નોટ આઉટ @ 87 :  કૃષ્ણદેવ પંડ્યા

સાઈડ રીધમ અને ઢોલ-તબલા પર અમરીશ પરીખને લગભગ 600 જેટલા શોમાં સાથ આપનાર કૃષ્ણદેવ પંડ્યા(હાલ ન્યુયોર્ક)ની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ અને બાળપણ નડિયાદ પાસેના પણસોરા ગામમાં. બે ભાઈ, એક બહેન. તેઓ સૌથી નાના. માતા મરજાદી અને વૈદ્ય, પિતા શિક્ષક, હેડ-માસ્તર. પણસોરા-ડાકોર-કરમસદમાં અભ્યાસ. આખું કુટુંબ આઝાદીની લડતમાં સક્રિય હતું, પણ માતાની શાખને લીધે કોઈને ક્યારેય તેમના પર શંકા ન થઈ.  થોડો સમય વચલાભાઈ સાથે ઉજજૈન ગયા, પછી મુંબઈ આવ્યા. ભવન્સ કોલેજમાં ભણ્યા. દિવસે સ્ટેટ-ટ્રાન્સપોર્ટમાં કામ કરે અને સાંજે પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે તબલા વગાડે! મહાગુજરાતની લડત બાદ અમદાવાદ આવ્યા. બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી કરી. યુનિયન લીડર હતા. સ્પોર્ટ્સ-ક્લબના સેક્રેટરી હતા. 1965માં સુગમ સંગીત કલા કેન્દ્રની  સ્થાપના કરી. રાસ-ગરબા-નાટકો અને અન્ય સાંસ્કૃતિક પ્રોગ્રામ કરાવતા. નૃત્ય-નાટિકા શીખવતા. તેમની રામ-શબરી તથા મીરાની નૃત્ય-નાટિકા બહુ પ્રખ્યાત હતી. અમરીશ પરીખ સાથે સાઈડ રીધમ અને ઢોલ-તબલા પર લગભગ 600 જેટલા શોમાં વગાડ્યું. 1979માં યુએસએ ગયા SBI ન્યૂયોર્કમાં કામ કર્યું. ત્યાં પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને નવરાત્રી-દિવાળીમાં સક્રિય હતા. ન્યૂયોર્કની ઇન્ડિયા-પરેડમાં ભાગ લેતા.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે ઊઠીને નાહી-ધોઈને પૂજા કરે. એ પછી કસરત કરે. યોગ કરે. મંદિર જાય. થોડીવાર ફરવા જાય. બપોરે જમીને આરામ કરે. ઊઠીને ટીવી જુએ, ફિલ્મ જુએ. ટીવીના પ્રોગ્રામમાં સાઈબાબાની સીરીઅલ, કેબીસી, અહલ્યા વગેરે બહુ ગમે. શનિ-રવિમાં સોશિયલ કામકાજ કરે. આધ્યાત્મિક વિકાસ-કેન્દ્રમાં સક્રિય છે. હજી પણ દર નવરાત્રીએ ન્યૂયોર્કમાં ઢોલ વગાડે!

શોખના વિષયો : 

સંગીત, નૃત્ય, નાટકો તેમના મુખ્ય શોખ. અમદાવાદ આકાશવાણી પર “A-Class” આર્ટિસ્ટ હતા. રસિક ભોજક સાથે પણ કામ કર્યું છે. એક સીટિંગના તેમને 75 રૂપિયા મળતા તે હજુ ગર્વથી યાદ કરે છે!

 

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત માટે ભગવાનની મહેરબાની છે! દીકરી સાથે રહે છે એટલે દીકરી ઘણું ધ્યાન રાખે છે. શરીર હોય એટલે સામાન્ય રોગ તો હોય! તેઓ નિયમિત કસરત કરે છે, ઘરમાં ચાલે છે, સાયકલિંગ કરે છે. હાથની અને પગની કસરતો કરે છે. 2020ની માંદગી પછી તબિયત થોડી લથડી છે.

યાદગાર પ્રસંગ:  

ડાકોરમાં હતા ત્યારે શાળાએથી આવી દફતર મૂકીને સીધા ગોમતી નદીમાં નહાવા પડતા. ગોમતીના શંકરના મંદિરમાં મિત્રો સાથે તેઓ મધરાતે રાષ્ટ્ર-ધ્વજ ફરકાવતા! શાળાના એક શિક્ષકને અંગ્રેજો માટે ઘણું માન. વિદ્યાર્થીઓને તે ગમે નહીં. એકવાર તેમણે તે શિક્ષકને બંગડીનું બોક્સ ભેટ આપ્યું. શિક્ષક ગુસ્સે થયા,વાત વધી ગઈ, પણ કુનેહથી વાળી લીધી!

 

અમરીશ પરીખ સાથેના પ્રોગ્રામોનો દોર તેમને માટે ખૂબ યાદગાર છે. “તૂ છૂપી હૈ કહાં” ગીતની શરૂઆતમાં અંધારા હોલમાં સ્ટેજ પરથી તેઓ 10 વાર ઘંટ વગાડે અને પછી લાઈટનું ફોકસ એમના ઉપર પડે…… અને લોકો તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લે! અમરીશભાઈની સાથે તેઓ ઘણાં કલાકારોને મળ્યા છે. લતા મંગેશકર, સલામત અલીખાન જેવા મહાન કલાકારોને તેઓ મુંબઈના પ્રોગ્રામમાં મળ્યા હતા. પુરુષોત્તમ ઉપાધ્યાયના એક પ્રોગ્રામમાં તેમણે આશા પારેખ સાથે કામ કર્યું હતું. “જિસ દેશ મેં ગંગા બહેતી હૈ” ના શૂટિંગ વખતે તેઓ રાજ કપૂરના સ્ટુડિયોમાં ગયા હતા. ન્યૂયોર્કની ઇન્ડિયા પરેડમાં તેઓ સક્રિય હતા. આઝાદીના સેનાની સુભાષચંદ્ર બોઝ, નેહરુ ચાચા અને ભગતસિંહના વેશ ધારણ કરી તેમણે પરેડમાં ભાગ લીધો હતો!

 નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

તેઓ નવી ટેકનોલોજી ઘણી ઓછી વાપરે છે. પણ સંગીતનો જીવ  છે એટલે સંગીતના પ્રોગ્રામોમાં જરૂરી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

બહુ મોટો ફેર પડી ગયો છે! આજના માણસો બહુ સ્વાર્થી થઈ ગયા છે! કામ પતે એટલે જાણે ઓળખે જ નહીં! પૈસાની જ વાત! પૈસો એટલે પરમેશ્વર! અમારા સમયમાં આવું હતું નહીં! અમારા સમયમાં માણસની ઘણી કીંમત હતી!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

તેમને ચાર બાળકો અને છ પૌત્ર-પૌત્રીઓ છે. દોહિત્ર તપસ્વી સાથે જ રહે છે. બહારનાં યુવાનોને મળવાનું ઓછું થાય છે, પણ સંગીત અને નૃત્ય-નાટકના શોખને લીધે હજુ પણ યુવાનો સાથે ટચ રહ્યો છે. તેમને લાગે છે કે યુવાનોને પૈસા કમાવવા છે, પણ તેમના જીવનમાં લાગણી નથી રહી. કોઈને માટે કંઈ કરવાની તેમની તૈયારી નથી!

સંદેશો :  

સારા રહો અને સારા રહેવા દો!