર્મિક છે, બીજા ધર્મોનો પણ સ્વીકાર કરે છે. પારસી, હિન્દુ, સરદાર, ખ્રિસ્તી બધી જાતનાં મિત્રો છે. કુરાન અને અન્ય ધાર્મિક પુસ્તકોમાં એક જ વસ્તુ કહેલી છે, લોકો તેને પોતાના મતલબ પ્રમાણે ફેરવી-ફેરવીને જુએ છે.

શોખના વિષયો :

જોગીંગ, વોકિંગ, હોકીનો શોખ. ક્રિકેટ જોવાનું ગમે. ફરવાનો શોખ ખરો. કેનેડા, યુએસએ, યુકે, ફ્રાંસ, ઈટાલી, સાઉદી અરેબિયા, ઈરાક, ઈજિપ્ત એમ ઘણું ફર્યા છે. વિન્ડો-શોપિંગ કરવું ગમે છે. હસીને ઊમેરે છે : “બજારસે ગુજરા હું, ખરીદાર નહીં મેં!” શેર-શાયરી ગમે. અકબર ઇલાહાબાદી તેમના પ્રિય શાયર! જુના હિન્દી ફિલ્મી-ગીતોનો શોખ છે. વાંચવાનું ગમે, ન્યૂઝ-પેપર આખું વાંચી નાખે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

આંખ-કાનની થોડી તકલીફ છે, શરીરનું બેલેન્સ સાચવવું પડે છે, ક્યારેક શ્વાસ ચડે છે, પણ ઊંઘ સરસ આવે છે! ભૂતકાળના વિચારો ક્યારેક પરેશાન કરે છે. યુક્રેનની લડાઈ પછી સ્પેશિયલ પ્રાર્થના તેમના માટે કરી હતી!

યાદગાર પ્રસંગો : 

એકવાર વાડીલાલ હોસ્પિટલ નજીક આવેલી ‘મહેતા’માં લંચ લીધું હતું: અડધું ભાણું, ૯૦ પૈસા અને ટિપ 10 પૈસા! બહુ બચત નથી પણ વિદ્યાર્થીઓ બહુ યાદ કરે છે તેનો સંતોષ છે. લેક્ચર પછી વિદ્યાર્થીઓ તેમને ટોળે વળતાં તે દિવસો હજુ યાદ છે! અનેક કમિટીના ચેરમેન, જીપીએસસીના એડવાઈઝર, એક્ઝામીનર તરીકે કરેલાં કામો બહુ યાદ આવે છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?: 

મોબાઈલ, ટીવી વગેરે વાપરું છું. કામ કરતો ત્યારે એક્સ-રે અને બ્લડ-ટેસ્ટિંગના સાધનો વાપર્યા હતાં. મેડિકલ-સાયન્સમાં બહુ સુધારા-વધારા આવી ગયા છે. નોન-ઇન્વેઝીવ પ્રેક્ટિસથી દર્દીઓને મદદ થાય છે. ટેકનોલોજીના ઉપયોગ માટે મને બહુ આશા છે. હું તેને ઘણું પ્રોત્સાહન આપું છું!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?  

અમે જોયેલી તકલીફોનો આજના યુવાનો વિચાર જ ન કરી શકે. ત્યારે લોકો સાદગીમાં માનતા, આજે એમ્બિશનમાં માને છે. પહેલાં દેશભક્તિ હતી, આજે જોશ અને એગ્રેશન છે. પહેલાં ભાઈચારો અને મિત્રતા હતી, હવે કોમ્પિટિશન છે! પહેલાં ડેડીકેટેડ ગુરુજનો હતા, શિક્ષક શિક્ષા કરી શકતા, હવે બાળકને હાથ લગાડવો તો દૂર રહ્યો, જોરથી બોલી પણ શકાતું નથી! પહેલાંની અને અત્યારની કોઈ સરખામણી જ નથી!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?

પુત્રનાં મિત્રો બધાં મારાં મિત્રો છે! દેશ-વિદેશનાં મિત્રોનું whats’appનું મોટું ગ્રુપ બનાવ્યું છે! સવારે દોઢ કલાક whatsappની આપ-લેમાં જાય છે!

સંદેશો :

અમદાવાદ શહેર મેડિકલ-સેન્ટર તરીકે સરસ જગ્યા છે, NRI દર્દીઓ માટે ખાસ. ઘણાં સારા ડોક્ટરો અમદાવાદમાં છે. જો કે અનક્વાલીફાઈડ માણસો દવાઓનો ખોટો ઉપયોગ કરે છે, તેની ઉપર કંટ્રોલ રાખવો જોઈએ.

યુવાનોને સંદેશો:

તમારા માતા-પિતાનું ધ્યાન રાખજો. પાડોશીઓનું ધ્યાન રાખજો. ભાઈચારો કેળવજો અને શાંતિથી રહેજો. સિગારેટ, તમાકુ, ડ્રગ્સ અને આલ્કોહોલથી દૂર રહેજો.