નોટ આઉટ @ 85 : ઈલા આરબ મહેતા

ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદના પુરસ્કારથી પુરસ્કૃત, ગુજરાતી ભાષામાં 20 થી વધુ પુસ્તકો લખનાર તથા રેડિયોની અને ટીવીની ઘણી ગુજરાતી શ્રેણીઓ લખનાર જાણીતા લેખિકા ઈલા આરબ મહેતાની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ મુંબઈમાં. તેમનો પ્રાથમિક અભ્યાસ જામનગર, રાજકોટ અને મુંબઈમાં થયો. બી.એ. તથા એમ.એ. રુહિયા  કોલેજ, મુંબઈમાં. શરૂઆતનાં થોડાં વર્ષો રુહિયા કોલેજમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું અને ત્યારબાદ લાંબો સમય સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. તેમના પતિ વ્યસ્ત  ડોક્ટર હતા અને બાળકોની જવાબદારી ઈલાબહેન પર હતી. તેમને એક પુત્ર,એક પુત્રી છે, તથા એક પૌત્રી, એક દોહિત્ર અને એક દોહિત્રી છે. પ્રખ્યાત લેખક ગુણવંત આચાર્ય તેમના પિતા અને જાણીતી લેખિકા વર્ષા અડાલજા તેમની નાની બહેન. શરૂઆતમાં અખંડાનંદ, નવનીત અને સ્ત્રી સામાયિકોમાં લેખ લખતાં અને આમ ધીમે-ધીમે લખવાનું શરૂ થયું. પિતા ગુણવંત આચાર્યના અચાનક મૃત્યુ વખતે એક સામયિકમાં તેમની ધારાવાહિક નવલકથા પબ્લિશ થતી હતી. તે નવલકથા આગળ ચલાવવા સામાયિકના તંત્રીએ ઈલાબહેનને વિનંતી કરી અને તેમણે લખવાનું શરૂ કર્યું તે પછી ક્યારેય પાછું જોયું નથી!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે ઊઠીને એક કપ ચા પીએ. છાપુ લઈ સમાચાર વાંચે. જરૂરી દવાઓ લે અને આઠેક વાગ્યે પૌત્રી શાળાએ જાય તે પછી તેમની કસરત વગેરેનું કામ શરૂ કરે જે 11 વાગ્યા સુધી ચાલે. પછી થોડો આરામ કરે. આખો દિવસ વાંચન-લેખનનો પ્રોગ્રામ ચાલે. થોડો સમય ટીવી ઉપર ન્યુઝ જુએ. પિક્ચર પણ જુએ. પ્રોગ્રામો જોવા પણ ગમે ….જો કે હવે અંધેરીથી બહુ દૂર જતાં નથી. વાંચવું અને લખવું એ તેમની મુખ્ય પ્રવૃત્તિ.

શોખના વિષયો : 

ઈલાબહેનને સિરિયસ વાંચન કરવું બહુ ગમે. અને લેખન કરવું પણ ઘણું ગમે. હિન્દી અને અંગ્રેજી પિક્ચરો જોવાનો શોખ. ફિલ્મી સંગીત સાંભળવાનું પણ ગમે. ઘરમાં કૂક હોવાથી 40 વર્ષથી રસોડામાં ગયાં જ નથી.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત આમ તો સારી છે. કોવિડ પછી પગમાં થોડી તકલીફ થઈ છે. નિયમિત ફિઝીઓ થેરેપી કરાવવી પડે છે. 2000 ની સાલમાં બાયપાસ ઓપરેશન થયું હતું. હાલ ઘરમાં હરતાં-ફરતાં છે. હમણાં જ ભવન્સમાં પ્રોગ્રામમાં હાજરી આપી હતી, પણ હવે પ્રોગ્રામ માટે બહુ દૂર જતાં નથી.

યાદગાર પ્રસંગ:  

એક વાર અમદાવાદ રેડિયો તરફથી યોજએલ વકૃત્વ સ્પર્ધામાં તેમણે ભાગ લીધો હતો. તેમના પિતાજી પણ તેમની સાથે અમદાવાદ આવ્યા હતા તે તેમને યાદ છે. આ રીતે તેઓ રેડિયો આર્ટિસ્ટ તરીકે નાટકોમાં ભાગ લેતાં થયાં જેમાં તેમના  પિતાજી કાયમ તેમને સાથ આપતા. રેડિયો પર રૂપકો અને ચર્ચા-વિચારણાના સંવાદો વગેરેમાં પણ ભાગ લેતાં થયાં અને ધીરે ધીરે રેડિયોની સાથે સાથે તેમણે ટીવીમાં પણ ભાગ લેવાનું શરૂ કર્યું. 1972માં દિલ્હીથી પ્રસારિત થતાં ગુજરાતી પ્રોગ્રામ માટે ઝવેરચંદ મેઘાણીની “તુલસી ક્યારો” તેમણે 13 એપિસોડમાં તૈયાર કરી હતી. ટીવી નાટકો પર હથોટી સારી બેસી ગઈ. તે પછી તો તેમણે “રાધા”, “વારસદાર” જેવી ઘણી શ્રેણીઓ લખી.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટેકનોલોજી માટે તેઓ ઘણાં પોઝિટિવ છે, પણ કાગળો સાથે તેમને વધુ ફાવે છે! whatsapp, ઇમેલ તથા ઝૂમ મીટીંગોનો સારી રીતે ઉપયોગ કરી જાણે છે. હસતાં-હસતાં ઉમેરે છે: “મારી 11 વર્ષની પૌત્રી કદાચ મારા કરતાં ટેકનોલોજી વધારે જાણતી હશે!”

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

આજનો માણસ “કંઈક” મેળવવા માટે જબરી દોટ લગાવે છે! માતા-પિતા પણ બાળકને આ માટે પુશ કરે છે! મહત્વકાંક્ષા પૂરી કરવા કુટુંબ આખું મથી પડે છે! ઘણાં ક્ષેત્રમાં બાળકને ધકેલે, તેને પરદેશ જવા માટે ક્લાસની ફી ભરે, વગેરે વગેરે. બાળકો પર એટલું બધું પ્રેશર આવી જાય છે વાત આત્મહત્યા સુધી પહોંચી જાય છે! શું આ બધું જરૂરી છે?

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

“લેખિની” જેવી સાહિત્યની સંસ્થાઓને લીધે યુવાનો સાથે સંપર્કમાં છે. 2000ની સાલ સુધી તો કોલેજમાં આધ્યાપક હતાં એટલે યુવાનો સાથે નિયમિત સંપર્કમાં રહેતાં. હજુ પણ એમ.ફીલ. અને પીએચડીનાં વિદ્યાર્થીઓ સાથે નિયમિત ટચમાં છે.

સંદેશો :  

યુવાનો માટે ખાસ સંદેશ છે: સારું વાંચન કરો. ઉપર-છલ્લા દેખાવો છોડો. દેખાડા છોડી મા-બાપના પ્રશ્નો સમજો અને ગંભીરતાપૂર્વક જીવન જીવો.