આ કાળઝાળ ગરમીમાં મોટા શું કે નાના બાળકો શું કોઈ ગરમી સહન નથી કરી શકતા. 3 મહિનાનું બાળક સુદ્ધાં પંખો જો થોડીવાર માટે બંધ થાય તો તરત પંખા તરફ જોવા માંડે છે. તો પંખા અને એસીને થોડીવાર માટે પણ બંધ શા માટે રાખવા?
આજના વખતમાં લોકો જરા પણ ગરમી સહન નથી કરી શકતા. મધ્યમ વર્ગના લોકો પણ ગરમીના દિવસોમાં પોતાના ઘરોમાં એસી લગાડાવે છે. આ એસી ઘરમાં ક્યારેક તો 24 કલાક ચાલુ રહેતાં હોય છે. પરંતુ એના કારણે રૂમનું તાપમાન તેમજ આપણા શરીરને માફક તાપમાન શું સંતુલિત થાય છે? તો કેટલું હોવું જોઈએ રૂમનું તાપમાન?
નિષ્ણાતો જણાવે છે, શાંતિભરી ગાઢ નિંદ્રા માટે રૂમનું તાપમાન 18.3 ડિગ્રી સેલ્સિયસ અથવા એની આસપાસ હોવું જોઈએ. રૂમનું તાપમાન 15.6થી લઈને 19.4 ડિગ્રી સેલ્સિયસ ગાઢ નિંદ્રા માટે ઉપયુક્ત છે. જેનાથી તમારા શરીરને પૂરતો આરામદાયક અનુભવ મળશે. જો કે, આપણા શરીરને સાંજ પછી ઓછા થતાં તાપમાનની આદત કુદરતી હોય છે.
બાળકો માટે રૂમનું તાપમાન કેટલું હોવું જરૂરી?
બાળકોના શરીરને ઠંડક વધુ લાગતી હોય છે. જેથી રૂમનું તાપમાન 1-2 ડિગ્રી વધુ રાખવું જોઈએ. બાળકોના રૂમમાં તાપમાન 20.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું રાખવામાં આવે તો તે લોકો સહજતાથી ઉંઘી જશે અને જાગ્યા પછી પણ તાજગીસભર રહેશે. બાળકોનું શરીર નાનું હોય છે. તેમજ વિકાસના તબક્કામાં હોય છે. તેથી જો રૂમનું તાપમાન વધુ પડતું ગરમ હોય તો સડેન ઈન્ફન્ટ ડેથ સિન્ડ્રોમનું જોખમ વધી જાય છે.
શરીરનું તાપમાન?
કુદરતી રીતે સૂતી વખતે શરીરનું તાપમાન ઓછું થતું જાય છે. તે સવાર થતાં સુધીમાં સૌથી નીચલા સ્તરે પહોંચી જાય છે. ત્યારબાદ તે ધીરે ધીરે વધવાનું શરૂ કરે છે. જાણકારી પ્રમાણે, શરીર ગાઢ નિંદ્રા માટે પોતાનું તાપમાન ઠંડું કરે છે. જ્યારે જાગવા માટે પોતાનું જ તાપમાન ફરીથી વધારવાનું શરૂ કરી દે છે. જો કે, રૂમનું વધુ પડતું ગરમ તાપમાન કોઈ પણ માટે બેચેની વધારી શકે છે અને ડિહાઈડ્રેશનનો સામનો પણ કરવો પડી શકે છે.
આ તો થઈ એસીને કારણે રૂમના તાપમાનની વાત. પરંતુ ઉનાળાના પ્રખર ગરમીના દિવસોમાં રૂમમાં એસી અને પંખા એકધારા પણ ના ચલાવવા જોઈએ. ઓવરલોડને કારણે ઓવર હીટીંગની સમસ્યા થઈ શકે છે! કોઈકવાર તે ઇલિક્ટ્રિકલ આગ તરફ પણ દોરી શકે છે.
રાત્રે સૂતી વખતે તમે એર કંડિશનરને ઓટો મોડમાં સેટ કરી શકો છો. જેથી સિસ્ટમ ઑટો મોડમાં હોય, ત્યારે તે સતત, આરામદાયક તાપમાન જાળવવા માટે તાપમાન અને પંખાની ગતિને આપમેળે ગોઠવે છે. એનો અર્થ એ કે, એસી સતત ચાલતું નથી, પરંતુ ઇચ્છિત તાપમાન જાળવવા માટે જરૂર મુજબ આપમેળે ચાલુ અને બંધ થાય છે.
પંખા માટે સમજવું જરૂરી છે કે, પંખો ચાલે છે ત્યારે તેમાંની મોટર ઈલેક્ટ્રિસિટીને મુવમેન્ટમાં રૂપાંતરિત કરે છે. જેથી પંખાની અંદર હીટ જનરેટ થાય છે અને પંખો બળવાની સમસ્યા થઈ શકે છે.
તો પંખો દિવસ દરમિયાન કેટલીવાર માટે બંધ રાખવો જરૂરી છે? નિષ્ણાતો જણાવે છે કે, તમે 8 કલાક સુધીમાં ઓછામાં ઓછા 1 કલાક માટે પંખો બંધ રાખી શકો છે. જો તમે આવું ના કરી શકો તો પંખો બગડી તો શકે છે. પણ કોઈકવાર તેની અંદર રહેલી બેરીંગ પણ બળી શકે છે. જેથી શક્ય ત્યાં સુધી સારી બ્રાન્ડના પંખા ખરીદવા અને બને ત્યાં સુધી દર મહિને પંખો સાફ કરવો.