કાળકોટડીમાં બંધ તર્ક ને બુદ્ધિ…

આજથી દોઢેક દાયકા પહેલાં ‘નેક્સ્ટ થ્રી ડેઝ’ નામની એક અમેરિકન ફિલમ આવેલી, જેમાં હીરો (રસેલ ક્રોવ) ખોટી રીતે ખૂનકેસમાં ફસાઈ ગયેલી પત્ની (એલિઝાબેથ બેન્ક્સ)ને બચાવવા કમર કસે છે. આજે રિલીઝ થયેલી ‘જિગરા’ની વાર્તા સેમ-ટુ-સેમ ‘નેક્સ્ટ થ્રી ડેઝ’ તો નથી, પણ કહી શકાય કે મૂળ આધાર એ જ છે. એમ તો ‘જિગરા’એ હોલિવૂડ ઉપરાંત 1993માં આવેલી બોલિવૂડની શ્રીદેવી-સંજય દત્તવાળી ‘ગુમરાહ’ની વાત પણ લીધી છે.

અહીં પત્નીને બદલે મોટી બહેન (આલિયા ભટ્ટ) છે, જે પારકા મલકમાં ડ્રગકેસમાં ફસાઈ ગયેલા વહાલા નાના ભાઈ અંકુર (વેદાંગ રૈના)ને છોડાવવા બાવડાં, કમર, પેટ કસે છે. નો જોકિંગ. એક સીનમાં પ્લેનની પારિચારિકા એને મેનૂમાંથી વાનગીની પસંદગી કરવા કહે છે તો દીદી કહે છેઃ “મેનૂમાં જેટલી વાનગી છે એ બધી લઈ આવ.” અને ખરેખર, એ બધી વાનગી ખાઈ (પી) લે છે.

આ પહેલાં આલિયાના કાકા મુકેશ ભટ્ટે દિવ્યા ખોસલા કુમારને લઈને ‘સાવિ’ નામની ફિલ્મ બનાવી, જે હજુ પાંચેક મહિના પહેલાં જ રિલીઝ થઈ. ‘સાવિ’માં, જો કે, ‘નેક્સ્ટ થ્રી ડેઝ’નું અવળું છે. ખોટા કેસમાં ફસાઈ ગયેલા પતિને બચાવવા કમર કસતી પત્ની.

‘જિગરા’ના નિર્માતા કરણ જૌહર, ડિરેક્ટર વાસન્ બાલાએ “અમારી ફિલ્મ એકદમ ઓરિજિનલ છે” એવું રસિક પ્રેક્ષકોનાં મગજમાં ઠસાવવા એમણે જે ઉધામા કર્યા એ દયનીય અને અમુક ઠેકાણે હાસ્યાસ્પદ છે. જેમ કે 1970ના દાયકાની ‘જંજિર’ ફિલ્મના રેફરન્સ. શું સર્જક એમ કહેવા માગે છે કે આલિયા એ અમિતાભ છે? જાઓ જાઓ હવે. અરે એક ઠેકાણે તો આલિયા કહે પણ છેઃ “અબ તો બચ્ચન હી બનના હૈ.” (હેંહેંહેં).

વાસન્ બાલા જાણીતા છેઃ ‘મર્દ કો કભી દર્દ નહીં હોતા’ તથા નેટફ્લિક્સ માટે બનાવેલી ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’ માટે. એમણે લેખક દેબાશિષ ઈરેંગબમ સાથે મળીને “ફૂલોં કા તારોં કા સબકા કેહના હૈ” સોંગને આધાર બનાવીને ‘જિગરા’ની વાર્તા લખી છે. સત્યા (આલિયા) ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં જૉબ કરે છે. જૉબ કરે છે એમ કહેવું પ્રોપર ન ગણાય, કારણ કે જંગી કંપનીના માલિકે અથવા સત્યાના તાઉજીએ એને ને એના ભાઈ અંકુર (વેદાંગ રૈના)ને ન માત્ર આશરો દીધો, બલકે પરિવાર જેવા ગણ્યાં છે. મોબાઈલ ઍપ્સ બનાવતો અંકુર અને તાઉજીનો બેટો કબિર બન્ને હંસી દાઓ નામના કોઈ સાઉથ ઈસ્ટ એશિયન કન્ટ્રીમાં જાય છે. બિઝનેસ ડીલ ડન કર્યા બાદ બન્ને ઉજવણી કરવા ક્લબમાં જાય છે, પણ, કમનસીબે ડ્રગ-કેસમાં ફસાઈ જાય છે. હંસી દાઓના ડ્રગ્સ વિશેના કાયદા કડક છે. તાઉજી અને એમના લૉયર એવી વ્યવસ્થા કરે છે કે કબિર હેમખેમ ભારત આવી જાય. પાછળ રહી ગયેલા અંકુરને મોતની સજા સુણાવવામાં આવે છે. તે પછી હજારોમાં એક એવી બહેના સત્યા જડબેસલાક સુરક્ષાવ્યવસ્થા ધરાવતી પારકા દેશની જેલમાંથી છોટા ભાઈને બહાર કાઢવાના મિશન પર નીકળી પડે છે. આમાં એને સાથ મળે છે એ દેશમાં રહેતા મુથુ (રાહુલ રવીન્દ્રન્) અને ભાટિયા અંકલ (મનોજ પાહવા). એ બન્નેના ડીઅરવન્સ પણ જેલમાં બંધ છે…

એ ખરું કે બન્ને રાઈટર મૂળ વાત પર આવવા ઝાઝો સમય વેડફતા નથી. ભાઈબહેને બાળપણમાં માતા ગુમાવી અને હજી તો સ્કૂલમાં ભણી રહ્યાં હોય છે ત્યાં એમની આંખ સામે પિતાએ આત્મહત્યા કરી. શું કામ, એ લેખકો આપણને કહેતા નથી. એ પછી ધડાધડ બન્ને મોટાં થઈ જાય છે, ભાઈ ડ્રગ્ઝમાં ફસાય છે અને… ‘એનિમલ’ના રણવિજયની જેમ, વિદેશમાં ખૂનખરાબા, મારધાડ, તોડફોડ કરવા માંડે છે.

મને નવાઈની એ વાતની લાગી કે આલિયા શું જોઈને આ ફિલ્મની સહનિર્માત્રી થઈ હશે? એનો ધણી ઓલમોસ્ટ આ જ પ્રકારની ફિલ્મ, હજી હમણાં જ કરી ચૂક્યો છે. યાદ કરો, બાપ (અનિલ કપૂર)નું રક્ષણ કરવા ગમે તે હદે જઈ શકતો ‘એનિમલ’નો રણવિજયસિંહ (રણબીર કપૂર). એમાં પિતા-પુત્રના સંબંધની વાત છે તો અહીં ભાઈ-બહેનના સ્નેહની. હા, સહનિર્માત્રી પોતે હોય તો વાર્તા પર, એના પાત્ર પર પોતે સવાર થઈ શકાય, પણ આમાં ખાલી ફોગટની (પ્રેક્ષકો, સમીક્ષકો દ્વારા) કૂટાઈ વાસન્ બાલાની થઈ જાયને. -અને એક્શન હીરોઈન તરીકે આલિયા જામતી નથી એ જસ્ટ.

ટૂંકમાં બે કલાક ને પાંત્રીસ મિનિટની લંબાઈ ધરાવતી, લોજિક-સેન્સથી કરોડો માઈલ દૂર જિગરા જોઈને હું બહાર નીકળ્યો ત્યારે જેલમાંથી છૂટ્યાની લાગણી થઈ. તારલા આપવા હોય તો પાંચમાંથી બે આપું