ખેતરની વચ્ચે એક હેલિકોપ્ટર ઊભેલું જોઈને કોઈને એમ જ થાય કે અહીંયા કોઈક નેતા આવ્યા લાગે છે અથવા કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલે છે, પણ એ હેલિકોપ્ટર કોઈ નેતા કે અભિનેતાનું નહોતું, પણ એક સ્કૂલના શિક્ષક માટે આવ્યું હતું. એની પાછળ એક વાર્તા કે વચન છે.
વાત એમ છે કે રાજસ્થાન અલવર જિલ્લાની એક સરકારી શાળાના રમેશ ચંદ મીણા નામના એક શિક્ષક નિવૃત્ત થયા બાદ એમના પત્નીને હેલિકોપ્ટર દ્વારા ઘેર લઈ ગયા હતા.
મીણાએ પત્ની સોમતી દેવીને હેલિકોપ્ટરમાં કરાવેલી સફરના સમાચાર ખૂબ ચગ્યા છે.
પત્નીને કરાવેલી આ સ્પેશિયલ સફરને કારણે મીણા એકદમ વ્યસ્ત થઈ ગયા છે, કારણ કે અનેક ટીવી ચેનલો અને પત્રકારો એમની મુલાકાત લઈ રહ્યાં છે.
મીણાનું કહેવું છે કે અલવર જિલ્લાના લક્ષ્મણગઢ તાલુકાના સોરાઈ ગામની એક સરકારી શાળામાં સમાજ સેવાના શિક્ષક રમેશ ચંદ મીણાએ એમના પત્નીને સ્કૂલમાંથી પોતાના ઘેર લઈ જવા માટે હેલિકોપ્ટર ભાડે કર્યું હતું, જે માટે એમણે રૂ. 3.7 લાખનો ખર્ચો કર્યો હતો. આ ખર્ચો એમણે પત્નીને ભૂતકાળમાં આપેલા વચનનું પાલન કરવા માટે કર્યો હતો.
સ્કૂલથી મીણા દંપતીનું ગામ આશરે 22 કિલોમીટર દૂર આવેલું છે.
મીણા દંપતીને સ્કૂલની નજીકના ખેતરમાંથી હેલિકોપ્ટરમાં જતા જોવા માટે ગામવાસીઓ ટોળે વળ્યા હતા. એમનું હેલિકોપ્ટર શનિવાર, 1 સપ્ટેંબરે બપોરે 1.30 વાગ્યે રવાના થયું હતું. એમને માટે શાળાએ વિદાયસમારંભ યોજ્યો હતો. લોકો મીણા દંપતીને સરઘસાકારે, વાજતેગાજતે, ફટાકડા ફોડતાં ગામના હેલિપેડ (ખુલ્લા મેદાન અથવા ખેતર)માં લઈ ગયા હતા. ઘણાએ તો દંપતી સાથે સેલ્ફી પણ પડાવી હતી.
હેલિકોપ્ટરમાં સફર કરીને મીણા અને એમના પત્ની એમના ગામ મલાવલી પહોંચ્યા હતા અને ત્યાં પણ એમના ગામવાસીઓ એમને આવકારવા માટે ટોળે વળ્યા હતા અને એમની પર ફૂલોનો વરસાદ વરસાવ્યો હતો.
રમેશ ચંદ મીણા 34 વર્ષ સુધી સેવા બજાવ્યા બાદ શિક્ષક પદેથી નિવૃત્ત થયા હતા.
મીણાએ કહ્યું કે એક મહિના પહેલાં પોતે જ્યારે એમના પત્ની સાથે બેઠા હતા ત્યારે પત્નીએ આકાશમાં એક હેલિકોપ્ટર ઉડતું જોયું હતું. એમણે ત્યારે પૂછ્યું હતું કે આપણે પણ હેલિકોપ્ટરમાં બેસીને ઉડી શકીએ ખરા? મીણાએ ત્યારે જ પત્નીને વચન આપ્યું હતું કે તે એને હેલિકોપ્ટરમાં સફર કરાવશે અને પોતાની નિવૃત્તિના આખરી દિવસે ઘેર પાછા ફરતી વખતે પત્નીને હેલિકોપ્ટરમાં બેસાડીને વચનનું પાલન કર્યું હતું.
સોમતી દેવીએ કહ્યું કે હેલિકોપ્ટરમાં ઉડીને હું ખૂબ રોમાંચિત થઈ હતી. મારાં પતિએ એમના નિવૃત્તિના દિવસે મને હેલિકોપ્ટરમાં સફર કરાવવાના વચનનું પાલન કર્યું એ બદલ હું બહુ જ ખુશ છું.