કોવિડ-૧૯ દરમિયાનનાં અત્યારનાં સમયે જીવનમાં કદી પણ કલ્પના નહોતી કરી તેવી અવ્યવસ્થા અને અંધાધૂંધી આપણે અનુભવી લીધી છે, ત્યારે પ્રેમાળ પ્રકૃત્તિ સાથેનાં આપણાં તૂટેલા અનુસંધાનને ફરીવાર જોડીને આપણે જેને ધરતી “માં” કહીએ છીએ તેની પ્રત્યે સન્માન અભિવ્યક્ત કરવાનો સમય હવે આવી ગયો હોય તેવું નથી લાગતું?
નવી દિલ્હીસ્થિત સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યન્મેન્ટના હેડ અને જાણીતા પર્યાવરણવિદ સુનીતા નારાયણ લખે છે…
———————————————————
વિશ્વ પૃથ્વી દિવસ: ૨૨ એપ્રિલ ૧૯૭૦થી “વર્લ્ડ અર્થ ડે” ની ઉજવણી ચાલુ કરવામાં આવી. આ ઝુંબેશ શરુ થયાને આજે ૫૦મું વર્ષ બેઠું. કુદરતનાં આ હદ સુધીનાં કોપાયમાન થયેલા માહોલ વચ્ચેની કદાચ આ પ્રથમ ઉજવણી ગણી શકાય. માનવજાતને વિનાશને આરે લાવી દેનાર કોવિડ-૧૯ વાયરસથી બચવા આપણે પૃથ્વીવાસીઓ જયારે ઘરની અંદર પૂરાઈ ગયાં છીએ ત્યારે હવે પ્રકૃત્તિએ સોળે કળાએ ખીલવાનું શરુ કરી દીધું છે. આજે વાતાવરણ ધૂંધળું નથી લાગતું, પવનમાં શીતળતાનો અલૌકિક અનુભવ થાય છે, દૂર ક્ષિતિજ સુધી ફેલાયેલું આ અનંત આકાશ પારદર્શક વર્તાય છે. અને વાહનોનાં કોલાહલ વચ્ચે આપણે ક્યારેય સાંભળ્યો જ નહોતો તેવો રંગબેરંગી પક્ષીઓનો મીઠો કલરવ પણ સાંભળવા મળે છે. “વર્લ્ડ અર્થ ડે”ઉજવવાનો ઉદ્દેશ્ય જાણે કે સાકાર થઇ રહ્યો છે. ટપોટપ મરતાં કોવિડ-૧૯નાં દર્દીઓથી સર્વત્ર ફેલાયેલા ગમગીન માહોલને અવગણીને આજે વસુંધરા પોતાનું અસલ રળિયામણું સૌંદર્ય ફરીવાર મેળવવા જાણે તલપાપડ થઇ રહી છે.
ઓક્સીજનનાં અતિશય ઓછા પ્રમાણને કારણે શહેરી વિસ્તારોની કેટલીક નદીઓ સૂકાઈને ગંદા નાળા જેવી બની ગઈ હતી તે સજીવન થઈને ફરી ખળખળ વહેવા લાગી છે. જૂનાગઢ બાજુનાં જંગલોમાંથી વનરાજાઓ ધીંગામસ્તી કરવાં આસપાસનાં ખુલ્લાં મેદાનોમાં નીકળી પડ્યા તેની તસ્વીરો જોવા મળી રહી છે. કસ્તૂરી જેવી સુગંધની નૈસર્ગીક ભેટ ધરાવતાં અને શિકારીઓ ક્યારેય જેને જીવતાં નથી છોડતા તેવા નાજૂક નમણાં“મલબાર વણીયર” નામનાં પ્રાણીઓ કેરળનાં ગામોની શેરીઓમાં વિહાર કરી રહ્યા છે, દેશનાં સમુદ્રતટે મીઠાથી પથરાયેલા અફાટ અગરો ઉપર ફ્લેમિંગો ગીતગુંજન કરી રહ્યા છે અને દરિયાઈ કાંઠાળ વિસ્તારોમાં જે પહેલા ક્યારેય જોવા નહોતી મળતી તે ડોલ્ફિન ત્યાં આવીને ઉછળકૂદ કરી રહી છે. અરે….. આ લિસ્ટ હજી ચાલુ જ રાખી શકાય તેવું છે.
૨૦૨૦નાં આ વર્ષની “વિશ્વ પૃથ્વી દિવસ”ની હૃદયને ચીરી નાખતી એક હકીકત આપણે વિશિષ્ઠ રીતે સમજવાની જરૂર છે. પૃથ્વીનો આ નયનરમ્ય નજારો શું આપણને વિનામૂલ્યે મળ્યો છે? વાયરસનાં સંક્રમણનાં કારણે લાખ્ખો લોકોએ ગુમાવેલા જીવનનાં બદલામાં મળ્યો છે. બિમારીથી મુક્ત સ્વસ્થ લોકાએ પોતાનાં જીવનને લોકડાઉન રૂપી મરણતોલ ફટકો ખાધો ત્યારે મળ્યો છે. નિર્મળ સ્ફટિક જેવા પર્યાવરણ અને સોળે કળાએ ખીલેલી આ કુદરતની હરહંમેશ આપણને જરૂર હોવાં છતાં આપણે તેની જે કિંમત અત્યારે ચૂકવવી પડી છે તે આપણને સ્વીકાર્ય છે કે નહી તેનું મનોમંથન કરવાનો સમય આવી પડ્યો છે.
કોવિડ-૧૯ પછીનાં સમય માટે આપણે હવે બે બાબતોની ખાસ યાદ રાખવાની જરૂર છે. એક, આપણે અત્યારે રતીભર પણ પ્રદુષણ વગરનાં પર્યાવરણનો જે વૈભવ માણી રહ્યા છીએ તેને હમેશાં આપણી સ્મૃતિમાં રાખીએ. અને બીજું, કે પર્યાવરણની આ પરિશુદ્ધતા મફતમાં નહી પણ આખી દુનિયાને લોકડાઉન કર્યા પછી મળી છે તે કદાપિ ન વિસરીએ.
તો જયારે આવતાં શિયાળામાં દિલ્હીમાં ફરી આપણને ધૂમાડાબંધ પ્રદુષણ નજરે પડે ત્યારે એ યાદ રાખવું પડશે કે માત્ર ઓડ-ઇવન થિયરીથી પર્યાવરણ ચોખ્ખું થશે નહીં. લોકડાઉનનાં આ છેલ્લાં મહિના દરમિયાન દરરોજનાં ૪૦૦૦ ટ્રકોની સાપેક્ષમાં માત્ર ૪૦૦ ટ્રકોની જ દિલ્હીમાં આવ-જા થઇ છે તે યાદ રાખીએ. સ્વસ્થ જીવન માટે જરૂરી પર્યાવરણને જાળવવું હોય તો ધુમાડાઓ ઉત્પન્ન કરતાં અમુક નહીં પણ તમામ ઉદ્યોગોને સ્થળાંતરિત અને બાંધકામોને બંધ કરાવી દેવાં જોઈએ. પર્યાવરણનાં જતન માટે આપણે લોકોને નહીં પણ વાહનોને નિયંત્રિત કરવાની પણ ખૂબ જ જરૂર છે. લોકોને ઝડપી, આરામદાયક, સલામત અને સ્વાસ્થ્ય ન જોખમાય તેવી વ્યવસ્થા સાથેની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઉભી કરવાની જરૂર છે. ૭૦ થી ૮૦ ટકા લોકો ટ્રેઈન અને સાયકલ જેવા ઝડપી અને છતાં ઓછું પ્રદુષણ ફેલાવતા પબ્લિક ટ્રાન્સપોર્ટને આવતાં થોડા જ વર્ષોમાં અપનાવી લે તેવા લક્ષ્યાંક ઉપર ગંભીરતાપૂર્વક કામગીરી થવી જોઈએ. જ્યાં પણ શક્ય હોય ત્યાં ધૂમાડા ન ઓકતા હોય તેવા નેચરલ ગેસ પ્રકારનાં બળતણનો અથવા ઈલેક્ટ્રીસિટીનો ઉપયોગ શરુ કરી દેવો જોઈએ.
કોલસા અને લાકડાઓ જેવાં પર્યાવરણમાં પ્રદુષણ ફેલાવતાં નિમ્ન કક્ષાનાં બળતણની સાપેક્ષમાં નેચરલ ગેસ સલામત હોવા છતાં આપણાં દેશમાં અતિ મોંઘો છે તે આમાં એક મોટું વિઘ્ન છે. બીજા બધાં ફ્યુઅલને છોડીને માત્ર નેચરલ ગેસને સરકાર જો GSTમાં સમાવી લે તો કદાચ ભાવ ઘટે અને તેનો ઉપયોગ વધે તેવી પણ એક સંભાવના છે. આ સિવાય પણ ભાવ ઘટાડવા બાબતે અન્ય જરૂરી પગલાં ભરી શકાય. દરેક પાસાઓ ઉપર ઉચ્ચસ્તરે આ બાબતે પૂરતો વિચાર કરીને આ બધાં પગલાં આપણે એકદમ ઝડપભેર અને આક્રમકતાથી ભરવા જરૂરી છે. માનવ ઇતિહાસમાં કાળા અક્ષરે જેનું ચિતરાઈ જવાનું નક્કી છે તેવા આ પ્રકારનાં લોકડાઉનનું ક્યારેય પુનરાવર્તન ન થાય તે માટે કુદરતની કામગીરીઓમાં વિક્ષેપ થતો હોય તેવાં તમામ કામો અટકાવવાની ખેવના લેવાની છે. આપણને સ્વચ્છ પર્યાવરણ અને શ્વાસ લેવા માટે ચોખ્ખી હવા કેવાં આકરા લોકડાઉનથી મળી છે તેમાંથી આપણે શીખ લેવાનું ડહાપણ દેખાડવાનું છે.
આવા વિકલ્પો અને અભિપ્રાયો ઘણાં આપી શકાય પણ કેટલી ઝડપથી ક્યા સ્તર સુધી નક્કી કરેલા લક્ષ્યાંકોને હાંસલ કરી શકવાની પ્રશાસનની ક્ષમતા છે તે પણ નજરઅંદાજ ન કરી શકાય. કોવિડ-૧૯ દરમિયાનનાં અત્યારનાં સમયે જીવનમાં કદી પણ કલ્પના નહોતી કરી તેવી અવ્યવસ્થા અને અંધાધૂંધી આપણે અનુભવી લીધી છે, ત્યારે પ્રેમાળ પ્રકૃત્તિ સાથેનાં આપણાં તૂટેલા અનુસંધાનને ફરીવાર જોડીને આપણે જેને ધરતી “માં” કહીએ છીએ તેની પ્રત્યે સન્માન અભિવ્યક્ત કરવાનો સમય હવે આવી ગયો હોય તેવું નથી લાગતું? આ જ આપણી સૌ સમક્ષનો હવે પછીનો એક મોટો પડકાર છે.
કોરોના વાયરસે આપણાં કુકર્મોની ડબ્બી જયારે હવે ખોલી જ નાખી છે ત્યારે અર્થતંત્રને ફરી ઝડપથી પાટે ચડાવવાનાં નામે ફરી એકવાર આપણે પ્રદૂષણો ફેલાવા દઈશું? પ્રકૃત્તિ અને માનવજાતનાં સહિયારા સહઅસ્તિત્વ સાથેનો ખીલખીલાટ આપણને પસંદ છે કે હાલમાં છે તેવી ભેંકાર શ્રુષ્ટિ? …..આપણે શું પ્રતિભાવ આપવો તે હવે આપણે નક્કી કરવાનું છે. આ વર્લ્ડ-અર્થ-ડે ના દિવસે મક્કમ બનીએ કે ફરીવાર પ્રકૃત્તિનાં આવા અદ્રશ્ય પ્રહારનો આપણે ભોગ બનવું નથી. પૃથ્વી ઉપર અત્યાર સુધીમાં પર્યાવરણની દ્રષ્ટિએ આટલો પરિશુદ્ધ “વિશ્વ પૃથ્વી દિવસ” ક્યારેય આવ્યો નથી; પરંતુ તે પ્રકૃત્તિનાં માનવજાત ઉપરનાં કોવિડ -૧૯ નામક કુઠારાઘાત થકી આવ્યો છે તે બોધપાઠ લેવાનું ભૂલવાનું નથી. આપણને સમજાય જાય તેવો ઈશારો મળી ગયો છે…