રેવડી કલ્ચર અને ચૂંટણી પંચ

એ સમાચાર તો તમે વાંચ્યા જ હશે કે, દેશભરમાં ચાલી રહેલી રેવડી કલ્ચરની ચર્ચા વચ્ચે ચૂંટણી પંચે 4 ઓક્ટોબરના રોજ બધા જ નોંધાયેલા રાજકીય પક્ષોને એ પત્ર લખ્યો છે કે, ચૂંટણી વખતે મતદારોને મફત આપવાના જે વચનો આપવામાં આવે છે એ વચનો પૂરા કરવા માટે જરૂરી નાણાં ક્યાંથી લાવશો, કઇ રીતે યોજનાનું ભંડોળ ઊભું કરશો એ બધી વિગતો પણ રાજકીય પક્ષોએ પંચને પૂરી પાડવી પડશે જેથી પંચના મોડેલ કોડ ઓફ કન્ડક્ટ-MCC ના ભાગ-8માં મેનીફેસ્ટો (એટલે કે ચૂંટણી ઢંઢેરો)ની ગાઇડલાઇનમાં જરૂરી સુધારા કરી શકાય. પંચે 19 ઓક્ટોબર સુધીમાં જવાબ આપવા તાકીદ કરી છે.

તમે એ સમાચાર પણ વાંચ્યા જ હશે કે, હજુ ગયા એપ્રિલ મહિનામાં જ સુપ્રીમ કોર્ટમાં રેવડી કલ્ચરના મુદ્દે દાખલ થયેલી પિટીશનની સુનાવણીમાં આ જ ચૂંટણી પંચે આ મુદ્દો પોતાના અધિકારક્ષેત્રની બહાર છે અને પંચ આ રીતે ચૂંટણી વચનના મુદ્દે રાજકીય પક્ષની નોંધણી રદ ન કરી શકે એ મતલબનો જવાબ કોર્ટમાં આપ્યો હતો. સાદી ભાષામાં સમજીએ તો પંચે આ મુદ્દે લગભગ હાથ અધ્ધર કરી દીધેલા.

તો, છ મહિનામાં એવું તે શું થયું કે અચાનક પંચમાં એના ભૂતપૂર્વ કમિશ્નર ટી. એન. શેષાનનો આત્મા આવી ગયો અને પંચે કડક થઇને આદર્શ આચારસંહિતામાં આ સુધારાની તજવીજ શરૂ કરી?

(Photo: IANS TWITTER)

1990થી 1996નો એક જમાનો હતો, જ્યારે ટી. એન. શેષાનના નામથી ચૂંટણી પંચનો સ્ટાફ, ચૂંટણીના કામમાં જોડાયેલું તંત્ર અને રાજકીય પક્ષો-રાજકારણીઓ બધાને ઝાડા થઇ જતા. શેષાન ગયા એ પછી ય થોડોક સમય સુધી એ ધાક રાજકારણીઓ પર વર્તાતી રહી, પણ આજે સ્થિતિ એવી છે કે આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરનાર રાજકારણીઓ કે રાજકીય પક્ષોને ચૂંટણી પંચ સાદી નોટીસ આપવાથી આગળ કાંઇ કરી શકતું નથી એવામાં આ નવા સુધારાથી પંચ શું કરી શકશે?

પંચ પાસે કહેવા માટે ‘મોડેલ કોડ ઓફ કન્ડક્ટ’ એટલે કે ચૂંટણી સમયે રાજકીય પક્ષો કે ઉમેદવારોએ કેમ વર્તવું એની આચારસંહિતા છે, પણ તકલીફ એ છે એનો ભંગ કરનારને સીધો દંડ કરવાની પંચ પાસે કોઇ સત્તા જ નથી! બહુ બહુ તો અમુકતમુક કલાકો સુધી જાહેર પ્રચાર ન કરવો કે જાહેર રેલી ન યોજવી એવા પ્રતિબંધો લાદવાથી વિશેષ પંચ કાંઇ કરી શકતું નથી અને રીઢા રાજકારણીઓને આવા પગલાંથી કાંઇ ફરક પડતો નથી. ઉલટાનું, આવા પગલાંથી સોશિયલ મિડીયામાં એમની વાતને વધારે વેગ મળે છે!

યાદ કરો, માર્ચ 2014માં ગાંધીધામમાં મંજૂરી વગર લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને જાહેરસભા કરવા બદલ પંચે અરવિંદ કેજરીવાલ સામે ફરિયાદ દાખલ કરેલી. એપ્રિલ, 2019માં ફતેપુરા (દાહોદ)ના ભાજપી ધારાસભ્ય રમેશ કટારાએ મતદારોને ખુલ્લેઆમ ધમકીના સૂરમાં કહેલું કે, ‘મોદીસાહેબે તમામ બુથમાં કેમેરા લગાડ્યા છે એટલે તમે કોને મત આપો છો એ ખબર પડી જ જશે, ધ્યાન રાખજો!’ રાજસ્થાનના ભૂતપૂર્વ ગવર્નર કલ્યાણસિંહે ગવર્નરપદે હતા ત્યારે પાર્ટીના કાર્યકરોને સંબોધન કરતાં કહ્યું હતું કે, ‘હું પણ તમારી જેવો જ કાર્યકર હતો.’ આ વિધાન પછી ચૂંટણી પંચે રાષ્ટ્રપતિ સમક્ષ ધા નાખેલી કે, આમાં કાંઇક પગલાં લ્યો!  ધર્મના નામે મત માગવાની મનાઇ હોવા છતાં ભાજપના સંબિત પાત્રા ભગવાન જગન્નાથજીની મૂર્તિને લઇને રેલીમાં પ્રચાર કરવા આવેલા. શિવસેના (હવે ઉધ્ધવ ઠાકરેવાળીસ્તો)ના બોલબચ્ચન નેતા સંજય રાઉતે 2019માં ‘ભાજપ જરૂર પડયે ઇવીએમમાં ચેડાં કરીને ય કન્હૈયાકુમારને હરાવશે જ’ એ મતલબનું વિધાન કરતાં પંચે એમને નોટીસ પાઠવેલી. ભાજપી નેતા મનોજ તિવારી વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પ્રચારમાં ઢસડી લાવવાનો પ્રયત્ન કરતા ઝડપાઇ ચૂકેલા છે.

આવા તો અસંખ્ય ઉદાહરણો હશે, જેમાં પંચે નેતા કે પક્ષને નોટીસ પાઠવી હોય, પણ કોઇને સજા થઇ હોય એવું ઉદાહરણ શોધ્યું જડતું નથી.

હા, એપ્રિલ 2019માં ઉત્તરપ્રદેશના સુલતાનપુરના ભાજપી ઉમેદવાર મેનકા ગાંધીએ મુસ્લિમો મત નહીં આપે તો પરિણામો ભોગવવા પડશે એ મતલબનું વિધાન જાહેરમાં કરતાં પંચે એમના પર 48 કલાક સુધી પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂકેલો. યોગી આદિત્યનાથે પણ અલી-બજરંગબલી જેવા વિધાન માટે આ પ્રતિબંધનો સામનો કરેલો, પણ સોશિયલ મિડીયાના આ જમાનામાં તીર એક વખત કમાનમાંથી નીકળી ગયા પછી આ પ્રકારના પ્રતિબંધથી કોઇ અર્થ સરતો નથી. પાર્ટી કાર્યકરોને કે મતદારોને જે મેસેજ પહોંચાડવાનો હોય એ પહોંચી જ જાય છે એટલે ચોવીસ-અડતાલીસ કલાકના પ્રતિબંધથી નેતાજીઓનું રૂંવાડું ય ફરકતું નથી.

(પ્રતીકાત્મક તસવીર)

કબૂલ કે, મોડેલ કોડ એ કાયદો નથી અને પંચ પાસે દંડની સત્તા નથી, પણ રેપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ, 1951, આઇપીસી 1860 અને કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર એક્ટ 1973 હેઠળ પંચ મજબૂતીથી ધારે તો કોડનો ભંગ કરનાર સામે ફરિયાદ દાખલ કરીને લડી શકે છે, પણ પંચ સામાન્ય નોટીસ અને જવાબી ખુલાસાથી આગળ વધતું નથી. ફરિયાદ કરે તો કાનૂની લડત લાંબી ચાલે અને એનો ઉકેલ આવે ત્યાં સુધીમાં તો બીજી ચૂંટણી ય આવી ગઇ હોય!

મુદ્દો એ છે કે, આચારસંહિતાના મામલે કાંઇ ઉકાળી ન શકતું પંચ હવે ચૂંટણી ઢંઢેરાના સુધારામાં શું કરી શકશે?

એક તો, રાજકીય પક્ષો જે વચનો આપે છે એ સત્તામાં આવશે તો એવી શરત સાથેના હોય છે. રાજકીય પક્ષો પાસે આ સૌથી મોટી છટકબારી છે. ચૂંટણીમાં અપાતા વચન એ વચન છે, કાનૂની બાંહેધરી નથી. અને, આ સતયુગ નથી કે નેતાઓ પ્રાણ જાય પર વચન ન જાય એવી રઘુકુલ રીતિને અનુસરે.

(File Photo: IANS)

બીજું કે, સોશિયલ મિડીયાના આ જમાનામાં હવે ચૂંટણી ઢંઢેરો જ લગભગ અપ્રસ્તુત બની ગયો છે. ઢંઢેરામાં જે કહેવાય છે અને પ્રચારમાં જે કાંઇ આચરાય છે એમાં બહુ અંતર છે. આજકાલ તો ગેરેંટી પત્રોનો જમાનો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત નથી થઇ ત્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જાતજાતની બાંહેધરી-ગેરેંટી આપી ચૂક્યા છે. ઢંઢેરામાં જે કહેવાય છે એ ઇરાદો હોય છે અને ઇરાદા તો ચાંદ-તારા લાવી આપવાના પણ હોઇ શકે. એના માટે ચાંદ પર જવાનો ખર્ચ ક્યાંથી લાવશો એવું ન પૂછાય!

ત્રીજું, માની લઇએ કે પંચના આદેશને શરમેધરમે માન આપીને રાજકીય પક્ષો વચનો પૂરા કરવા માટે નાણાં ક્યાંથી લાવશે એની વિગતો આપે ય ખરા. પક્ષો તો કહી દે કે, આ ફલાણીઢીંકણી યોજના માટે ફલાણીઢીંકણી સ્કીમ લાવીશું, આ રીતે નાણાં ઉભા કરીશું, બોન્ડ લાવીશું, ફલાણા ટેક્સ વસુલીશું વગેરે. એ પછી સત્તામાં આવીને એનું પાલન કરે છે કે નહીં એ જોવાની કે એ પાલન કરાવવાની પંચ પાસે કોઇ સત્તા છે ખરી? ચૂંટણી પંચ સ્વતંત્ર બંધારણીય સંસ્થા છે, પણ ચૂંટાયેલી સરકાર નાણાં ક્યાંથી લાવે છે અને નાણાંની ફાળવણી કઇ રીતે કરે છે એ એનો વિષય જ નથી એટલે પંચની મર્યાદા આવી જાય છે. છેવટે તો મામલો આદર્શ આચારસંહિતાનો છે, કાયદાના પાલનનો નહીં.

આ મામલે ટોચના ધારાશાસ્ત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે 5 ઓક્ટોબર, 2022ના રોજ કરેલું એક ટ્વિટ ઘણું કહી જાય છે. કપિલજી ટ્વિટે છે કે, કદાચ ચૂંટણી પંચને જ એક મોડેલ કોડ ઓફ કન્ડક્ટની જરૂર છે!!

(લેખક ચિત્રલેખા.કોમ ના એડિટર છે.)