બનાવટી બુદ્ધિમતા સામે પડે છે એથન કુમાર…

ભઈ, આ તો ઘરના પ્રસંગ જેવી ફિલ્મઃ ‘મિશનઃ ઈમ્પોસિબલ- ડેડ રેકનિંગ.’ એમાંય હીરો ટૉમ ક્રૂઝ. 61 વર્ષના ટૉમ કુમારે જે જલવા દેખાડ્યા છે એ રૂવાંડાં ઊભાં કરી દે છે. 12 જુલાઈએ ફિલ્મ રિલીઝ થઈ ને (ભારતીય ટિકિટબારી પર) ભૂકા કાઢી નાખ્યા. અલબત્ત, આ વર્ષે ‘જૉન વિક 4,’ ‘આન્ટ-મૅન’ અને ‘વૅસ્પઃ ક્વાન્ટમૅનિયા’ જેવી મોટી ફિલ્મો આવી, પણ એ બધીમાં આગળ નીકળી ગઈ ‘મિશન: ઈમ્પોસિબલ 7.’

હશે. આપણો વિષય હોલિવૂડની ફિલ્મોનો બિઝનેસ નથી. વાત કરવી છે એના વિલનની. ખાસ તો, ‘મિશનઃ ઈમ્પોસિબલ’ના લેટેસ્ટ વિલનની.

ઓલરાઈટ, જે લોકો મોડા પડ્યા છે એમને માટે એક ઝડપી રિરનઃ મારધાડથી ભરપૂર જાસૂસી કથાવાળી, બ્રાયન પાલ્મા દિગ્દર્શિત પહેલી ‘મિશનઃ ઈમ્પોસિબલ’ 1996માં આવેલી. 007 જેમ્સ બૉન્ડની માફક અહીં જાસૂસી સંસ્થા ‘ઈમ્પોસિબલ મિશન ફૉર્સ’ (‘આઈએમએફ’)નો રૂપાળો એજન્ટ એથન હંટ (ટૉમ ક્રૂઝ) છે. આ ખૂફિયા એજન્સી અને એથન હંટ જેવા બહાદુર એજન્ટોનું કામ છેઃ શત્રુસેનાને અને વિશ્વ સમસ્તને નષ્ટ કરે એવી આપદાને રોકવી. પહેલી ફિલ્મથી જ એથન હંટ અને એની જાસૂસી સૃષ્ટિ સિનેમાપ્રેમીઓને એવી ગમી ગઈ કે જોતજોતાંમાં એ શ્રેણીની સાતમી ફિલ્મ આવી ગઈ. અને, સાતમી ફિલ્મ હજુ તો આવી નહોતી ત્યાં સર્જકોએ ઘોષણા કરી નાખીઃ 2024ના જૂનમાં ‘ડેડ રેકનિંગ’નો બીજો પાર્ટ રિલીઝ થશે.

-અને હવે વિલનઃ મોસ્ટ ઓફ ધી ‘મિશનઃ ઈમ્પોસિબલ’ ફિલ્મોમાં ઘાતક વાઈરસ કે રાસાયણિક શસ્ત્રો (કેમિકલ વેપન્સ) કે ન્યુક્લીઅર બૉમ્બ ધરાવતા માથાફરેલા, લાલચુડા અને અમુક રીતે વિકૃત એવા ખલનાયક હોય છે, જે દુનિયાઆખીને ખતમ કરવાની બીક બતાવી અબજો ડૉલરનો ખેલો કરતા હોય. આ વખતે ‘મિશન…’ના ડિરેક્ટર ક્રિસ્ટોફર મેક્વાયરી (આ પહેલાંની બે ફિલ્મ એમણે ડિરેક્ટ કરેલી) એક નવી ટાઈપનો વિલન લાવ્યા છે, જેનું નામ છે ‘એન્ટિટી’ અને એ છે બનાવટી બુદ્ધિમતા એટલે જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI). યસ્સ, આખી ફિલ્મમાં વિલનનો હેતુ, એ ક્યાંનો છે, એનું અંતિમ લક્ષ શું છે એ બધું એક અકળ લીલા જેવું છે. આનાથી વાર્તામાં તાજગી તો આવી જ, બલકે એ સાંપ્રત પણ લાગે છે. આજે એઆઈથી જગતઆખા સામે જે ખતરો ઊભો થયો છે એની ચર્ચા ચોમેર ચાલી રહી છે. હમણાં જ પેપરમાં વાંચ્યું કે AI દ્વારા કોઈ ગંભીર ગુનો થાય, ફ્રૉડ થાય તો એની જવાબદારી કોની?

વાર્તાનો આરંભ પાછલી ફિલ્મ ‘ફૉલઆઉટ’ના અંતથી થાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે અમેરિકા-રશિયા વચ્ચે એક સબમરીનની ટક્કર થાય છે, જેના લીધે અનેક એજન્ટનાં મૃત્યુ થાય છે. એક ચાવી ખોવાઈ ગઈ છે. આ એ ચાવી છે, જેના વડે એક ખતરનાક શસ્ત્ર પૃથ્વીનો નાશ કરવા માટે તૈયાર થઈ જાય છે ને એને રોકવાનું માનવીના હાથમાં નથી, અને જે નરાધમની આ મલિન યોજના છે એનેય શોધી શકાય એમ નથી. એટલેસ્તો તો એને ઈમ્પોસિબલ મિશન અર્થાત્ અશક્ય લાગે એવું કામ કહેવાય છે, પણ એથન હંટ જેનું નામ. હર વખતની જેમ વ્હાઈટ શર્ટ-બ્લૅક સુટ-બૂટમાં સજ્જ એથન હંટ અને એના સાથીદાર દુનિયાને બચાવવામાં લાગી જાય છે. એથન કેવી રીતે સફળતા મેળવે છે એ જાણવા ફિલ્મ જોવી પડે, કેમ કે અજાણ્યા વિલન ‘એન્ટિટી’ વિશે વધુ કંઈ લખવામાં સ્પોઈલર છે, ફિલ્મ જોવાની તમારી મજા બગડી જાશે.

ઓક્કે. કોઈ પણ ઍક્શન ફિલ્મની પહેલી શરત એ કે એનો વિલન માથાભારે, સશક્ત અને ડરામણો હોવો જોઈએ. તો હીરો સામે પડકાર ઊભો થાય ને તો ફિલ્મરસિક એમાં ઓતપ્રોત થાય, સીટ સાથે ચોંટી જાય. આમાં ‘મિશન…’ દર વખતની જેમ નહીં, પણ એક ડગલું આગળ નીકળીને બાજી જીતી ગઈ છે. ફિલ્મમાં એક ડાયલૉગ છેઃ “એનિમી ઈઝ એવરીવ્હેર ઍન્ડ નોવ્હેર” અર્થાત્ “માળોહાળો દાનવ બધે જ છે અને ક્યાંય નથી.” ડિરેક્ટર ક્રિસ્ટોફર, એમના રાઈટર ને કૅમેરામૅન (અલબત્ત, આખી ટીમ, દરેક ડિપાર્ટમેન્ટ)નો આ મહાવિજય છે. આ ફિલ્મ થિએટરમાં મોટા પરદા પર જોજો.