એક્ઝિટ પોલ માટે તમારો શું ઓપિનિયન છે?

ચૂંટણીમાં મતદાન પતે અને પરિણામ આવે ત્યાં સુધીનો સમયગાળો એક રીતે શુષ્ક અને એક રીતે બહુ રોમાંચક હોય. શુષ્ક એટલા માટે કે મતદાનના દિવસ સુધી તો પ્રચારનો રોમાંચ અને છલ્લી ઘડીના દાવપેચ રમાતા હોય એની મજા પડે, પણ મતદાન પત્યા પછી બધું શાંત પડી જાય એટલે ચૂંટણીને લગતા કોઇ સમાચાર ન હોય. રોમાંચક એટલા માટે કે, પરિણામો આવે ત્યાં સુધી શું થશે, શું થશેના ઇંતેજારમાં એક્ઝિટ પોલ્સનો મસાલો ભળે એટલે કુતુહલની આ ભેળ વધારે ચટપટી બને!

ગુજરાતની ચૂંટણીમાં પણ 5 ડિસેમ્બરે સાંજે મતદાન પત્યું એ પછી ટેલિવિઝન ચેનલ્સ પર એક્ઝિટ પોલનો મારો શરૂ થયો છે. દરેક વરતારા ભાજપની સરકાર બનશે એવું ભાખી રહ્યા છે અને આ પોલના આંકડાઓ જાણે પરિણામના જ આંકડાઓ હોય એમ રાજકીય પંડિતો સ્ટુડિઓ મારફતે એમનું જ્ઞાન દર્શકો સુધી વહાવી રહ્યા છે. ચૂંટણી પહેલાં ઓપિનિયન પોલ અને મતદાન પછી એક્ઝિટ પોલની ટેલિવિઝન ચેનલોમાં થતી ચર્ચા ચૂંટણીની રંગોળીમાં નવા નવા કાલ્પનિક રંગો ઉમેરે છે. રાજકીય પક્ષોને, ચૂંટણી પંડિતોને અને દર્શકોને બધાને એમાં મજા ય આવે છે.

છેવટે આ ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ એ છે શું?

એ રાજકીય પક્ષો, ટેલિવિઝન ચેનલો અને એજન્સીઓ માટે તો ફક્ત બિઝનેસ છે, પણ ખરા અર્થમાં તો એ એક શાસ્ત્ર છે. આંકડાઓના વિશ્લેષણનું વિજ્ઞાન છે. અંગ્રેજીમાં એને સેફોલોજી (Psephology) કહે છે.

આપણે ત્યાં આમ તો છેક 50-60ના દાયકાથી મતદારોના વર્તન અને અભિગમથી એમના માનસને સમજવાના આશયથી ચૂંટણીને લગતા પોલ યોજાય છે. એની શરૂઆત કરેલી પંડિત નહેરુના મિત્ર અને ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક ઓપિનિયન’ ના ડો. એરિક ડિકોસ્ટાએ. અલબત્ત, એ સમયે સંસાધનોના અભાવે ઘણી મર્યાદાઓ હતી તો પણ 1957 અને 1962ની ચૂંટણીમાં આ પ્રયોગો થયેલા. એ પછી નવીદિલ્હીની સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ (CSDS) એ 1967થી ચૂંટણીમાં પોલ યોજવાની શરૂઆત કરી.

હા, એને લોકપ્રિયતા મળી ટેલિવિઝન આવ્યા પછી. 80ના દાયકામાં જાણીતા પત્રકાર ડો. પ્રણોય રોયે ચૂંટણીઓમાં મતદારોનો મૂડ જાણવા માટે ઓપિનિયન પોલની હાથ ધરીને આંકડાઓના વિશ્લેષણ દ્વારા ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ પેશ કરવાની શરૂઆત કરી. એ સમયે દૂરદર્શન સિવાય ખાનગી ટેલિવિઝન ચેનલો તો નહોતી એટલે ઇન્ડિયા ટૂડે, આઉટલૂક, ફ્રન્ટલાઇન જેવા સામયિકોમાં આ પોલ્સના તારણો પ્રકાશિત થતા. 1996ની સામાન્ય ચૂંટણીમાં દૂરદર્શન પર દેશવ્યાપી એક્ઝિટ પોલ પ્રસારિત થયા. CSDS એ હાથ ધરેલા આ પોલનું સતત પાંચ કલાક સુધી પ્રસારણ થયું. એ પછી એની મજા અને માંગ વધી.

સમય જતાં ખાનગી ચેનલ્સ આવી. ડિમાન્ડ વધી એટલે પોલ કરનારી એજન્સીઓ ય વધી. આજે CSDS ઉપરાંત C-Voter, Axis, P-Mark જેવી ઘણી એજન્સીઓ અલગ અલગ ન્યૂઝ ચેનલ્સ સાથે પોલ યોજે છે.

એવી પણ માન્યતા છે કે હવામાન ખાતાની આગાહીની માફક આ પોલ પણ મોટાભાગે ખોટા જ હોય છે અને એટલે જ પોલનું પોલંપોલ કહીને એની મજાક ઉડાવાય છે, પણ વાસ્તવિકતા એ છે કે આંકડાઓના અવલોકનનું આ શાસ્ત્ર સંપૂર્ણ સાચું ય નથી અને તદ્દન ખોટું ય નથી!

ઉદાહરણ તરીકે, 1998 અને 1999ની લોકસભા ચૂંટણીમાં એનડીએ બહુમત મેળવશે એવું લગભગ બધા જ પોલ્સમાં ભખાયેલું. એ સાચું ય પડેલું, પણ આ જ પોલ પંડિતો મતદારોનું માનસ પારખવામાં 2004 અને 2009ની ચૂંટણીમાં ગોથું ખાઇ ગયેલા. કોઇએ એવું નહોતું કહ્યું કે એનડીએને પછાડીને યુપીએ સત્તામાં આવશે! નજીકના ભૂતકાળમાં પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પોલ ખોટા પડ્યા છે તો ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોમાં પોલના તારણો સાચી દિશાના પૂરવાર થયા હતા.

ગુજરાતની જ વાત કરીએ તો 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સત્તા પર આવશે એવું બધા જ એક્ઝિટ પોલ્સ કહેતા હતા અને એ સાચું ય પડ્યું, પણ ભાજપને જે બેઠક સંખ્યા મળેલી એ લગભગ ખોટી હતી. બધા એક્ઝિટ પોલ્સમાં એ વખતે ભાજપને 100 થી વધુ બેઠક અપાયેલી, જ્યારે પરિણામમાં ભાજપને 99 બેઠક મળી હતી.

પોલ્સ ખોટાં કે અર્ધસત્ય સાબિત થાય છે એના કારણો શું છે? એની મર્યાદાઓ જાણીએ.

એકઃ એની સેમ્પલ સાઇઝ. ભારત જેવા વિશાળ દેશમાં, વિવિધ જ્ઞાતિ-ધર્મ-સામાજિક વાડાઓની વિવિધતા ધરાવતા દેશમાં પાંચ-પચીસ હજાર લોકોનો અભિપ્રાય એ પાંચ-દસ લાખ લોકોનો અભિપ્રાય બની શકે કે કેમ એ સવાલ છે. આપણા દેશમાં મતદાન કરતો દરેક મતદાર પોતાની સ્વતંત્ર બુધ્ધિથી વિચારીને મતદાન કરતો નથી. એ નાત-જાત-ધર્મ-સંપ્રદાયના બંધનોથી કે પછી લાગણીના આવેગથી ગાડરિયા પ્રવાહમાં તણાઇને મત આપે છે. આવી સ્થિતિમાં એ પોલમાં શું મત આપે છે એ મહત્વનું રહેતું નથી.

બેઃ પોલ યોજનારી એજન્સીઓ મતવિસ્તારના દરેક ક્ષેત્રનું પ્રતિનિધિત્વ સમાવવાનો દાવો કરે છે, પણ એમ છતાં મોટાભાગના પોલ શહેરી વિસ્તાર પૂરતા સિમિત રહે છે. સર્વેક્ષણ માટે જનાર વ્યક્તિ પચીસ-પચાસ ગણતરીના સેમ્પલ માટે ગામડાંઓમાં જતો નથી એટલે આ પોલ અર્બન-કેન્દ્રિત વધારે રહે છે.

ત્રણઃ પોલના તારણોનો આધાર તમે કેવા સવાલો પૂછો છો એના પર છે. ‘તમને અમુકતમુક નેતાનું કામ ગમ્યું?’, ‘તમે ક્યા મુદ્દાના આધારે મત આપશો?’ એવા સવાલના જવાબમાં અમુક ઓપ્શન હોય કે પછી ‘તમને અમુકતમુક નેતાની કઇ વાત ગમે?’ એવા પ્રકારના સવાલોના જવાબ એક સુનિશ્ચિત ફ્રેમમાં જ મળવાના. તારણો પણ એ જ પ્રમાણે નીકળવાના.

ચારઃ સવાલ એ છે કે સોશિયલ મિડીયા અને માસ મિડીયાના સમયમાં ચૂંટણી પહેલાં જ અમુક પક્ષની તરફેણમાં કે વિરોધમાં માહોલ બંધાતો હોય છે. હવાની રૂખ કઇ તરફ છે એનો અંદાજ સતત મળતો રહેતો હોય છે ત્યારે પોલના તારણોમાં એની અસર વર્તાય છે કે કેમ? પોલ એજન્સીઓ દાવો કરે છે કે એમના તારણો ફક્ત અને ફક્ત સર્વેમાં મળેલા ડેટાના આધારે જ તૈયાર થાય છે, પણ દરેક એજન્સીને પોતાના તારણો સાચા પડે એવી ઇમેજ પણ જાળવી રાખવાની હોય જ છે. સાચા પડવાની લાલચમાં કે પછી ખોટા પડવાના ડરથી એ આ માહોલથી પ્રભાવિત થવાથી કેટલી હદે બચી શકે છે એ સવાલ છે.

અલબત્ત, એનો અર્થ એવોય નથી કે બધું હંબગ જ છે. એની મેથડ, એના તારણો કે એનું અર્થઘટન ખોટું હોઇ શકે, સેફોલોજી એક વિજ્ઞાન તરીકે ખોટું નથી. થોડા સમય પહેલાં આ જ મુદ્દે દેશની જાણીતી એજન્સી સી-વોટરના ફાઉન્ડર યશવંત દેશમુખ સાથે ઘણી ચર્ચા થયેલી. એમણે એક વાત બહુ સરસ કહેલી કે, આપણે ત્યાં ઓપિનિયન પોલ કે ખાસ કરીને એક્ઝિટ પોલને ચૂંટણી પરિણામોની આગાહી ગણી લેવામાં આવે છે અને એટલે જ એ ખોટા પડે ત્યારે મજાકનું સાધન બને છે. વાસ્તવમાં એ મતદારોનું માનસ કઇ રીતે વિતારી રહ્યું છે એનો ફક્ત દિશા-નિર્દેશ કરે છે…

આટલું વાંચ્યા પછી યશવંત દેશમુખ સાથેની ચર્ચા સાંભળવામાં રસ પડે તો આ વિડીયો જોજોઃ 

https://youtu.be/LoFe8DNup8Y

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)