વીસરાઈ ગયેલો સુપરસ્ટાર

18 જુલાઈ એટલે હિંદી સિનેમાના પહેલા સુપરસ્ટારની 12મી પુણ્યતિથિ.

સદાબહાર સ્ટાર દેવ આનંદ પછી ફિલ્મપ્રેમી જેમને જોઈને રીતસરના દીવાના બની જતા એ રાજેશ ખન્ના. આજના સુપરસ્ટાર, મહાનાયક અમિતાભ બચ્ચન 1960ના દાયકાના અંતકાળથી 1970ના દાયકામાં એટલા માટે જાણીતા હતા, કેમ કે એમણે રાજેશ ખન્ના જેવા સુપરસ્ટાર સાથે કામ કર્યું.

-પણ રાજેશ ખન્ના કદાચ એકલવાયા સુપરસ્ટાર હતા. જો કે છેલ્લા દિવસોમાં પત્ની ડિમ્પલ, પુત્રી ટ્વિન્કલ-રિન્કી તથા જમાઈ અક્ષયકુમાર સતત એમની પડખે હતાં.

જતિન ખન્ના ઉર્ફે રાજેશ ખન્નાનો જન્મ 1942ની 29 ડિસેમ્બરે અમૃતસરમાં બાળપણ, યુવાની વીતી મુંબઈના ગિરગામમાં. કાકા-કાકીએ એમને દત્તક લીધેલા. કિશોરાવસ્થાથી અભનિયનો એરુ આભડી ગયેલો. નવા કલાકારની ખોજની એક કમ્પિટિશનમાં વિનોદ મેહરાને હરાવીને જતિન ખન્ના પહેલા આવ્યા. નિર્માતા જી. પી. સિપ્પીએ એમને ‘રાઝ’ (1967) માટે સાઈન કરી એમનું પુનઃ નામકરણ કર્યું: રાજેશ ખન્ના.

પહેલી ફિલ્મ એમણે સાઈન કરી રાઝ, પરંતુ રિલીઝ થઈ ચેતન આનંદની ‘આખરી ખત’. ‘રાઝ’ પછી આવી. વગેરે. બે ફિલ્મ બાદ કોઈએ એમની નોંધ લીધી નહીં. 1967માં એ ‘બહારો કે સપનેં’નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે શૂટિંગ જોવા આવેલા લોકો એમની સામે જોવા તૈયાર નહોતા. એમની ઘોર અવગણના કરીને સૌ આશા પારેખના ઑટોગ્રાફ લેવા ધસી ગયેલા.

વરિષ્ઠ ફિલ્મપત્રકાર સ્વ. અલી પીટર જોને નોંધેલું કે “એક સમયે ભારતના સિનેમાપ્રેમીઓ રાજેશ ખન્નાને ભગવાન માનતા. રાજેશ ખન્ના પોતે પણ પોતાને ભગવાન માનવા લાગ્યા ત્યાંથી મુશ્કેલી શરૂ થઈ”.

રાજેશ ખન્ના કારકિર્દીના શિખરે બિરાજતા હતા ત્યારે ભયંકર અહં રાખતા. ક્યારેય પોતાના સહકલાકારો વિશે બે સારા શબ્દ ન બોલતા, ચમચાઓને લઈને દરબાર ભરતા, સેટ પર મરજી થાય ત્યારે આવતા. ટૂંકમાં એક સુપરસ્ટારને હોવી જોઈએ એ બધી જ કુટેવ એમનામાં હતી.

1973માં બીબીસીએ રાજેશ ખન્ના પર એક ડૉક્યુમેન્ટરી બનાવેલી, જેનું શીર્ષક હતું- ‘બૉમ્બે સુપરસ્ટાર’. ફિલ્મમાં એમનું વર્ણન મહા-અહંવાદી એવું કરવામાં આવેલું. આ દસ્તાવેજી ચિત્રપટ માટે રાજેશ ખન્નાનો ઈન્ટરવ્યુ લેનારા રિપોર્ટર જેક પિઝીએ વર્ષો બાદ કહેલું કે “રાજેશ ખન્ના એટલે રુડોલ્ફ વેલેન્તિનો જેવો જાદુ અને નેપોલિયન બોનાપાર્ટની જેમ મગજમાં રાઈ ભરીને જીવતો સ્ટાર”.

આ જેકભાઈને રાજેશ ખન્નાએ ઈન્ટરવ્યુ માટે ખૂબ લબડાવેલા. અનેક વાર ઍપોઈન્ટમેન્ટ આપીને કૅન્સલ કરી નાખેલી. તે વખતની ટોચનાં ફિલ્મપત્રકાર સ્વર્ગસ્થ દેવયાની ચોબલે આ ડૉક્યુમેન્ટરીમાં જેક પિઝીને કહેલું કે રાજેશ ખન્ના ભયંકર ઈન્સિક્યોર છે, એનું વ્યક્તિત્વ અકળ છે. આ જ દેવયાની ચોબલે નવોદિત રાજેશ ખન્નાને એના શરૂઆતના, સંઘર્ષના દિવસોમાં કહેલું કે “લખી રાખજે, એક દિવસ તું હિંદી સિનેમાનો ટોપનો સ્ટાર બનીશ”.

– અને એ દિવસો આવ્યા. દિવસો નહીં, એક જમાનો, એક યુગ આવ્યો. એક પછી એક સુપરહિટ ફિલ્મો, દિલડોલ ગીતો, નાટ્યાત્મક વળાંકવાળી વાર્તા પાવરફુલ કૅરેક્ટરાઈઝેશન એટલે રાજેશ ખન્ના. સહેજ ગરદન ઝુકાવીને, મીઠું મલકીને એ હાથ ઊંચો કરતા ને છોકરીઓ પાગલ બની જતી. રક્તમાં પેન ઝબકોળીને એમને પત્રો લખતી, રાજેશ ખન્ના નહીં તો એમની કારને ચુંબન કરતી, એમની એક ઝલક મેળવવા ઘરની બહાર કલાકો બેસી રહેતી.

એ અરસામાં, જ્યારે રાજેશ ખન્ના રીતસરના શિખર પર બિરાજતા હતા ત્યારનો આ કિસ્સો. તમિળ ફિલ્મના સર્જક, પ્રાણીપ્રેમી ચિન્નપ્પા દેવર એમને સાઈન કરવા મુંબઈ આવેલા. સફેદ લુંગીવાળા મદ્રાસી નિર્માતાને ટાળી દેવા રાજેશ ખન્નાએ બહુ મોટી રકમ માગી ત્યારે ચિન્નપ્પા દેવરે બ્રીફકેસ ખોલીને કહ્યું:

“વોક્કે. આય્યેમ રેડ્ડી, યે લો પૈસા”…

આઘાતની કળ વળતાં રાજેશે વાર્તા સંભળાવવા કહ્યું ત્યારે દેવરજીએ કહ્યું: “દેકો… ફિલિમ મેં તુમારા ચાર એલિફન્ટ હૈ- તૂમ સરકસ કા માલિક… બાદ મેં તૂમ ઝૂ (પ્રાણીબાગ)કા ઓનર”…

વિષય સાંભળી કપાળ કૂટતાં રાજેશે પૈસા સ્વીકાર્યા. પૈસાની જરૂર હતી. એમની પ્રાઈસ કરતી ડબલથી વધુ મળ્યા એટલે કામ તો કરવું હતું, દેવરની સ્ક્રિપ્ટ પરથી ફિલ્મ બનશે તો ડૂબી જશે એવી ખાતરી થતાં એમણે સલીમ-જાવેદને વિનંતી કરી કે “તમે નવેસરથી લખો”. સલીમ-જાવેદે ચાર હાથીની આસપાસ ફરતી મૂળ વાર્તા રાખીને આખી સ્ક્રિપ્ટ બદલી નાખી. એ ફિલ્મ ‘હાથી મેરે સાથી’એ ટિકિટબારી પર ટંકશાળ પાડેલી.

દોમદોમ સાહ્યબીના એ દૌરમાં એમણે આલીશાન ઘરનું સપનું સાકાર કર્યું. મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં કાર્ટર રોડ પર આવેલા ‘ડિમ્પલ’ નામના બંગલાની ખરીદી. એ બંગલો રાજેન્દ્રકુમારનો હતો. બંગલો તો ખરીદ્યો, પણ રાજેન્દ્રકુમારની કન્ડિશન હતી કે ‘ડિમ્પલ’ નામ નહીં રાખી શકાય એટલે કચવાતા મને ‘આશીર્વાદ’ રાખ્યું.

એ એવો દૌર હતો, જ્યારે એ જે કરતા, જે બોલતા, જે પહેરતા એનું પ્રશંસકો આંધળું અનુકરણ કરતા. ‘હાથી મેરે સાથી’માં એ અમીરમાંથી ગરીબ બને છે અને દાઢી વધારી કુરતું પૅન્ટ પહેરે છે. કૉલરવાળું એ કુરતું ગુરુ શર્ટ તરીકે પ્રખ્યાત થઈ ગયેલું ને યુવાનોએ પહેરવા માંડ્યા. દુલાલ ગુહાની ‘દુશ્મન’માં કપાળ પર ઘા થતાં ચોકડીવાળો રૂમાલ બાંધેલો તો લોકો એવો રૂમાલ બાંધીને ફરવા માંડ્યા. સ્કાર્ફ, ગુરખાટોપી, મોજડી જેવાં બૂટ-કમ-ચંપલ, કાંડા પર ચામડાંનું બ્રેસલેટ, બે પોકેવાળું શર્ટ, સિલ્કનું કુરતું-લુંગી, જેવી કંઈકેટલી ફૅશન એમણે રજૂ કરેલી.

-પછી સદાકાળ સુપરસ્ટાર રહેવાની મથામણમાં એ પોતાની વિશ્વાસાર્હતા સાથે સમાધાન કરવા માંડ્યા, તત્ક્ષણ, વગરવિચાર્યે નિર્ણય લેવા લાગ્યા. એ અરસામાં એક દિવસ એમણે પત્રકાર દેવયાની ચૌબલને ફોન કરીને કહ્યું કે “મળવા આવ, જીવનભર યાદ રહી જાય એવું સ્કૂપ (માહિતી) આપીશ”. રાજેશ ખન્ના લગ્ન કરે છે એનાથી વધારે મોટું સ્કૂપ, બ્રેકિંગ ન્યુસ બીજા કયા હોઈ શકે, ભલા? સમાચાર વાંચીને દેશભરમાં અનેક કુંવારી કન્યાએ આત્મહત્યાના પ્રયાસ કરેલા. જો કે મૂળ ચોરવાડના ચુનીભાઈ કાપડિયાની પુત્રી ડિમ્પલ સાથેનાં લગ્ન પણ ઉતાવળે લીધેલો નિર્ણય હતો. બીબીસીની ડૉક્યુમેન્ટરીમાં એમણે આનો એકરાર કર્યો છેઃ “ઈટ વૉઝ અ પબ્લિસિટી મૅરેજ”.

1980ના દાયકા બાદ એક સમય એવો આવ્યો કે જે ફિલ્મરસિકો એ જે કંઈ કરે એને આંખમાથા પર ચડાવતા એ જ પ્રેક્ષકો એમનું કંઈ પણ ચલાવવા માગતા નહોતા. પછી 1983માં મોહનકુમારની અવતાર અને સાવનકુમાર ટાંકની ‘સૌતન’ સુપરહિટ થઈ ને ફરી થોડા સમય માટે એમનો જમાનો આવ્યો, ગોવિંદા સાથે સ્વર્ગ આવી પણ એ ઝટ વીતી ગયો. ‘છૈલા બાબુ’, ‘ બાંયે હાથ કા ખેલ’, ‘ફિફ્ટી ફિફ્ટી’ જેવી અનેક ફિલ્મોએ એમને જાકારો આપ્યો. રાજેશ ખન્નાનું મોજું ઓસરવા માંડયું. ધૂમધડાકા સાથે એનાઉન્સ થયેલી એક ડઝનથી વધુ ફિલ્મો અભરાઈ પર ચડી ગઈ, આમાંની અમુકના એ પોતે નિર્માતા હતા.

1990ના દાયકામાં કૉન્ગ્રેસની ટિકિટ મેળવી, લોક સભામાં ગયા. 2008માં વિવાદાસ્પદ અભિનેત્રી લૈલા ખાન સાથે એમની છેલ્લી ફિલ્મ આવીઃ ‘વફા’.

રાજેશ ખન્ના જેટલું જીવ્યા ભરપૂર જીવ્યા, અમીરીમાં જીવ્યા. છેલ્લા દિવસો સુધી એ બાદશાહી રહેણીકરણી ગઈ નહોતી. કડક સ્ટાર્ચવાળાં સફેદ કુરતાં-પાયજામામાં સજ્જ રહેતા, ઈમ્પોર્ટેડ કાર, ઑફિસ, સ્ટાફ બધું યથાવત્ હતું. ટિયર્સને એ હેટ કરતા (“પુષ્પા, આઈ હેટ ટિયર્સ”). પુણ્યતિથિએ એમની સુપરહિટ ફિલ્મો ફરી ફરી જોઈને એમને યાદ કરવા એ જ એમને સાચી અંજલિ. હમણાં જ મેં ‘કટી પતંગ’ પૂરી કરી.