નોટ આઉટ @ 82 : ધર્મિષ્ઠાબહેન નાણાવટી

આજના યુવાનો ભણવામાં અને કામમાં હોંશિયાર પણ સગા-વહાલા સાથે, કુટુંબમાં અને સમાજમાં બહુ ભળે નહીં, એટલે લગ્ન માટે યોગ્ય પસંદગી કરવામાં તકલીફ પડે. આ પ્રશ્નના  સોલ્યુશન રૂપે ધર્મિષ્ઠાબહેન નાણાવટીએ 30 વર્ષ પહેલા “સ્વયંવર”  મેરેજ બ્યુરો શરૂ કર્યું. ગુજરાતના ઉચ્ચ વર્ગમાં, ભણેલ-ગણેલ યુવાનોમાં અને NRI વડીલોમાં ખૂબ પોપ્યુલર એવા સ્વયંવર મેરેજ બ્યુરોના સ્થાપક ધર્મિષ્ઠાબહેન નાણાવટીની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ મુંબઈમાં, થાણામાં દાદાજી અને પિતાજી પોતાની સ્કૂલ (T.J.HIGHSCHOOL) ચલાવે. પિતાજી નાતમાં અને સમાજમાં આગળ પડતું કામ કરે, નાતની ઓફિસમાં પ્રેસિડેન્ટ, સોલ્ટ મર્ચન્ટ એસોસિએશનના પણ પ્રેસિડેન્ટ. માતા પણ ઘણાં એક્ટિવ. ઇનરવીલ ક્લબના પ્રેસિડેન્ટ. ભરતકામનું મહિલા મંડળ ચલાવે. ધર્મિષ્ઠાબહેન પોતે બીએસસી અને એલએલબી ભણેલાં. લગ્ન પછી અમદાવાદ આવી પ્રકાશ હાઇસ્કુલમાં તેમણે થોડો સમય નોકરી કરી. તેમના ઓળખીતા એક બહેન લગ્ન માટે મેચ-મેકિંગનું કામ ઘરમાંથી જ કરતાં. ધર્મિષ્ઠાબહેન સાસુ સાથે રહેતાં અને વડીલને ઘરમાં એકલાં મૂકી કાયમ બહાર જવાય નહીં એટલે ધર્મિષ્ઠાબહેને પણ આવું કામ ઘરમાંથી કરવાનું વિચાર્યું, અને “સ્વયંવર”  મેરેજ બ્યુરોની સ્થાપના કરી. બહુ થોડા વખતમાં જ સરસ સફળતા મળી.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે સાત વાગે ઊઠે, છાપા વાંચે, નાસ્તા-પાણી કરે, થોડું ચાલે, યોગા કરાવવા ટીચર આવે એટલે યોગા કરે. પછી સેવા-પૂજા કરે. થોડો આરામ કરી જમીને બપોરે સ્વયંવરમાં પોતાનો સમય આપે. સાંજે ઘરમાં જ થોડું ચાલે. સસરાના નામે ટ્રસ્ટ ચલાવે છે, જેમાં વડીલો અને માનસિક જરૂરિયાતવાળા લોકોને મદદ કરવાના કામમાં વ્યસ્ત રહે છે.

શોખના વિષયો : 

સંગીત બહુ ગમે. તેઓ શાસ્ત્રીય-સંગીત શીખ્યાં છે. મુંબઈ-રેડિયો પર તેમનો અવાજ પાસ થયેલો છે. શાળાના અને નાતના સંગીત પ્રોગ્રામમાં પુરુષોત્તમ ઉપાધ્યાય તબલા પર તેમની સંગત કરતા. સસરા પાછળ કીર્તન-ભજનની કેસેટ પણ બનાવી છે. પેઇન્ટિંગ અને ભરતકામનો ખૂબ શોખ છે. ફરવાનો પણ બહુ શોખ છે. દુનિયા આખી ફર્યાં છે. ક્યારેક સોલો-ટ્રાવેલર તરીકે પણ ફરે છે. બકુ, જાપાન વગેરે સ્થળોએ સોલો-ટ્રાવેલર તરીકે ફર્યાં છે. લોકોને મળવાનો અને મદદ કરવાનો શોખ છે. બહેનોને આગળ લાવવાનું બહુ ગમે છે. સોલા ભાગવત વિદ્યાપીઠના શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી માટે તેમને બહુ માન છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સરસ છે. એક આંખમાં થોડી તકલીફ છે અને જરૂરી દવા લેવી પડે છે, પણ એકંદરે તબિયત ઘણી સારી છે. એકવડો બાંધો અને ગજબના સ્ટેમિના સાથે આટલું મોટું મેરેજ બ્યુરો તેઓ સરસ રીતે સંભાળી શકે છે!

યાદગાર પ્રસંગ:  

ધર્મિષ્ઠાબહેનની બહેનપણી ઝોહરાના પિતા થાણામાં મેજિસ્ટ્રેટ હતા. ધર્મિષ્ઠાબહેન પોતાની બાળવયમાં, બાળપણની મિત્ર ઝોહરાના લગ્નમાં મુંબઈથી અમદાવાદ આવ્યાં હતાં. ઉંમર તો ઘણી નાની હતી પણ હજુ એ લગ્નના પ્રસંગો તેમને નજર સામે દેખાય છે! લગ્ન અડધી રાતે હતા એટલે ધર્મિષ્ઠાબહેન લગભગ સુઈ ગયાં હશે અને ઊંઘમાં જ તે લગ્ન જોયા હશે પણ તેનું સ્મરણ હજુ તેમને છે! પતિના બાયપાસના ઓપરેશન વખતે પાડોશમાં રહેતા એક ડોક્ટરે તેમને બહુ મદદ કરી હતી તે પણ યાદ છે.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

મોબાઈલ સરસ રીતે વાપરે છે, YOUTUBE ઉપર પણ જરૂરી કામ કરી લે છે. સ્વયંવરની મોટી અને એક્ટિવ વેબસાઈટનો દસેક હજારથી વધારે લોકો લાભ લે છે, 10 દેશોમાં વપરાય છે. તેમના હાથ નીચેનો સ્ટાફ ટેકનીકલ કામ સંભાળી લે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

ખૂબ જ ફેર પડી ગયો છે! બાળકો ઘરમાં પોતાના વડીલોનું નથી માનતા તો બહારના લોકોનું તો શું માને? લગ્ન-સંસ્થામાં વિશ્વાસ ઘટતો જાય છે. લિવ-ઈન રિલેશનશિપ પર કાયદાની મહોર વાગી ગઈ છે એટલે લગ્ન માટે યુવાનો રસ ઓછો બતાવતા થયા છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

સ્વયંવર”ને લીધે યુવાનોના રોજ-બ-રોજના સંપર્કમાં છે. તેમની પસંદગી-નાપસંદગી સારી રીતે જાણે છે. તેમને દુઃખ છે કે આજના યુવાનોને કોઈ જવાબદારી લેવી નથી. તેઓ મા-બાપને સંભાળવા માગતા નથી અને બીજી બાજુ તેઓ બાળકો માટે પણ તૈયારી નથી.

સંદેશો :  

પ્રામાણિક બનો. કોઈનો વિશ્વાસ-ઘાત ન કરો. કર્મના સિદ્ધાંતમાં માનો. ખોટું કરશો તો તમારું પણ આખરે ખોટું જ થશે તેમ ચોક્કસ માનજો.