ગુજરાતી-સંસ્કૃતના શિક્ષક તરીકે 40 વર્ષની અર્થપૂર્ણ કામગીરી બાદ જમુભાઇ હીરાલાલ ઠક્કર હાલ 35 વર્ષથી રીટાયર્ડ છે. હારીજ,પાલનપુર, પાટણ પાનસર અને છેલ્લે અમદાવાદ સ્વસ્તિક સ્કૂલમાં શિક્ષણકાર્ય કર્યું. આકાશવાણીમાં તથા સ્ટેજ પર બાળકો માટે એકાંકી અને ત્રિઅંકી નાટકો લખતા અને કરાવતા. બાળકો અને વડીલો વચ્ચેના સંબંધોની વાત કહેતું તેમનું ” ફૂલે સુધાર્યા કાંટા ” નામનું નાટક ઘણું લોકપ્રિય થયેલું. યુવાનીમાં મોટીવેશનલ સ્પીકર તરીકે તેમની બોલબાલા હતી. ક્રિકેટનો તેમને ઘેલો શોખ. કબડી, વોલીબોલ જેવી રમતો પણ ગમે. અખાડો, વ્યાયામ, આસન અને પ્રાણાયામ શોખના વિષયો.
એમની સાથેની વાતચીતનો એક્સ-રેઃ
નિવૃત્તિની પ્રવૃત્તિ
બાળકોને ગુજરાતી-સંસ્કૃત વ્યાકરણ ભણાવવાનું ૯૦ વર્ષની ઉમર સુધી ચાલુ હતું. વ્યાકરણની સાથે-સાથે જીવનના પાઠ પણ ભણાવતા. તેમનો પ્રિય વિષય વ્યાકરણ, અને તેમાંય અલંકાર.વાર્તા કહી બાળકોને શીખવે. ‘યામા તારા જીભને સળગાવ’ ની વાર્તાથી શીખવેલો અલંકાર હજીય બાળકોને યાદ છે. ક્યારેય પર્સનલ ટ્યુશનના પૈસા લીધા નથી. તેમના મતે શિક્ષકોએ પૈસા લઈ પર્સનલ ટ્યુશન શરુ કર્યા ત્યારથી વિદ્યાર્થીઓ પાસેથી આદર ગુમાવ્યો! શિક્ષણ ધંધો થઈ ગયો છે. બાળકોનો વાંક નથી. યોગ્ય ગુરુ બનો તો શિષ્ય સામેથી આવે !
સાહિત્ય અને વાંચન-લેખન ચાલુ છે. 81 વરસે 81 કાવ્યોનું “ઝંખના” નામનું પુસ્તક લખ્યું છે. સાથે-સાથે હાસ્ય લેખો લખ્યા છે. જીવનમાં હાસ્ય નથી તો કંઈ નથી! અત્યારે આંખોમાં થોડી તકલીફ છે, છતાં દીકરાના મેડિકલ-સ્ટોરમાં સેવા આપે છે. કુટુંબ અને સામાજિક કાર્યો પણ કરે છે.
યાદગાર પ્રસંગ
એકવાર શાળાનાં બાળકોને લઈને પ્રવાસમાં ગયા હતા. એક છોકરો ખોવાયો. પોલીસમાં ફરિયાદ કરી. બધાં બાળકો ગભરાઈ ગયાં. કેટલાંક બાળકો તો રડવા લાગ્યાં. થોડીવાર રહીને ખોવાયેલો છોકરો કંદોઈની દુકાનેથી મળ્યો. બેઠો બેઠો મીઠાઈ ખાઈ રહ્યો હતો !
નવી ટેકનોલોજીનો ઉપયોગ
મર્યાદિત ઉપયોગ કરે છે. ટીવી અને મોબાઇલનો ઉપયોગ સારી રીતે કરે છે. ક્રિકેટ, કોમેડી-શો તથા આસ્થા ચેનલ પ્રિય છે.
શું ફેર પડ્યો લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
આજકાલ મા-બાપ પાસે સમય ઓછો છે. આર્થિક કારણોસર સ્ત્રીઓને નોકરી કરવાની જરૂર પડે છે. મા-બાપ જ કુટુંબમાં મહેમાનની જેમ આવતા હોય છે. બાળકોમાં, કુટુંબમાં રસ લેતા નથી એટલે ફિલ્મી જગત અને બહારની દુનિયાની અસર વધુ છે. સમયના અભાવને વસ્તુઓથી ભરી દેવાનો પ્રયત્ન કરે છે. ઘરમાં જો વડીલો હોય તો તેમણે આખા કુટુંબ માટે સાથે જમવાનો આગ્રહ રાખવો જોઈએ. જમતી વખતે મોબાઈલનો વપરાશ બંધ રાખવો જોઈએ. દીકરીઓ અને બહેનો માને છે, પણ પુરુષ-વર્ગ માનતો નથી! હળીમળીને કુટુંબમાં સાથે રહેવાની ભાવના ઘટતી જાય છે.
બાળકોને જે શોખ હોય તે રમત રમીને તેની ખૂબીઓ સમજાવો. રમતના નિયમોમાં બાળકને વિવેક શીખવો. મા-બાપ જેટલા તૈયાર હશે તેટલો વિકાસ બાળકનો થશે.
યુવાનો કેમ દિશાશૂન્ય?
પેરેન્ટ્સ કામ કરતા હોય એટલે સમય ઓછો મળે. રાતના વાર્તા કહી માં-બાપ કે દાદા-દાદી સુવાડતા. તે હવે ક્યાં? તે શું ખાલી વાર્તાઓ હતી? તેનાથી તો બાળકોને સંસ્કાર મળતા, પૌરાણિક કથાઓ, ધર્મ, ઈતિહાસ જાણવા મળતા, વિજ્ઞાન સમજવા મળતું, સમાજમાં કઈ રીતે રહેવાય તે જાણવા મળતું. તકલીફના સમયમાં તે નૈતિક હિમત બની સાથ આપતું. હવે તો મોબાઈલ લઈ બાળક કે કિશોર સૂઈ જાય. શું સાંભળે છે, વાંચે છે, શું કરે છે તે માવતરને ખબર પણ નથી હોતી.
મા-બાપના સંસ્કાર ક્યાં ગયા? સંસ્કાર આઘાપાછા થાય તો મિત્રોનો પ્રભાવ વધે. પહેલાં આવે માવતર, પછી મિત્રો, પછી શિક્ષકો અને છેલ્લે પર્યાવરણ, પણ હવે ક્રમ ઉલટો થઇ ગયો છે!
આજની પેઢી સાથે સંકળાયેલાં છો?
હા, એકદમ! ચૌદ વર્ષનો મારો પૌત્ર મારો પાક્કો મિત્ર છે! મારી બધી સંભાળ પણ તે જ રાખે! દવા, કપડાં, પુસ્તકો…. બધાનું ધ્યાન એ રાખે. તેનો અભ્યાસ કેમ ચાલે છે, તેના મિત્રો કોણ છે, તે શું વાંચે છે એ બધું પણ મારી સાથે શેર કરે!
આપનો સંદેશ
દરેક વ્યક્તિ પોતપોતાની રીતે સાચી છે પણ ક્યાંક તો કાચું કપાયું છે! અપેક્ષાઓ વધી છે. થોડે અંશે સંજોગો અને વાતાવરણ જવાબદાર છે. બાળ-ઊછેરમાં તકલીફ તો પડશે પણ તકલીફનો તડકો વેઠી શકે તેને જ તરક્કીનો છાયડો મળે!
(દર્શા કીકાણી)