આન્ટી અમારી ભૂલ થઇ ગઈ, જવા દો રીન્કુને…

‘હું તૈયાર છું.’ રીંકુએ કહ્યું અને તેના દોસ્તોને તાળી દઈને શરત સ્વીકારી. તેર વર્ષનો રીંકુ જાણતો હતો કે શરત મુશ્કેલ હતી. શેરીના છ-સાત છોકરાઓ રોજ સાથે રમતા. બધાની ઉંમર પણ લગભગ સરખી બાર-પંદર વર્ષની વચ્ચે. ક્રિકેટ રમે, ખો-ખો રમે અને ક્યારેક કબડ્ડી રમે. વોલીબોલ કે ફૂટબોલ જેવી રમતો તેમને પસંદ નહોતી અને તેનું કઈ ખાસ આકર્ષણ પણ નહિ. આ બધા બાળકો તો ટીવીમાં ક્રિકેટ પ્રીમિયર લીગ અને કબડ્ડી પ્રીમિયર લીગ જોઈને ખુશ થતા. ખો-ખો તેમને શાળામાં પીટીના ટીચરે શીખવાડેલી. લખોટી અને સંતાકૂકડી જેવી રમતોથી પણ તેઓ પરિચિત નહિ. થોડા નવા જમાનાના બાળકો એટલે બહારની રમતોનું સ્થાન તેમના જીવનમાં વીડિયોગેમ્સ અને મોબાઈલે લઇ લીધેલું પરંતુ છતાંય બાળપણ તો બાળપણ. બધા બાળકો સાથે મળે તો તેનો આનંદ જ કૈંક અલગ હોય.

રોજ રોજ ભેગા મળીને સાંજે એક-બે કલાક રમે. ધીમે-ધીમે દોસ્તી પાકી થવા લાગી અને મોટા થાતાં ગયા તેમ-તેમ તોફાન અને મસ્તી પણ ચડવા લાગી. એક નવી શીખેલી મસ્તી એટલે સોસાયટીમાં લોકોના ઘરનો ડોરબેલ વગાડીને ભાગી જવું. છેલ્લા કેટલાક દિવસથી આ મસ્તીમાં તેમને ખુબ આનંદ આવવા લાગેલો. છેલ્લા બે સપ્તાહથી લગભગ આ રમત ચાલતી હતી. સોસાઈટીના લોકો હવે ફરિયાદ કરવા લાગ્યા હતા કે ખબર નહિ કોણ ડોરબેલ વગાડી જાય છે અને ડિસ્ટર્બ કરે છે. બહાર નીકળીએ છીએ તો કોઈ નથી હોતું. જરૂર કોઈ તોફાની છોકરાનું કામ હોવું જોઈએ.

આ બાળકોના ઘરમાં પણ આવા તોફાનની વાતો પાડોશમાંથી આવેલી. તેમની મમ્મીઓ પણ આ વાતોથી ચિડાઈ હતી પણ કોણ ડોરબેલ વગાડે છે તે પકડાયું નહોતું. બધા બાળકોની ગેંગે નક્કી કરેલું કે બધાના ઘરે આ મસ્તી કરવાની, પોતાના ઘર પણ છોડવા નહિ. જેથી ખબર ન પડે તેઓ જ આ કરીસ્તાનની પાછળ જવાબદાર છે. રીન્કુના ઘરનો વારો પણ આવી ગયો હતો અને લગભગ બીજા બાળકોના ઘર પણ વારાફરતી આવી ગયેલા.

આજે સૌથી ખતરનાક ઘરનો વારો હતો. સોસાઈટીની સૌથી ખતરનાક મહિલાના ઘરની ડોરબેલ આજે વગાડવાની હતી. આ તો બિલ્લીના ગળે ઘંટી બાંધવા જેવું ખતરનાક કામ હતું. ચીઠ્ઠી કાઢવામાં આવેલી અને તેમાં રીંકુનું નામ નીકળેલું.

‘યાર એ તો બહુ ખડુસ આંટી છે ‘બે.’ બિલ્લુએ કહેલું.

‘હા યાર. એ તો તરત લડવા આવશે ઘરે જો ખબર પડી ગઈ તો. એના ઘરે તો કૂતરુંય નથી જતું!’ બીજા છોકરાએ વધારે વિગત આપી.

‘સ્કૂલ ટીચર છે પણ છોકરા ગમતા જ નથી એને. કોઈની સાથે બહુ વાતચીત કરતા જોઈ નથી મેં તો.’ પિન્ટુએ ટહુકો પુરાવ્યો.

રીન્કુને ડર તો લાગી રહ્યો હતો કે આ આન્ટીનું ઘર તેના જ ભાગે આવ્યું પણ હવે તે ના કહે તો દોસ્તોમાં બેઇજ્જતી થાય તેવું હતું અને હવે તેર વર્ષની વયે જો દોસ્તોમાં નીચે જોવા જેવું થાય તે રિંકુને પોષાય તેવું નહોતું. ગમે તે થાય પણ આજે તો હિમ્મત કરીને તે આંટીનો ડોરબેલ વગાડીને ભાગી જવું.

‘બિલ્લુ, યાર, બરાબર પ્લાન કરવો પડશે. તમે બધા એ સામેની દીવાલની પાછળ છુપાઈને બેસી જાઓ અને ત્યાંથી જોજો. હું ડોરબેલ દબાવીને સીધો ત્યાંજ આવી જઈશ. ખૂણામાં મારી જગ્યા ખાલી રાખજો નકામી ક્યાંક જોઈ જશે ને તો બધાંયનો વારો કાઢશે.’ રિન્કુએ પોતાનો પ્લાન બધા દોસ્તોને કહ્યો.

‘હા, પણ રીંકુડા, જલ્દી ભાગજે હો. જોઈ જશે તો પાછળ આવશે.’ બીજા એક મિત્રએ સલાહ આપી.

પ્લાન બરાબર બની ગયો એટલે સૌએ ફરીથી તાળી દીધી અને રીન્કુને હિમ્મત આપી.

સાંજ ઢળવા આવી હતી. ધીમે ધીમે અંધારું થઇ રહ્યું હતું. બધા બાળકોને ઘરે જવાનો સમય થાય તે પહેલા રીન્કુએ આ કામ પૂરું કરવાનું હતું. તેમનો સૌનો નિયમ હતો. ઘરે જતા પહેલા, થોડું અંધારું થાય ત્યારે જ ડોરબેલ વગાડીને ભાગવાનું જેથી થોડીવારમાં તો સૌ પોતપોતાના ઘરે હોય અને તેમના ઉપર વાંક ન આવે.

રીન્કુ ધીમે ધીમે દરવાજા તરફ આગળ વધ્યો અને બીજા મિત્રો દીવાલની પાછળ ભરાઈને બેઠા અને ડોક ઊંચી કરીને જોઈ રહ્યા. રીંકુએ બે-ત્રણ વાર પાછળ ફરીને મિત્રોને જોયા કે તેઓ ભાગી તો નથી ગયા ને. મિત્રો આજુબાજુ પણ નજર રાખતા હતા કે કોઈ ત્રીજી વ્યક્તિ જોઈ ન જાય. નહીંતર આખી સોસાયટીએ સૌને ખબર પડી જશે કે તોફાની ટોળી કોણ છે.

રીન્કુ બિલ્લી પગે ચાલતો દરવાજા પાસે પહોંચ્યો અને હાથ ઊંચો કરીને ડોરબેલ દબાવી. બેલના રણકાનો અવાજ સંભળાયો અને રીંકુ પાછો વળી મુઠી વળી દોડવા માંડ્યો પણ તેનું શરીર આગળ ગયું નહિ. તેનો શર્ટ પાછળથી કોઈએ પકડી લીધો હતો અને તેનો દોડવા માટે ઊંચો કરેલો એક પગ હવામાં અધ્ધર લટકતો હતો. તે સમજી ગયો કે આન્ટીએ તેણે પકડી લીધો છે. પાછળ વાળીને તેણે જોયું તો તેનો ડર સાચો હતો.

તેના મિત્રોએ જેવું આ દ્રશ્ય જોયું કે તેમના પગ ધ્રુજવા લાગ્યા. બિલ્લુ એ કહ્યું, ‘ભાગો.’

‘ના બે. રીન્કુડો ફસાયો છે. આપણે જઈને સોરી કહીને એને છોડાવીએ નહિ તો બીચાળાને બહુ માર પડશે.’

બધા છોકરાઓ આ વાત માની ગયા અને દીવાલની પાછળથી નીકળીને આંટીના ઘર તરફ ગયા.

આન્ટી જોયું કે રીન્કુના મિત્રો પણ આવી ગયા હતા. તેનો ચેહરો સખત હતો અને તે સહેલાઈથી બધાને છોડી દે એવું લાગતું નહોતું.

‘આંટી અમારી ભૂલ થઇ ગઈ, આંટી. જવા દો રીન્કુને.’ પિન્ટુ એ આંટીને વિનંતી કરી અને બીજા બધાએ પણ હાથ જોડીને વિનંતી કરતા હોય તેમ ઉભા રહી ડોકું હલાવ્યું.

‘તો તમે બધાએ ભેગા મળીને આ કામ કર્યું છે?’ આન્ટીએ મક્કમ અવાજે પૂછ્યું.

કોઈ કઈ બોલ્યું નહિ અને નીચું જોઈને ઉભા રહ્યા.

‘કેવા છોકરા છો? ઢગરા થયા અને ડોરબેલ વગાડતા પકડાઈ જાવ છો? અમે તમારી ઉંમરના હતા તો કેવી કેવી મસ્તી કરતા પણ કોઈની હિમ્મત છે કે પકડી પાડે? ‘ને તું તો પહેલીવારમાં જ પકડાઈ ગયો? મોબાઇલમાંથી બહાર નીકળીને મેદાનમાં રમતા થાવ નહીંતર કઈ નહિ શીખો જાઓ હવે. બીજે પ્રેક્ટિસ કરજો કાલથી. ખબરદાર જો મારા દરવાજે દેખાય છો તો.’ આન્ટીએ રીન્કુને છોડ્યો અને છોકરાઓને ઠપકો દેતા ભગાવી દીધા.

છોકરાઓને સમજાયું નહિ કે આન્ટીએ શિખામણ આપી કે ઠપકો આપ્યો. પણ આટલી આસાનીથી છોડી દેશે તેવી આશા તો કોઈને નહોતી એટલે છૂટ્યા તેનો આનંદ માણતા સૌ ઘરભેગા થઇ ગયા.

(રોહિત વઢવાણા) 

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)