ભારતવર્ષની પવિત્ર નદી ગંગા-યમુના-સરસ્વતીનાં વહેતાં વારિવાળા પવિત્ર શહેર પ્રયાગરાજમાં ખતરનાક ગેંગસ્ટર અતિક અહમદ, એના ભાઈ અશરફને અમુક યુવાનોએ શૂટ કર્યા તે પછી ‘ચિત્રલેખા’ સામયિકની જલસાઘર કોલમમાં રઘુ જેટલીએ હિંદી સિનેમાના સુટેડબૂટેડ ગૅન્ગસ્ટર વિશે લખ્યું. લેખનો સાર હતોઃ 1970-1980ના દાયકાના સિનેમાના સ્મગલરથી લઈને 1990ના દાયકા બાદ આવેલા યુપી-બિહાર-મુંબઈના ગેંગસ્ટર, ગેંગવૉરની રિયલ સ્ટોરી જેવું ધરખમ પરિવર્તન.
તો વસ્તુ એવી કે એક સમયે હિંદી સિનેમામાં ગુંડાટોળીના સરદાર હતાઃ તેજા-ડાગા-વર્ધાન-શાકાલ, જેઓ પચાસ લાખ કે હીરે અથવા એક કરોડનાં સોનાનાં બિસ્કૂટનું સ્મગલિંગ કરતા, મુંબઈમાં ‘વરસોવા કે બીચ પર રાત કો બારહ બજે’ માલ ઊતરતો.
આમાં પાછળથી મિસ્ટર જે.કે. અને મિસ્ટર જૅક અને મિસ્ટર જૉન જેવા ફોરેનના બૉસ ઉમેરાયા. આ ફોરેનના બિઝનેસમૅનની ઓળખ? રૂપેરી વિગ, રૂપેરી દાઢી, આંખે મોતિયો ઊતરાવ્યા બાદ પહેરાય તેવા કાળા ગોગલ્સ અને અને અને… વ્હાઈટ સુટ્સ, વ્હાઈટ પૅન્ટ્સ અને વ્હાઈટ શૂઝ. કોઈ વળી સફેદ ગ્લવ્ઝ પહેરેલા હાથે, જાડી હવાના સિગારનો કશ લેતાઃ “મૈં ઈન્ડિયા કો ટબાહ ખર ડૂંગા…”
ખતરનાક ઈરાદા ધરાવતા આ ઈમ્પૉર્ટેડ બિઝનેસમૅન, મોસ્ટઓફ ધ ટાઈમ, ટૉમ અલ્ટર, બૉબ ક્રિસ્ટો કે મારા ઑલટાઈમ ફેવરીટ અજિત રહેતા. એ લોકોના બિઝનેસ ઈન્ટરેસ્ટ હતાઃ આધુનિક મશીનગન જેવાં હથિયારની સપ્લાય અથવા હિંદુ દેવી-દેવતાની ‘ચારસો સાલ પુરાની મૂર્તિ’ની ખરીદી. ફિલ્મની ક્લાઈમેક્સ મલ્ટિનેશનલ કંપનીની ઈન્ડિયાની ઑફિસમાં (અડ્ડામાં) આકાર લે. પ્લાયવૂડનાં ફર્નિચરની તોડફોડ થાય, પૂંઠાનાં ચોરસ બૉક્સ કે લાલ-લીલા રંગનાં પીપડાં અને અડ્ડાનો સ્ટાફ (એક્સ્ટ્રા ગુંડા) ફંગોળાતાં જાય, હારેલી બાજી જીતવાના મરણિયા પ્રયાસ રૂપે બિઝનેસમેન (અડ્ડાનું એડ્રેસ શોધી રહેલા) હીરોનાં મા-બાપ કે પ્રેમિકાને દોરડાંથી બાંધી વિજય મેળવવો પ્રયાસ કરે, પણ એમાંય નિષ્ફળ જતાં એ ચાર્ટર્ડ હેલિકોપ્ટરમાં ઈન્ડિયાથી ભાગી જવાની વેતરણ કરે. ચાંદીના વાળવાળો પાઈલટ હજુ તો હેલિકોપ્ટર ઉડાડે ત્યાં જ હીરો હનુમાનકૂદકો મારી એને પકડી પાડે. અહાહાહા… ક્યાબ્બાત!
કટ ટુ 2023. અમેરિકાથી એક બિઝનેસમૅન આવે છેઃ મિસ્ટર ટિમ કૂક. ઍપલ કંપનીના સીઈઓ. એ કંપની, જેના ફોન, ઘડિયાળ, આઈપૅડ કે મેકબુક હોવાં સ્ટેટસ સિમ્બૉલ ગણાય છે. હું ટીવી પર ટિમ કૂકની ભારતમુલાકાતનું કવરેજ જોતો હતો ત્યાં જ… આ શું? વ્હાઈટ સુટ-વ્હાઈટ પૅન્ટ-વહાઈટ શૂઝ ક્યાં? અબજો રૂપિયાનું કામકાજ કરતી અમેરિકન કંપનીના અમેરિકન સીઈઓ તો ટીશર્ટ-જીન્સમાં હતા. અને હળવા ભૂરા રંગના સાદા શર્ટ પર ‘વક્રતુંડ મહાકાય’ લખેલો પીળો ખેસ નાખી રિદ્ધિસિદ્ધિના દેવતાનાં દર્શન કરવા ગયા. અને સિઝલર્સ કે સુશીને બદલે એ તો અભિનેત્રી માધુરી દીક્ષિત સાથે બેસીને વડાં-પાંઉ ખાધા. વ્હાઈટ સુટવાળા સિનેમાના ફૉરેન બિઝનેસમેન આંખો પર દૂરબીન લગાડી રેસકોર્સ પર અશ્વદૌડ જોતા, જ્યારે આ ટિમ કૂક તો અભિનેત્રી સોનમ કપૂર (ઓળખાણ પડી?) સાથે આઈપીએલની ક્રિકેટ મૅચ જોવા ગયા.
હકીકતમાં મિસ્ટર કૂક “હિંડુસ્ટાન કી ટબાહી” માટે નહીં, પણ સૌથી વધુ વસતી ધરાવતું ભારત, તેજતર્રાર ગતિએ આગળ વધી રહેલા ભારતીય અર્થતંત્ર અને આપણા લોકોની મોંઘી ચીજવસ્તુ ખરીદવાની શક્તિ (બાયિંગ પાવર) જોઈ ઍપલનો માલ વેચતી દુકાન મુંબઈ, દિલ્હીમાં શરૂ કરવા આવેલા. કરોડપતિ કાકા ટિમ બચાડા એ વાતે દુઃખી છે કે આટલા મોટા કન્ટ્રી ઈન્ડિયાની સ્માર્ટફોન માર્કેટમાં ઍપલનો હિસ્સો માત્ર 4 ટકા? સાથે આઈફોન બનાવવાનો જંગી કારખાનું શરૂ કરાવી દીધું.
મને એ વાતની પણ નવાઈ લાગી કે અમુક લોકો જાણે ભારત આવીને એમણે આપણી પર મોટો ઉપકાર કર્યો હોય એમ “ઓ ટીમભાઈ ઓ ટીમભાઈ” કરીને એમની પર ઓવારી ઓવારી ગયા. ભલાદમી, એમને એમનો માલ વેચવો છે એટલે આવેલા. એમાં શું આટલા હરખપદૂડા થવાનું?
ઠીક છે, પણ ઈ જે ક્યો ઈઃ બિઝનેસમેન તો આપણા હિંદી સિનેમાના જ. એમની તોલે કોઈ નો આવે. શું કહો છો?