નોટ આઉટ@ 84: પ્રો. સુરેશભાઈ દેસાઈ

જેમણે લખેલાં કોમ્યુનિકેશનનાં પુસ્તકો ઘણાં ઓફિસરો આજે પણ પોતાના રોજિંદા ઓફિસ કોમ્યુનિકેશનના કામ માટે વાપરે છે અને Times-Of-India અમદાવાદનાં વાંચકો હજુ પણ જેમને પરફોર્મિંગ-આર્ટ-ક્રિટિક તરીકે યાદ કરે છે તેવા પ્રોફેસર સુરેશભાઈ દેસાઈની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

વતન પલસાણા, બે બહેન,ચાર ભાઈનું કુટુંબ, માતા ઉદ્યમી, પિતા કોર્ટ-કચેરીમાં સ્ટેમ્પ વેચવાનું અને લખવાનું કામ કરે. પ્રાથમિક શિક્ષણ પલસાણામાં તથા માતાના મોસાળ ઓંડચમાં લીધું. મોસાળમાં દાદાગીરી એટલે ભાણાભાઈ ઘંટ વગાડે ત્યારે શાળા શરૂ થાય! બાળપણથી  શાંત સ્વભાવ. અહિંસા અને સાહિત્યના સંસ્કાર પણ નાની ઉંમરથી મળેલા. હિંસા-અત્યાચારના સમાચાર વાંચી વેદના થાય. આઠમા ધોરણથી અમદાવાદ આવ્યા. નવચેતન સ્કૂલ અને વિદ્યાનગર (કપાસી સાહેબને સલામ) શાળામાં અભ્યાસ. પછી રામાનંદ મહાવિદ્યાલયમાં (એચ.કે.આર્ટસ કોલેજમાં) અભ્યાસ. યશવંત શુક્લાસાહેબને પ્રણામ! રવીન્દ્રનાથ ટાગોર અને ઉમાશંકર જોશી તેમના રોલ મોડેલ. તેઓ ઇન્ટર-આર્ટસમાં હતા અને પિતાજી ગુજરી ગયા. નોકરી કરવી જરૂરી થઈ. બેંકમાં નોકરી લીધી પણ મન  શિક્ષક/પ્રોફેસર બનવાનું. કોલેજના સમયપત્રકમાં જોઈ એવો વિષય પસંદ કર્યો જેથી  નોકરીએ જવાના સમયમાં અનુકૂળતા રહે! લગ્ન થયા, પત્ની શિક્ષિકા. જીવનમાં પત્નીનો પૂરેપૂરો સહકાર મળ્યો. એક દીકરો, એક દીકરીનું સુખી કુટુંબ. 11 વર્ષ પહેલાં પત્નીનું મૃત્યુ થયું. તેમની ગેરહાજરી સુરેશભાઈને બહુ સાલે છે. એચ.એલ કોમર્સ કોલેજમાં ૧૯૬૪માં જોડાયા. ઇંગલિશ અને કોમ્યુનિકેશન વિષયમાં પ્રેમ અને ઉત્સાહથી 37 વર્ષ શિક્ષણ આપ્યું. વિવિધ વિષયોનાં 22 પુસ્તકો લખ્યાં!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે પાંચ વાગે ઊઠે. છ વાગ્યાથી સાડા-સાત વાગ્યા સુધી યોગ માટે જાય. તેઓ કહે ‘તેમને યોગથી રેજુવિનેશન પ્રાપ્ત થયું છે.’ પછી થોડો આરામ કરી રીવ્યુસ અને આર્ટીકલ્સ લખવાનું ચાલુ કરે. 1:00 વાગે જમીને થોડો આરામ અને પછી લખવાનું ચાલું! જમવામાં ડાયેટ-ફૂડના આગ્રહી છે. સાંજે સાડા-પાંચે બાગકામ કરે. પછી ઓનલાઈન સંગીત સાંભળે, પ્રોગ્રામ જોવા જાય, એ અંગે લખે, ક્યારેક ફિલ્મ જુએ. દિવસનો ભરચક પ્રોગ્રામ! હાલમાં Narthaki.com, creativeyatra.com, indianliterature.com, Attendance, nataak તેમના  પ્રિય પ્રકાશન-સ્થાનો! વખતોવખત સ્થાનિક વર્તમાન-પત્રોમાં પણ લખે.

શોખના વિષયો :

બાગકામ કરવું, સંગીત સાંભળવું, સારી ફિલ્મ જોવી, સારા પ્રોગ્રામ જોવા, રીવ્યુઝ અને આર્ટીકલ્સ લખવા, કલાના વિષયો પર લખવું અને ચર્ચા કરવી. ‘શબ્દ-પ્રીતિ’ એવી કે સાચા સમયે સાચો શબ્દ વાપરવાની કળા તેમને બહુ ગમે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:  

યોગ અને ડાયેટને કારણે તબિયત જનરલી સારી છે. કોરોનાના અઢી-વર્ષમાં ચિકનગુનિયા અને વરટીગોની થોડી તકલીફ હતી.લોકોને મળવાનું ઓછું થઈ ગયું હતું, જે ગમતું નહીં! ઘુટણની સાધારણ તકલીફ ખરી, પણ હરતા-ફરતા છે. અશક્તિ અને બીપીની દવા લે છે.

યાદગાર પ્રસંગો :

કોલેજની સ્ટુડન્ટ-કાઉન્સિલ અને બીજી અનેક કમિટીઓમાં વર્ષો સુધી કામ કર્યું. તેમણે કોલેજની ટેલેન્ટ-ઇવનિંગના રૂપ-રંગ બદલી નાખ્યા! “એક્સપ્રેશન” નામથી ત્રણ દિવસનો  અભિવ્યક્તિ પ્રોગ્રામ શરૂ કર્યો. કુકિંગ, મહેંદી, પેઇન્ટિંગ વગેરે હરીફાઈઓ કરાવે. પછી બે દિવસ મોટા શામિયાણામાં પરફોર્મિંગ-આર્ટ્સની હરીફાઈઓ, થીએટર, સુગમ-સંગીત, ક્લાસિકલ-મ્યુઝિક, પર્સનાલિટી કન્ટેસ્ટ વગેરે. ચુનંદા વ્યક્તિઓને, કલાકારોને, સંગીતજ્ઞોને ઉદ્ઘાટન માટે અને નિર્ણાયક તરીકે બોલાવે જેથી વિદ્યાર્થીઓને તેમનો પરિચય થાય.

ચાલીસેક વર્ષ ટાઈમ્સ-ઓફ-ઇન્ડિયામાં ડ્રામા-ક્રિટિક અને પરફોર્મિંગ-આર્ટ્સ-ક્રિટિક તરીકે લખ્યું. ફિલ્મ-ક્રિટિક પણ રહ્યા (TOI અને Cinema-India International). સાહિત્ય-એકેડેમીએ પુસ્તકો છાપ્યાં. અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈનાં વાંચકો, કલાકારો અને ડાન્સર્સમાં પર્ફોર્મિંગ-આર્ટસ-ક્રિટિક તરીકે પ્રખ્યાત છે.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?:

ટેકનોલોજીનો ઘણો સારો ઉપયોગ કરે છે. કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ઉપર જ પોતાનું બધું કામકાજ કરે છે. youtube/Zoom નો યોગ્ય ઉપયોગ કરે છે. ‘આ એક લપસણી ભૂમિ છે, સમજ અને ડીસ્ક્રીશન સાથે વપરાય અને સિલેક્ટિવ યુઝ થાય તો ટેકનોલોજી ઘણી ઉપયોગી રહે.’

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પહેલાનો સમય શાંતિ ભરેલો હતો, હવે શાંતિ શોધવી પડે છે! ટેકનોલોજીના ઉપયોગથી કામ ઝડપી બન્યું છે પણ સેન્સ-ઓફ-વેલ્યુસ એટલે નીર-ક્ષીર-વિવેક ઘટી ગયો છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

મારા વિચારો મોડર્ન છે. યુવાવર્ગ સાથે ચર્ચા કરું છું. કલાકારો હજુ મળવા આવે છે, આમંત્રણ આપે છે. whatsapp ગ્રુપ દ્વારા, ફોનથી, યોગ ક્લિનિક ઉપર, યુવાવર્ગ સાથે ટચમાં છું અને મને તેમની સાથે વાતો કરવી ગમે છે.’

સંદેશો : 

પુસ્તકો, ટેકનોલોજી અને સાધનોનો ઉપયોગ કરી આંતરિક સમૃદ્ધિ (Personal Enrichment) વિકસાવે. યુવાનો એવી પ્રતિભા પ્રગટાવે જેમાં નીર-ક્ષીર-વિવેક હોય, સેન્સ-ઓફ-વેલ્યુસ હોય! એવા કાર્યો કરે જે સમાજોપયોગી હોય!

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]