નોટ આઉટ @ 104 : વ્રજલાલભાઈ મહેતા 

104 વર્ષે શેરબજારના કામમાં સક્રિય અને સાથે-સાથે જૈન ધાર્મિક-ક્રિયાઓ કરવામાં પણ એટલા જ ઉત્સુક એવા વ્રજલાલભાઈ મહેતાની વાત સાંભળીયે તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

જન્મ અમરેલીમાં, એક ભાઈ, છ બહેનોનું બહોળું કુટુંબ.  બાપુજી મુંબઈ સર્વિસ કરતા (નામુ લખતા), વ્રજલાલભાઈનું  ભણતર ચોથા ધોરણ સુધી પણ ગણતર ઘણું! આઝાદીની લડતમાં ભાગ લીધો હતો, રોજ સવારે પ્રભાત-ફેરીમાં જતા અને રેંટીયો કાંતતા. 19 વર્ષે મુંબઈ નોકરી કરવા ગયા, તેમના મોતીના દાણા જેવા સુંદર અક્ષરમાં છૂટક નામા લખતા, 1939માં 15 રૂપિયાના પગારથી નોકરી શરૂ કરી હતી! અમરેલી પાછા આવ્યા બાદ નામું લખવાની સાથે ખાંડનો છૂટક ધંધો કરતા.

નિવૃત્તિની પ્રવૃત્તિ :  

સવારે શાંતિથી ઊઠે, પથારીમાં જ નવકાર-વાળી કરે. પછી નવકારસી કરી છાપુ વાંચે અને ટીવી સામે આસન જમાવે. ટીવી ઉપર શેરબજારને લગતું ડિસ્કશન સાંભળી, પોતાની રીતે એનાલિસિસ કરી, અમદાવાદના જાણીતા બ્રોકરને ફોનથી સોદા લખાવે. સોદાનાં બિલ આવે તે ખૂબ ધ્યાનથી અને ચીવટથી તપાસે! યોગ્ય લાગે ત્યારે લીધેલા શેર વેચી નફો બુક કરે. લગભગ 1982થી શેરબજારના કામકાજમાં પ્રવૃત્ત છે. બજાર બંધ થાય પછી ચારેક વાગે ટીવી પર ક્યારેક ધાર્મિક-પ્રોગ્રામ જુએ, સમાચાર જુએ અથવા ટીવી બંધ કરી ધાર્મિક ક્રિયા-કર્મ ઉપર લાગી જાય. લોગસ્સ, કાઉસ્સગ વગેરે ધાર્મિક કાર્યો કરે અને રાત્રે જમીને સમયસર સુઈ જાય.

શોખના વિષયો :  

ખાવા-ખવડાવવાનો બહુ શોખ, નવી-નવી વાનગીઓ બનાવડાવે, મીઠાઈઓ ખાસ! ઘરમાં ધાર્મિક પ્રસંગ કરવવા બહુ ગમે. સાધુ-સાધ્વી પ્રત્યે બહુ અહોભાવ, ઘણા ઉમંગથી તેમને પોતાના ઘેર ઊતારવાનું બહુ ગમે. પ્રવાસનો શોખ ખરો? એ પ્રશ્નના ઉત્તરમાં હસતા હસતા કહે: પ્રવાસનો શોખ ક્યાંથી હોય? પૈસા હોય તો શોખ થાયને!

 

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. બીપી, ડાયાબિટીસ જેવો કોઈ રોગ નથી. કાનની તકલીફ ખરી, જોઈ/વાંચી શકે છે એટલે પાટી પર લખીને કોમ્યુનિકેશન કરી શકે છે. ચાલવામાં થોડી તકલીફ થાય છે એટલે ઘોડીથી જ ચાલે છે. ક્યારેય કસરત,યોગ કે પ્રાણાયામ કર્યાં નથી. થોડાં વર્ષો પહેલાં સુધી શહેરનું બધું કામ તેઓ કરતા અને શાકભાજી પણ લઈ આવતા! તંદુરસ્તીના રહસ્ય માટે તેમના વહુ વર્ષાબહેનનું માનવું છે કે જમીને ડાબા પડખે સુઈ જાય છે અને સૂંઠ વધારે વાપરે છે તે કારણ હોઈ શકે.

યાદગાર પ્રસંગ: 

યાદશક્તિ ઘણી સારી છે! સમેત-શિખરની જાત્રા કરી હતી ત્યારના પ્રસંગો હજુ યાદ છે! દીકરાએ સિદ્ધચક્ર-પૂજન અને 109 પાર્શ્વનાથ-પૂજન કરાવ્યાં હતાં તે અમૂલ્ય પ્રસંગો પણ યાદ છે. દીકરા દવાના વેપારમાં છે, એટલે 94 વર્ષની ઉંમર સુધી વ્રજલાલભાઈ ચોપડા લખતા તે પણ હરખભેર યાદ કરે છે! એકવાર અમરેલીના મહારાજ-સાહેબ ઘરે આવ્યા હતા તો તેમણે અમરેલીની અને આસપાસના સ્થળોની બધી જ યાદ તાજી કરાવી દીધી હતી!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટેકનોલોજી ઘણી ઓછી વાપરે, પણ પોતાની જરૂરિયાત જેટલું તો કરી જ લે! જાતે ટીવી ચાલુ કરી પોતાને જરૂરી શેર-બજારની ચેનલ ઉપર પહોંચી શકે, જાતે ફોન કરી શેર-બ્રોકર સાથે  ભાવની ઊતર-ચઢ કન્ફર્મ કરી લે-વેચ કરી શકે અને પોતાના શેરબજારના કામકાજનો હિસાબ જાતે રાખી શકે! બધાં વાતોમાં હોય કે મોબાઈલમાં, તેમને બહુ ફરક પડે નહીં. પોતાની મરજી! જાતે પૈસા કમાય અને ખર્ચે એમાં શું બોલવાનું? પણ આવક પ્રમાણે જ ખર્ચો કરવો જોઈએ એવું ચોક્કસ માને.

 શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

બહુ ફેર થઈ ગયો છે! સમયકાળ જ બદલાઈ ગયો છે! સમય-પલટો થઈ ગયો છે! ભાવ 100 ગણા વધી ગયા છે! સીંગતેલ એક રૂપિયામાં 20 કિલો મળતું, ₹50નું તોલો સોનુ લીધેલું! અત્યારે મોંઘવારી ઘણી વધી ગઈ છે. સામાન્ય માણસો મૂંઝાય છે કે જીવવું કેમ?

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

ચાર પુત્રો, નવ પૌત્ર-પૌત્રીઓ અને 17 ભાણી-ભાણીયાથી ભર્યું-ભર્યું કુટુંબ છે, ચાર પેઢી જોઈ છે. બધાં સાથે સરસ સંપર્કમાં છે. પાડોશીઓનાં બાળકોને પણ બહુ સરસ રીતે રાખે છે. પુત્રના ઘરમાં આરએસએસના યુવાનો આવે તો તેમની સાથે પણ હળે-મળે અને દેશની તથા સમાજની પૂછપરછ કરે!

સંદેશો : 

જૈન-ધર્મ મળવો મુશ્કેલ છે માટે ધર્મ-ધ્યાન કરવું. સારી વર્તણુંક રાખવી. દુખિયારા માણસોને મદદ કરવી. જરૂર હોય તેને દવાના અને ભણવાના પૈસા આપવા. દિલમાં દયા રાખવી. અબોલ પ્રાણીઓનું રક્ષણ કરવું. નીતિ-દયા-ધર્મ ક્યારેય છોડવાં નહીં.