નોટઆઉટ@82: પ્રેમલતાબહેન દત્તાત્રય હર્ડીકર

કપડાં ઉપર ભરત-ગૂંથણ કરતાં-કરતાં જેણે જિંદગીના પોત ઉપર સુંદર કળા વહાવી તેવા પ્રેમલતાબહેન દત્તાત્રય હર્ડીકરની વાત તેમની પાસેથી સાંભળીએ.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

1940માં અંકલેશ્વરમાં જન્મ. પિતા પોસ્ટઓફિસમાં કામ કરતા. પાંચ બહેનો, ત્રણ ભાઈઓનું  વસ્તારી કુટુંબ. માસીનાં-ફોઈનાં બાળકો પણ સાથે રહેતાં. પિતાની બદલીની નોકરી હતી.બાળકો સાથે મા સુરતમાં સ્થિર થયેલાં. સુરતમાં 11 ધોરણ સુધી ભણ્યાં. તરત નોકરી મળી ગઈ. ગામડાની બહેનોને પાદરામાં સીવણ શીખવતાં. પોતે ભરત-ગૂંથણ શીખી ગયાં. વાયોલિન વગાડતાં શીખ્યાં.

૧૯૬૩માં લગ્ન થયા, નોકરી નહીં કરવાની શરતે! પતિની  બેંકમાં નોકરી. લગ્ન બાદ બ્યાવર ગયાં. રાજસ્થાની પ્રથાઓ મુજબ સ્ત્રીઓએ મર્યાદામાં રહેવાનું. કામ જાતે કરવાનું. ત્રણ બાળકો (બે દીકરી,એક દીકરો) છે. નોકરીમાં  પ્રમોશન સાથે બદલી થાય. 13 વર્ષ રાજસ્થાન,11 વર્ષ યુપીમાં અને 16 વર્ષ રાજકોટમાં રહ્યાં.ઘરની કોઈ જવાબદારી નહીં!  સાસુ હોશિયાર હતાં, ઘરનું બજેટ તેઓ સંભાળતાં. મા-બાપના  ઘેર જવાબદારી નથી લીધી, હવે વહુએ જવાબદારી ઉપાડી લીધી છે! વહુ અને દીકરી બન્ને મદદ કરે છે. પણ ભરત-ગૂંથણનો વારસો તો દીકરાએ લીધો છે!

નિવૃત્તિની પ્રવૃત્તિ :

કોફી અને છાપું મળે એટલે લહેર! ભરવા-ગૂંથવાનું કામકાજ સરસ ચાલે! કાલે એક બ્લેન્કેટ પૂરું કર્યું! એક/બે સોયાનું બંને કામ કરે છે. ૪૦ જેટલી ચાદરો અને ૯૦ જેટલી ફ્રેમ બનાવી છે. પક્ષીઓની એમ્બ્રોઇડરી કરવી બહુ ગમે છે. વર્ષગાંઠ ઉપર તથા સામાજિક પ્રસંગે ભેટ આપે. 54 વર્ષથી ગણપતિ ઘરે બનાવે છે. હવે વહુ અને પૌત્ર પણ ગણપતિ બનાવે છે! કોરોના સમયમાં “આનંદી” સંસ્થાનાં કાર્યકરોએ તેમનું  બહુમાન કર્યું. અઝીઝ પ્રેમજી ફાઉન્ડેશનના સહયોગીઓએ અઝીમ અને યાસમીન પ્રેમજી સુધી તેમનો કલાત્મક મોર પહોંચાડ્યો જેની તેમણે ખૂબ પ્રશંસા કરી. યાદદાસ્ત  સારી છે… દત્ત-બાવની, ગુરૂ-ચરિત્ર, ગજાનન-વિજય, નર્મદાષ્ટક, ગંગાષ્ટક મોઢે છે. એક અધ્યાય બોલ્યાં પછી જ જમે!

શોખના વિષયો :

વાંચવા-લખવાનો શોખ છે. કોમ્પ્યુટર એન્ટ્રી કરતાં શીખી રહી છું.  નવી-નવી ડિઝાઈનો શોધવા youtubeની મદદ લઉં છું. હમણાં જ 500 કહેવતોનું કલેક્શન બનાવ્યું છે. ફેમિલી-ટ્રી બનાવે છે. રસોઈનો શોખ છે. પ્રયોગો કર્યાં કરે. કોઈ પણ વસ્તુનો બગાડ ન કરવો એવું માનવું છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

ખાવા-પીવાનો કે ઊંઘવાનો કોઈ પ્રોબ્લેમ નથી. સોમવાર, ગુરુવાર, શનિવાર, ચોથ, અગિયારસ, પૂનમ એક જ વાર જમે છે! આમ પણ રોજ એકાસણા જેવું જ હોય! આંખોના મોતિયાના ઓપરેશન પછી ચશ્મા પણ નથી! શરૂઆતનો ડાયાબિટીસ છે. થાઇરોઇડની તકલીફ થઈ હતી ત્યારથી દવા ચાલુ છે. કેલ્શિયમ લે છે. કસરત, મેડીટેશન કરે છે. એક કલાક ઘરમાં જ ચાલે છે. ફોન આવે તો ચાલતાં-ચાલતાં જ વાત કરે.  સૂતાં પહેલાં અગિયાર માળા જરૂર કરે.

યાદગાર પ્રસંગો : 

પહેલેથી સંયુક્ત કુટુંબમાં રહ્યાં છે. બાળપણમાં માસી-ફોઈનાં ભાઈ-બહેનો સાથે રહેતાં એટલે હવે જ્યારે બધાં ભાઈ-બહેનો ભેગાં થાય તે યાદગાર પ્રસંગ બની જાય. શનિ-રવિમાં પરદેશ રહેતાં કુટુંબીઓ ફોન કરે અને મળવા આવે. આ યાદગાર પ્રસંગો!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?: 

ઘરનાં સભ્યોની મદદથી ટેકનોલોજીનો ઉપયોગ નવી-નવી ડિઝાઈન અને સ્ટાઈલો શોધવા કરું છું. તેનાથી શીખવાનું મળે છે,  સમાચાર સમયસર મળે છે, બધી વાત સાચી છે. પણ ઘરનાં બધાં સભ્યો એકસાથે મોબાઇલ લઈને બેસી જાય છે ત્યારે ગુસ્સો આવે છે! ક્યારેક હસતાં-હસતાં કહું છું કે સ્માર્ટફોન કરતાં હું જ સ્માર્ટ છું!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

ઘણો ફેર પડી ગયો છે! કામ જાતે કરવામાં જે આનંદ હતો તે મશીનોમાં નથી. કપડાનું મશીન, ડીશવોશરથી  સુવિધા વધી ગઈ છે,પણ શરીર કામ કરતું ઓછું થઈ ગયું છે. વિચારતી હતી કે મારાથી હવે પહેલાં જેવી ચપટી વાગતી નથી !

આજની પેઢી સાથે સંકળાયેલા છો?

હા, ઘરનાં બાળકો,તેમનાં મિત્રો, કુટુંબીઓ વગેરે સાથે સીધો સંબંધ છે. દીકરી અને પૌત્રી પરદેશ છે.એમની સાથે વાતો થાય છે.આજનાં બાળકોની  બધી જીદ પૂરી થાય છે. ગજવું ભારે છે એટલે લાડમાં છૂટ છે! ફરવા જવું, પિક્ચર જોવાં, પાર્ટીઓ કરવી, જે કરવું હોય તે બાળકોને છૂટ છે. એને લીધે બાળકો થોડા સ્વચ્છંદી પણ બની જાય છે.

સંદેશો :

જીવન છે ત્યાં સુધી પ્રવૃત્ત રહેવું જોઈએ. તો જ તન અને મન સ્વસ્થ રહેશે.