વિશાલ ભારદ્વાજના સુપુત્ર આસમાન ભારદ્વાજે બનાવેલી ‘કુત્તે’ના એક સીનમાં મુંબઈ પોલીસની ઑફિસર પમ્મી (તબુ) એક વાર્તા કહે છે, “એક વીંછી પોતાને નદી પાર કરાવનાર દેડકાને ડંખ દે છે ત્યારે દેડકો આઘાતવશ પૂછે છે, કેમ ભાઈ? લોજિક શું? ત્યારે વીંછી કહે છેઃ લોજિક-બોજિક સમજ્યા… આ મારું કેરેક્ટર છે.” આસમાન અને સહલેખક વિશાલની ‘કુત્તે’ની વાર્તામાં ન તો લોજિક છે ન કેરેક્ટર.
વાર્તાના હાર્દમાં છે લૂંટઃ કેટલાક અતિભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને અમુક ગુંડા એટીએમમાં ભરવા માટેના રોકડાથી ભરેલી વૅન લૂંટવા જીવસટોસટની બાજી લગાડી દે છે. આ બધાને રોકડાથી ભરેલી પેટીઓ જોઈએ છે, આ બધાં એટલે તબુ-અર્જુન કપૂર-કુમુદ મિશ્રા પોલીસ લોકો છે, રાધિકા માદન એ મુંબઈના ડૉન ભાઉ (નસીરુદ્દીન શાહ, સાવ વેડફાયા)ની દીકરી છે, જે કેદ જેવી જિંદગીથી કંટાળીને પ્રેમી (વિશાલભાઈનો બીજો પુત્ર, શાર્દૂલ) સાથે કેનેડા ભાગી જવાનાં સપનાં જુએ છે. અને હા, એક નક્સલવાદી ટોળીની લીડર લક્ષ્મી (કોંકણા સેન શર્મા) પણ છે. કોઈને આઝાદી જોઈએ છે તો કોઈને એશઆરામ માટે રોકડા, કોઈને પોતાનું સસ્પેન્સન પાછું ખેંચાવવા રોકડા જોઈએ છે… લાલચ-લોભ-છૂટથી વપરાતાં હથિયાર, એક પછી એક ઢળતી લાશના ઢગલા…
શીર્ષક સૂચવે છે એમ, કુત્તે અથવા શ્વાનને હંમેશાં ગાડીની પાછળ દોડતાં આપણે જોઈએ છીએ એમ અહીં એટીએમવાળી ગાડીની પાછળ પડ્યાં છે. અને અંગ્રેજીમાં એક કહેવત છેઃ એક શ્વાન ક્યારેય બીજા શ્વાનને કરડતો નથી, પણ ડિરેક્ટર જાણે એ કહેવતને ખોટી પાડવામાં મથ્યા છે.
આસમાન ભારદ્વાજ એવું વિચારતા હશે કે વાર્તા બીબાંઢાળ રીતે કહેવાને બદલે એને પ્રસ્તાવના, સબ કા માલિક એક, આતા ક્યા કેનેડા, મૂંગ દાલ, અને અંતે ઉપોદઘાત એમ વિવિધ પ્રકરણમાં વહેંચીને ફિલ્મમેકિંગમાં કંઈ ક્રાંતિ કરીએ, પણ ભાઈ આસમાન, તમારી વાર્તા જેમ્સ હેડલી ચેઝની રેગ્યુલર થ્રિલર વાર્તાથી વધારે કંઈ નથી. એમાંયે એક પછી એક આવતા ફ્લૅશબૅક પ્રક્ષકને કન્ફ્યુઝ કરે છે. લોજિકની વાત કરીએ તો જે રીતે ફિલ્મનો ઉપાડ થાય છે- નક્સલવાદીઓની ધરપકડ, એમની પર જુલમ, બળાત્કાર- એની જરૂર શું હતી? અને કેરેક્ટર્સ? કુમુદ મિશ્રા સિવાય બીજાં બધાં પાત્ર અધકચરાં છે.
હા, મધ્યાંતર બાદ ફિલ્મ થોડી ગતિ પકડે છે અને અમુક અમુક જગ્યાએ રમૂજના ચમકારા જોવા મળે છે. જેમ કે વૅન લૂંટવાનો પ્લાન બનાવનારા-ગુંડા અને ભ્રષ્ટ પોલીસ અધિકારી મૂંગ દાળ નામનું વૉટસઍપ ગ્રુપ બનાવે છે એ સીન, ઓલમોસ્ટ છવાઈ ગયેલી તબુનો એક સીન, જેમાં એ કહે છે કે “એ આ બધું (વૅનની લૂંટ) એક અંગડાઈ માટે કરી રહી છે. એનું પોલીસ ક્વાર્ટર એટલું સાંકડું છે કે એના જેવી લાંબીચૌડી ઓરત માટે સવારે ઊઠીને હાથ લંબાવીને નિરંતવી આળસ મરોડવી અશક્ય છે…” વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 2016ની એક મહત્વની જાહેરાતવાળું ટીવી ફૂટેજ ક્લાઈમેક્સમાં વાપરવામાં આવ્યું છે એ સાથે પણ અસંમત.
પેલી કહેવત છેને (ખરેખર છેને?) કે બહુ ભસતા શ્વાન કરડતા નથી. એમ અહીં ભસાભસ વધુ, બાઈટ્સ કમ છે.