જોયાં છે કદી 7500 પ્રકારના મોર? મળો, આ કલાકારને…

દેશના રાષ્ટ્રીય પક્ષી મોરના નયનરમ્ય નજારા જોવા કોને ન ગમે? મોર જેટલા જ સુંદર મોરનાં ચિત્રો-ડિઝાઈન પણ જોવા ગમતા હોય છે. અલબત્ત, તમને કોઈ કહે કે 7500 પ્રકારના એકમેકથી કોઈકને કોઈક રીતે જુદા મોરનાં ચિત્રો પણ હોય તો તમે માનશો? વિશ્વાસ કરવો મુશ્કેલ તો બને. જોકે આ અશક્ય લાગતી વાતને કોણે ને કેવી રીતે શક્ય કરી બતાવી છે એ જાણતા પહેલાં એક સ્મૃતિકથા માણવા જેવી છે.

આ સ્મૃતિકથા એક અસામાન્ય કલાકારની છે, જેની શરૂઆત ભાયાવદરમાં એમના પ્રાથમિક શિક્ષણના વરસોથી થાય છે. પાંચ-સાડા પાંચ દાયકા પહેલાના સમાજમાં ગરીબ ખેડૂતના ઘરે જન્મેલા બાળક માટે ચિત્રકામનો શોખ નવાબી શોખ જ ગણવો પડે. એવા સમયમાં નાનકડા બાળકે એક યુક્તિ ઘડી કાઢી. ખેડૂત હોવાથી અનેક સાહેબોના ઘરે એ દૂધ આપવા જતો, એટલે જ્યાંથી એને કાગળ ને પેન્સિલના ટુકડા મળે એ ઉપાડી લેતો. એ કાગળો લઈ ખેતરે જઈ બેસે. પ્રકૃતિમાં એકચિત બને અને જે દ્રશ્યો હૃદયમાં પેસી જાય એને કાગળ પર ઊતારી લે.

આમ કરતાં-કરતાં એ બાળકને કલાસાધાન એવી ફળી કે માધ્યમિક શાળા સુધીમાં તો એના હાથમાં સરસ્વતીએ ઘર કરી લીધું. એ વરસોમાં આ બાળકલાકાર તાલુકા પંચાયતના એક મોટા અધિકારીસાહેબના ઘરે દૂધ આપવા જતો. એકદિવસે એના ખિસ્સામાંથી ચિત્રો નીચે પડી ગયા. અધિકારીસાહેબને એ ચિત્રો જોઈ આશ્ચર્ય થયું. એમણે બધું પૂછ્યું. બાળકે ડરતાં-ડરતાં જણાવ્યું કે એને ચિત્રકામ ગમે છે, પણ કાગળો-પેન્સિલ નથી મળતા, એટલે આમ ટુકડાઓ ભેગા કરીને એ ચિત્રો બનાવે છે. તાત્કાલિક પેલા સાહેબે એને ઘરમાં બોલાવી નવા કાગળ-પેન્સિલ આપી ચિત્રો દોરવાનું કહ્યું અને બસ… આ બાળકે પછી તો પેલા સાહેબના જ શબ્દોમાં કહીએ તો, ચિત્રો નહીં, કમાલ કરી નાખી કમાલ! પછી તો એ અધિકારીસાહેબ વારંવાર આ બાળકને કાગળ-પેન્સિલ આપતા રહ્યા અને એના કલાકાર જીવને પ્રોત્સાહિત કરતા રહ્યા. એ બાળકનું નામ હતું વલ્લભ પરમાર.

જામનગરના ભાણવડમાં જન્મેલા વલ્લભભાઈ આજે 65 વર્ષની ઉંમરે પણ પથારીમાં કાગળ-પેન્સિલ લઈને જ સૂવે છે, કે ક્યાંક ઊંઘમાંથી ઊઠીને કે સપનામાંથી જાગીને એમને કશુંક ચિતરવાનું સૂઝી આવે તો તરત ચિતરી શકે.

ચિત્રકલાને આટલા સમર્પિત જીવ બનવા પાછળ એમની લાંબી સંઘર્ષગાથા છે,

વલ્લભભાઈ પોતાની પ્રાથમિક તાલીમ યાદ કરીને કહે છે, ‘સ્કૂલમાં કેશુભાઈ લાઠીગરા નામના એક કલાશિક્ષક હતા. એમને મારા પ્રથમ ગુરુ ગણી શકું. એકદિવસ એમણે ઘરેથી ચિત્ર દોરી લાવવાનું કહ્યું હતું. મેં ચિત્ર દોરીને સૂકાવવા મૂક્યું હતું, ત્યાં એના પર રેતી ફરી વળી. રેતી ઉપર ચોંટી ગઈ. હવે એમાં કશું થાય એમ નહોતું. હું એમ ને એમ એ ચિત્ર શિક્ષક પાસે લઈ ગયો. કેશુભાઈએ ઠપકો આપવાને બદલે એને રેતચિત્ર કહી બિરદાવી લીધું અને શાબાશી આપી. પછી તો બીજા ચિત્રમાં મેં રેતીને ચાળીને ચોંટાડી અને સર એકદમ રાજી થઈ ગયા… આખા ક્લાસને એ બતાવ્યું… એમના પ્રોત્સાહન-માર્ગદર્શન-મદદને કારણે મારામાં રહેલો ચિત્રકામનો શોખ પૂરબહારે ખીલી ઊઠ્યો.’

એસ.એસ.સી-ઈન્ટરમિડિયેટમાં ગુજરાત ફર્સ્ટ આવતાં વલ્લભભાઈને વિદ્યાનગરની કલાકેન્દ્ર કોલેજ ઓફ ફાઈન આર્ટમાં એડમિશન મળી ગયું. ત્યાં પણ તેઓ પ્રથમ રહ્યા. ત્રીજા જ વર્ષે એમને રાજકોટની જ્ઞાનદીપ સ્કૂલમાં કલાશિક્ષણ તરીકે નોકરી મળી ગઈ, જ્યાંથી તેઓ થોડાં વરસ પહેલાં જ નિવૃત્ત થયા છે. આમ કલાકાર જીવને આખી જિંદગી કલાસેવા કરવાની તક મળી એ પણ એમના કલાપ્રેમનો જ પરચો ગણવો પડે. આ કલાકારની સિદ્ધિઓ જેટલી અસામાન્ય છે, એટલી જ અસામાન્ય એમની કલાસફર છે. સંઘર્ષો અને મુશ્કેલીઓમાંથી પાર ઊઠીને એમણે પોતાની કલાસાધનાને સતત ઉન્નત કરી બતાવી છે.

2013માં વલ્લભભાઈ એક ભયંકર અકસ્માતનો શિકાર બન્યા. માથામાં અત્યંત ગંભીર ઈજા પહોંચી અને શરીરમાં ફ્રેક્ચર આવ્યા. મહિનાઓ સુધી પથારી પર રહેવાનું હતું. ડોક્ટરને ખબર પડી કે તેઓ આર્ટિસ્ટ છે, એટલે ડોક્ટરે સલાહ આપી કે કાગળ પર ગમેતે લીટા કરતા રહો એટલે આંગળીની હલચલ બંધ ન થઈ જાય. આખા મોઢા પર પાટા હોવાથી બોલાય નહીં, ખવાય નહીં એવી આફતની સ્થિતિમાં ચિત્રો બનાવવાના? વલ્લભભાઈએ હિંમત ન હારી. તેમણે નક્કી કર્યું કે કાગળમાં લીટા કરીને શું કરવું, ચિત્રો જ કરવા છે તો એવા કરવા જે જીવનભર યાદ રહી જાય. પથારીવશ રહીને માત્ર કલ્પના અને કેળવેલી કુશળતાના જોરે થઈ શકે એવા ચિત્રો કરવાનો એમણે નિર્ધાર કર્યો. અનેક ચિત્રો વિશે વિચાર્યા બાદ મોરને તેમણે વિષય તરીકે પસંદ કર્યો. પથારીમાં રહીને વલ્લભભાઈએ મોરના એક-બે નહીં, પૂરા સવા પાંચસો પિક્ટોરિયલ ચિત્રો બનાવ્યાં. આ સિદ્ધિને બિરદાવવા લિમ્કા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં એમનું નામ આવ્યું. પથારીમાંથી ઊભા થઈ વલ્લભભાઈ ધીમેધીમે સ્વસ્થ થતા ગયા અને નોકરી ફરી શરૂ કરી, પણ હવે એમના જીવનમાં જુદો જ ઉત્સાહ ઉમેરાઈ ગયો હતો, મોરનાં નીતનવાં ચિત્રો દોરવાનો.

પછી તો તેમણે મોરનાં 2000 ચિત્રો પૂરા કર્યાં, 3000, 4000 અને છેલ્લે 2021માં મોરનાં 7500 ચિત્રો માટે એમનું નામ ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. આ પહેલાં 2014માં લિમ્કા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ, 2019માં ઈન્ડિયા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ, 2019માં એશિયા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને 2021માં જ મેજિક બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ એમના નામે મોરનાં ચિત્રોના રેકોર્ડ નોંધાયા છે. આજીવન કલાશિક્ષક રહ્યા હોવાથી વલ્લભભાઈને ચિત્રશિક્ષણમાં પણ ખૂબ રસ રહ્યો છે. એમણે કલાશિક્ષણ અને ચિત્રકામ માટે પુસ્તકો પણ તૈયાર કરીને આપ્યાં છે. એમની તમામ સિદ્ધિઓ માટે એ પત્ની મંજુલાના સાથસહકારને ખાસ બિરદાવે છે. પોતાના શાળાજીવનના કલાગુરુ કેશુભાઈ લાઠીગરાનું તો એમણે અન્ય વિદ્યાર્થીઓ સાથે મળી વિશેષ સન્માન પણ કર્યું હતું. આ ઉપરાંત વલ્લભભાઈએ રાજકોટના રાજવીના અંગત પ્રસંગોમાં વરસો જૂના રજવાડાના આબેહૂબ ચિત્રો પણ દોરી આપ્યાં છે. ગાંધીનગર સહિત અનેક સ્થળો પર એમના ચિત્રોનાં પ્રદર્શન પણ યોજાયાં છે.

આખી વાત મોરની જ ચાલી છે, તો અંત પણ મોરની વાતથી કરીએ. વલ્લભભાઈનો કલાપ્રેમ એમના દીકરા સાગરના દીકરા શ્રેયમાં પણ ઊતર્યો છે. થોડાં વરસ પહેલાં જ સાત વર્ષના શ્રેયનું નામ મોટરનાં 3000 ચિત્રો માટે મેજિક બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોધાયું છે. આને જ કહેવાયને કે, મોરના ઈંડા ચિતરવા ન પડે!

(પરેશ ચૌહાણ)

(મોરના ચિત્રોની ફોટોગેલેરી જોવા માટે અહીં ક્લિક કરો….https://chitralekha.com/gallery/culture-gallery/this-man-from-rajkot-painted-7500-peacock-painting/)