નોટ આઉટ@ 82: સત્યમુનિ

પેપર અને ફેબ્રિક કોલાજના અસંખ્ય નમૂનાઓ વચ્ચે, “બી-નેચરલ”ના નામે પ્રખ્યાત ઓર્ગેનિક ખાદીના ડિઝાઇનર-વેરની યાદો સાથે, ઓશોના ચીંધ્યા સંન્યાસને માર્ગે ‘સ્વ’ને પામવાની યાત્રાએ નીકળેલા ખાદીધારી સત્યમુનિ (હસમુખ હરિલાલ શાહ)ને મળીએ તો જીવનની વિવિધતાઓનો પરિચય ચોક્કસ મળે. તેમની વાત સાંભળીએ તેમની પાસેથી.

 

 

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ અને વતન ગુંદી. એક નાનો ભાઈ હતો. પિતાને કાલા-કપાસની પેઢી, સુખી કુટુંબ, પણ સમય જતાં આર્થિક તકલીફો આવી. ગુંદી, અમદાવાદ, ધોળકામાં શાળાનો અભ્યાસ. 17 વર્ષે એસએસસી પાસ થયા. ગુંદીમાં એક વર્ષ નોકરી કરી. પિતાનું 43 વર્ષે મૃત્યુ થયું. ઘરના સંજોગોને કારણે બરોડા ફાઇન-આર્ટસ કોલેજમાં એડમિશન લેતા અટકી ગયા. અમદાવાદ આવી કાપડ બજારમાં અને અન્ય જગ્યાએ નોકરી કરી. ભાવનગરમાં કામ કર્યું. સાવરકુંડલામાં પ્રેસ, શાળા, ક્રાફ્ટ-સેન્ટર સાથે જોડાયા. ઓશોની ધ્યાન શિબિર કરી. ઓશોને વાંચ્યા, સાંભળ્યા, મળ્યા પછી લાગ્યું કે ઓશો જૂનું સ્થાપિત તોડીને જીવનનો નવો મર્મ આપી રહ્યા છે. એટલે તેમના ચીંધ્યા માર્ગે સંન્યાસ ધારણ કરી ‘સ્વ’ને પામવા તરફની યાત્રા આરંભી. પત્નીનો જન્મ 15 ઓગસ્ટ 1947 એટલે નામ મુક્તિ અપાયું! સાદગી, સંતુષ્ટિ અને સહકારની ભાવના. વિદ્યાર્થીઓનાં પ્રિય અને આદરણિય શિક્ષિકા! ખરા અર્થમાં સહધર્મચારીણી!

 

નિવૃત્તિની પ્રવૃત્તિ :

જીવન જીવીએ ત્યાં સુધી નિવૃત્ત થવાય જ નહીં! ધ્યાનની શિબિરો ઉપરાંત પોતાની ગમતી પ્રવૃત્તિમાં રમમાણ રહે છે. થોડાં વર્ષથી તેઓ પુસ્તકોના સંપાદનનું કામ કરે છે. ફેબ્રિક અને પેપર કોલાજ વગેરે કલાત્મક પ્રવૃત્તિઓમાં સમય પસાર કરે છે. હસતાં-હસતાં ઊમેરે છે: “થાવું હોય તો ફુલ જેવા થાવું!” જીવનમાં કંઈક બનવા કરતાં હોવામાં માને છે. એ માટે શબ્દો ટાંકે છે: Sitting silently, Doing nothing, Spring comes and Grass grows by itself!

 

શોખના વિષયો :

વાંચન, રખડપટ્ટી, મૈત્રી, સંગીત, વક્તાઓને સાંભળવા, આરોગ્ય માટેના નવા નવા પ્રયોગોને અનુભવવા, ધ્યાનની શિબિરોના અનુભવ લેવા, પત્ર વ્યવહાર, પુસ્તક-સંપાદન, પેપર અને ફેબ્રિક કોલાજ વગેરે.

યાદગાર પ્રસંગો : 

ધ્યાનની ક્રિયા પછી થયેલો ઉર્જા સંચારનો અનુભવ વિશિષ્ટ હતો! નટરાજ- ધ્યાન,મીરાંનાં પ્રવચનોનું વાંચન અને રાત્રે ઘૂંઘરું સાથે નૃત્ય થતું તે અનુપમ અનુભવ, અન્નપૂર્ણાદેવીના તેમના ફ્લેટ ઉપર જ્યોતિબેન પંડ્યા સાથે દર્શન અને મુલાકાત યાદગાર હતાં.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

62માં વર્ષે બાયપાસ ઓપરેશન કરાવેલું. પછી જરૂરી આસન, પ્રાણાયામ, ઊણોદરીથી શરીર-સ્વાસ્થ્ય સારું રહે છે. ‘SUNGAZING’નો પ્રયોગ એક વર્ષ કર્યો હતો. તેનાથી માનસિક અને શારીરિક લાભ થયા છે.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?: 

ટેકનોલોજીમાં મોબાઈલ વાપરે છે, ફોટા પાડવા અને Youtube ઉપર માહિતી મેળવવા. મોબાઇલ, ફોન, લેપટોપે ઘણાં કામ સરળ કરી નાખ્યાં છે. કેટલાંય કામ ઘેર બેઠાં થઈ શકે છે, પણ આપણામાં વિવેક નથી તેથી તે વ્યસન બની જાય છે. આદતોને કારણે માણસ એકલો પડતો જાય છે, હતાશાનો શિકાર થાય છે. શરીર અને આંખો બગાડે છે. વ્યક્તિગત અને સરવાળે સામાજિક જીવન પર ન રુચે તેવી અસરો થાય છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

હજી હમણાં સુધી ચાર પેઢી સાથે રહેતાં. બહારના યુવાનો સાથે અત્યારે પરિચય મર્યાદિત છે. અત્યારે કોઈ શિક્ષણ-સંસ્થા કે સામાજિક-સંસ્થા સાથે જોડાયેલા નથી. “ગઢડા અને સાવરકુંડલામાં કામ કરતો ત્યારે ધ્યાન, પુસ્તક-મેળાઓ, ચિત્ર-શિબિરો, વક્તાઓને બોલાવવા વગેરે કાર્યો કરતો. યુવાનો, કિશોરો અને મોટી ઉંમરનાં, સૌને આવો સ્પર્શ ગમતો. સમાજના દરેક સ્તરના લોકો હરખભેર અને જિજ્ઞાસા-પૂર્વક તેમાં ભાગ લેતા હતા. યુવાવર્ગમાં જીવનની સહજતાનો, પોતાની અસ્મિતાનો ઉત્સવ માણવા મળે તેવી કોઈ ચાલ કે પ્રવાહ ન હતાં, તેવા કોઈ મૂલ્યો ન હતાં, તેવી કોઈ પ્રવૃત્તિ પણ ન હતી તેથી મારી આવી પ્રવૃત્તિઓ બધાંને ગમતી.”

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

માણસે, માણસ કરતાં ટેકનોલોજીને વિશેષ ગણી છે. કોઈપણ વિકાસ જો માણસને નજર સમક્ષ રાખ્યા વગર થાય તો છેવટે સાધનો, યંત્રો અને ટેકનોલોજી સર્વોપરી બની જાય. માનવ-ચેતનાથી અને તેના વિકાસથી વધું કશું જ ન હોઈ શકે. માણસની દોડ બહુ વધી ગઈ છે. માનવ-માનવ વચ્ચે હૂંફ અને પ્રેમ ઘટતાં જાય છે.

સંદેશો :

જીવનને તેની સમગ્રતામાં જીવવું. જીવનના દરેક કર્મ, દરેક ક્ષણ, દરેક સંબંધમાં પ્રેમ અને ધ્યાન જોડાયેલા રહે તો જીવન જુદા જ અર્થને પામે, જુદા જ રંગે રંગાઈ જાય, જુદા જ રસનો આસ્વાદ પામી શકે!

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]