નોટ આઉટ @ 87 :  મેજર (તોપખાનું) નીતિન મહેતા 

ત્રણેય દીકરાઓને પોતાની જેમ ભારતીય-સેનામાં જોડાવાની પ્રેરણા આપનાર મેજર (તોપખાનું) નીતિન મહેતાની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

જન્મ ભાવનગરમાં, ચાર બહેન, ત્રણ ભાઈનું નાગર કુટુંબ, પિતા પક્ષીઓના જાણકાર, વાંચનના શોખીન, નેચરલ-હિસ્ટ્રી-સોસાયટીના સભ્ય અને શિક્ષક. પર-દાદા બ્રિટિશ-સમયમાં જજ હતા. ઘણી મિલકત કમાયા હતા. નીલમ-માણેક-હીરા-મોતીનાં ઘરેણાંથી સાત-સાત પટારા ભરેલા હતા. સ્થાવર મિલકત અને સારી કંપનીઓના શેર પણ હતા. પિતાના બાળપણમાં તેમનાં માતા-પિતાનું મૃત્યુ થતાં કુટુંબના વડીલો કેર-ટેકર ટ્રસ્ટીઓ નિમાયા, કમનસીબે તેઓ બધું સફાચટ કરી ગયા! માતા હોશિયાર એટલે સુંદર ચિત્રોથી સુશોભિત હવેલી સાચવી રાખી.

નીતિનભાઈનો અભ્યાસ ભાવનગર, સુરત અને નાસિકમાં. નોકરીની જરૂર હોવાથી રેલવેમાં મુકાદમ તરીકે ઓછા પગારે નોકરી લીધી, પછી ઇન્સ્પેક્ટર તરીકે મુંબઈમાં નોકરી લીધી પણ સિગારેટના બોક્સમાં લાંચ આપવા જેવા કડવા અનુભવ થતાં લોહી ઉકળી ઊઠયું! અકળાયેલા યુવાન નીતિનભાઈએ પ્રાઇમ-મિનિસ્ટર, પ્રેસિડેન્ટ અને ડિફેન્સ-મિનિસ્ટરને મેસેજ મોકલ્યો. રાષ્ટ્રપતિનો વળતો સંદેશ આવ્યો: “આટલી દેશભક્તિ અને ધગશ છે તો આર્મીમાં જોડાઈ જાવ!” અને નીતિનભાઈ આર્મીમાં જોડાઈ ગયા!

નિવૃત્તિની પ્રવૃત્તિ :  

સવારે સાડા-પાંચ વાગે ઊઠે, ગરમ પાણી પીએ, કોફી બનાવે. બગીચામાં ચાલવા જાય. દોઢ-એક કલાક અનુલોમ-વિલોમ-પ્રાણાયામ-કસરત વગેરે કરી  ઘેર આવીને છાપુ વાંચે. સામાન્ય રીતે નાસ્તામાં ફળો અને ડ્રાયફ્રુટ લે, ક્યારેક ઉપમા/સુખડી બનાવે. બજારનું, બેંકનું કામ પતાવે, સોશિયલ કામ કરે. જમીને ટીવી જોતા-જોતા આરામ કરે.   

શોખના વિષયો :  

કુદરતના સાનિધ્યમાં રહેવાનું ગમે, પક્ષીઓ-પ્રાણીઓ સાથે ઘણો પ્રેમ. કવિતા- નૃત્ય-સંગીત-એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ કરાવવા ગમે. રમુજી સ્વભાવ. ફૂટબોલ-મેચ વખતે મોટું તરબૂચ લાવી તેની પર લખ્યું : “મહિલાઓ માટે….. ઓર્થોપેડિક સર્વિસ મળશે!’ માઉથ-ઓર્ગન, હાર્મોનિયમ, પિયાનો સરસ રીતે વગાડે! લોકનૃત્યનો શોખ. 1957ની 26 જાન્યુઆરીની પરેડમાં “સોના-ઈંઢોણી” ગીત પર ટિપ્પણી-નૃત્ય કર્યું હતું. રંગોળી અને પેઇન્ટિંગ કરવા ગમે. રાશિ-ગ્રહોની તથા માછલી-ઘરની રંગોળી કરી હતી. પામીસ્ટ્રીનો શોખ છે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી, પણ બહાર ચાલવા જતા લાકડી રાખવી પડે. ત્રણ મેજર ઓપરેશન થયા છે: મગજનું, હાર્ટનું અને સ્પાઇનનું (સર્વાઇકલ). મૃત્યુને ઘણી નજીકથી જોયું છે! ડાયાબિટીસ છે, પણ ગળ્યું ખાવાનું ગમે છે. જમવાનું સાદું, બારે મહિના બાજરીનું ઢેબરું, મેથીનો સંભાર અને દૂધ! બહારનું ખાવાનું બિલકુલ નહીં.

યાદગાર પ્રસંગ: 

સંસ્કૃતનો ભારે શોખ. પુત્રોના જન્મ પહેલાથી તેમનાં નામ નક્કી કરી રાખ્યાં હતાં! “શ્રેય”ના ત્રણ રૂપો: શ્રેય, શ્રેયસ અને શ્રેયમન! લગ્ન પછી પહેલું પોસ્ટિંગ ફિરોજપુર હુશેનીવાલા બોર્ડર પર. એક વર્ષમાં બાળકનો જન્મ થયો. ઉપરી ઓફિસરે તેમને પુત્રને મળવા માટે ઘેર મોકલ્યા. આટલું નાનું બાળક શું સમજે? પણ તરત પિતાને ભેટી પડ્યું! NEFA ચાઇના-બોર્ડર ઉપર 18000 ફૂટ પર ગન ડિપ્લોય કરી, 18 ટ્રક ભરીને દારૂગોળો પહોંચાડ્યો! પોણા-બે વર્ષ સિકંદરાબાદ (પાકિસ્તાન)માં રહ્યા! દીકરા શ્રેયનું પહેલું પોસ્ટિંગ કારગિલ સરહદ ઉપર હતું, તેને વડોદરાની પ્રજાએ ભવ્ય વિદાય આપી હતી. રેલવે-સ્ટેશન પર હજારો લોકો ભેગા થયા હતા, ટીવી-રેડિયોમાં અનેક ઇન્ટરવ્યૂ આવ્યા હતા. છાપામાં ફોટાઓ સાથે તેની  પ્રશંસા થઈ હતી! એક મિત્રના પત્નીને કેન્સર થયું હતું. તેઓ ખાસ મેજર મહેતાને બોલાવીને લઈ જાય. તેમની પોઝિટિવ વાતોથી કેન્સર-દર્દીને ઘણું સારું લાગતું હતું!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

તેઓ ટેકનોલોજી ઓછી વાપરે છે, પણ ટેકનોલોજી માટે ઘણા પોઝિટિવ છે. પ્રગતિ કરવા નવી ટેકનોલોજી વાપરવી જ પડશે, પણ તે ક્યારેક હાર્મફુલ છે. ગુનાઓ વધી ગયા છે. નીતિમત્તા ઘટી ગઈ છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પહેલા આવક મર્યાદિત હતી પણ દિલ મોટાં હતાં. સાથે રહેવામાં માનતાં હતાં. માગ્યા વગર જરૂરિયાત પારખીને મદદ કરતાં. ઘેર મહેમાન આવે તો પાડોશીઓ તરત મદદમાં આવી જાય, પાડોશીઓ મહેમાનને સૂવા લઈ જાય…. “CONTRIBUTE IN CRISIS”માં માનતાં. હવે સંબંધો વિખરાતા જાય છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

યુવાનો પાસે ઘણી શક્તિ છે, જો ચેનલાઈઝ થાય તો ભારત ચોક્કસ વિશ્વ-ગુરુ બને. તમના ત્રણે પુત્રો આર્મીમાં છે, તેમના કરતાં ઘણા આગળ છે તેનો તેમને અપૂર્વ-આનંદ છે! શ્રેયમન, મેજર-કેપ્ટન, ક્રિકેટના શોખીન, હવે રીટાયર થઈ રણજી ટ્રોફીમાં કોમેન્ટ્રી આપે છે! શ્રેય, મેજર-જનરલ ( હેડ-ઓપરેશન્સ અને લોજિસ્ટિક) અને શ્રેયસ બાલાછડી આર્મી-સ્કૂલમાં પ્રિન્સિપાલ છે! ચાર પૌત્ર-પૌત્રીઓ છે. 

સંદેશો : 

આજના યુવાનો એકવાર ફેલ થતાં નિરાશ થઈ જાય છે. વિશ્વાસ રાખો કે  “I CAN AND I WILL!”