વેલ વેલ વેલ… પ્રજા તરીકે આપણને સૅડ કરી મૂકે એવું આ વીક છે. ગયા રવિવારે (3 ઑક્ટોબરે) મુંબઈમાં ઘનશ્યામ નાયક ઉર્ફે નટુકાકાનું અવસાન થયું તો ગઈ કાલે (6 ઑક્ટોબરે) અરવિંદ ત્રિવેદીનું. ઘનશ્યામ નાયકે તો થોડા સમય પહેલાં જ ‘ચિત્રલેખા’ને આપેલી છેલ્લી મુલાકાતમાં કહેલું: “65 વર્ષની તપસ્યા બાદ આજે હિમાલયની ટોચ પર બેઠો છું”. અલબત્ત, ઘનશ્યામભાઈને અંજલિ અર્પતો લેખ ‘ચિત્રલેખા’ના આ વખતના અંકમાં (18 ઑક્ટોબર, 2021) છે જ, પણ સ્થળસંકોચને લીધે એમના વ્યક્તિત્વ વિશેની અનેક અજાણી વાતો સમાવી શકાઈ નથી. તો એ જાણો ને માણો આ વખતના ‘મોજમસ્તી…માં’. આ અણમોલ ખજાના જેવી વાતોમાંથી એ સમયના કલા ક્ષેત્રનું ચિત્ર પણ મળે છે.
-અને આવતા અઠવાડિયે ‘લંકેશ’ અરવિંદ ત્રિવેદીને સામે રાખીને એક અલગ મિજાજના લેખનું આયોજન કર્યું છે. આજે વાંચો ઘનશ્યામભાઈએ સ્વમુખે ‘ચિત્રલેખા’ને કહેલી કેટલીક વણકથી વાતોઃ
- આર્નત પ્રદેશની રાજધાની વડનગર તાલુકાના ઉંઢાઈ ગામમાં ચંચળબહેન અને પ્રભાકર નાયકને ત્યાં 12 મે 1945ના રોજ જન્મ. ઉલ્લેખનીય છે કે સોલંકીયુગમાં ત્રીસેક જેટલા નાયકપરિવાર ખ્યાતિ પામેલા. એમાં કેશવલાલ શિવરામ નાયક જૂની રંગભૂમિ પર ‘કેશવલાલ કપાતર’ તરીકે સુખ્યાત, એમના પુત્ર પ્રભાશંકર નાયક (કીર્તિ) પણ ઉમદા અભિનેતા, જ્યારે પ્રભાશંકરના પુત્ર એટલે ઘનશ્યામ નાયક. આમ રંગમંચ ક્ષેત્રે ત્રણ પેઢીનું યોગદાન જોઈએ તો આંખો અચરજથી પહોળી થઈ જાય.
(ઘનશ્યામભાઇએ ચિત્રલેખાને આપેલી આ તસવીરમાં હવે એમના નામ આગળ દેવલોકઃ 3 ઓક્ટોબર, 2021-મુંબઇ એમ સખેદ ઉમેરવું પડે છે.)
- 11 વર્ષની વયે મુંબઈ આવેલા ઘનશ્યામભાઈ મુંબઈના પરા મલાડના ભાદરણ નગરવિસ્તારમાં પિતાએ 300 રૂપિયાની ઓરડી લીધેલી તેમાં સૅટલ થયા. એમનો દેહાંત થયો ત્યાં સુધી એટલે કે 65-66 વર્ષ આ જ જગામાં રહ્યા. અલબત્ત, આ ઘરની પાસે એમણે એક ફ્લૅટ ખરીદ્યો, પણ એમને આ ઘર વધુ માફક આવતું.
- તે વખતે ભણવાની સાથે સાથે નાટક-ફિલ્મમાં કામ કરતા. પિતા એમને ક્યાંક ને ક્યાંક ઘુસાડતા. જેમ કે મુંબઈના મરીન લાઈન્સ વિસ્તારના તારા બાગમાં ફરેદૂન ઈરાની (અરુણા ઈરાનીના પિતા)ની નાટક-કંપનીમાં ઘનશ્યામભાઈ અમુક ટાઈપની સ્ત્રીઓ સાથે નાના-મોટા રોલ ભજવતા. તે વખતે આ બધું સભ્ય ગણાતું નહીં. એક દિવસ ફરેદૂન શેઠ પોતે નાટક જોવા ઊભા રહ્યા. એમણે ઘનશ્યામભાઈને કામ કરતા જોયા એટલે પૃચ્છા કરી કે “આંય કોનો પોયરો છે”? કોઈએ કહ્યું કે પ્રભાકરનો… શો બાદ એમણે ઘનશ્યામભાઈને બોલાવીને કહ્યું- “ડીકરા, કાલથી નહીં આવટો. પૈસાની જરૂર હોય તો મારી પાસેથી લઈ લેજે, પણ આવા વાતાવરણમાં તારું કામ નહીં”.
- એ પછી, 1940ના દાયકાના આરંભમાં દીના ગાંધી (દીના પાઠક), એમનાં મોટાં બહેન શાંતા ગાંધી, દામિની મહેતા જેવી ક્રાંતિકારી સ્ત્રીઓએ એક મંડળની સ્થાપના કરી, ગામડે ગામડે જઈને નાટકો ભજવવાની શરૂઆત કરી. અલબત્ત, આ એ ભવાઈના સ્વરૂપમાં ભજવણી કરતાં અને ખાસ તો એ બ્રિટિશ શાસનને લલકાર હતો. એમને જોઈને પછી સારાં ઘરની સ્ત્રીઓ અભિનય ક્ષેત્રે આવતી થઈ.
- 1961-1962ના અરસામાં ચીમનલાલ ત્રિવેદી નિર્મિત, સોહરાબ મોદી દિગ્દર્શિત ‘ન્યાયના પંથે’ નાટક (મ્યુઝિક બાય અવિનાશ વ્યાસ)માં હરિભાઈ જરીવાલા (સંજીવકુમાર) સાથે ઘનશ્યામભાઈએ કામ કરેલું. એમના કહેવા મુજબ, સંજીવકુમારને તે વખતે 15-20 રૂપિયા પર નાઈટ મળતા. અનેક નાટકોમાં એ રિપ્લેસમેન્ટ તરીકે પણ આવતા અર્થાત કોઈ કલાકારની ગેરહાજરીમાં એ એમનો રોલ ભજવી કાઢતા. અનેક વાર તો એમણે પોતાના પિતાને પણ રિપ્લેસ કર્યા.
- એ જ અરસામાં એટલે કે 1961-1962માં ‘પીંજરનું પંખી’ નામના એક નાટકના શો બે જગ્યાએ વેચી નાખવામાં આવેલા. પછી બે ગ્રુપ બનાવવામાં આવ્યાં. મુંબઈના બિરલા થિએટરમાં ઓરિજિનલ કાસ્ટ અને મેટ્રો થિએટર નજીક આવેલા રંગભવનમાં ડુપ્લિકેટ કાસ્ટ. ડુપ્લિકેટ ગ્રુપમાં ઘનશ્યામભાઈનું મહત્વનું કેરેક્ટર. ત્યારથી એમનું નામ ગાજવા લાગ્યું.
- સોથી વધુ નાટકોમાં કામ કરનારા ઘનશ્યામભાઈએ સ-રસ અવાજમાં ગીતો ગાતા. આશા ભોસલે, મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર, અવિનાશ વ્યાસ સાથે ગીતો ગાયાં. હાસ્યગીત, ભવાઈ ગીત, ડોશીમાના અવાજમાં ગીત એમ માગો એ સ્વરમાં, લઢણમાં ઘનશ્યામભાઈ ગાતા.
- ઘનશ્યામભાઈ ડબિંગ આર્ટિસ્ટ તરીકે પણ પ્રખ્યાત હતા. સાડાચારસો જેટલી ફિલ્મોમાં એમણે પોતાનો અવાજ આપેલો. 1980ના દાયકામાં કેરેક્ટર આર્ટિસ્ટ કનૈયાલાલનું અચાનક નિધન થતાં ઘનશ્યામભાઈએ ચાર જ કલાકમાં એમના બધા જ સંવાદનું ડબિંગ કરી આપેલું. (ફિલ્મના નામ વિશે એ ચોક્કસ નહોતા. કદાચ ‘એક ઔર સંગ્રામ’).
- ઘનશ્યામભાઈ ભવાઈના વેશ ભજવવામાં પણ એક્કા. એ ડૉ. જયંતી પટેલ (રંગલો)ને પોતાના ગુરુ ગણતા. એમની સાથે એમણે મૉડર્ન ભવાઈના અનેક ખેલ ભજવેલા. સાથે પીઢ અભિનેત્રી લીલા પટેલ રંગલી તરીકે હોય. એ પહેલાં રેડિયો પરથી પણ એમના ભવાઈના કાર્યક્રમ પ્રસારિત થતા.
વેલ, આસિત મોદી સર્જિત ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ ટીવીસિરિયલ દ્વારા ભારત જ નહીં દુનિયાના અનેક દેશમાં જાણીતા બનેલા ઘનશ્યામભાઈ ઉર્ફે નટવરલાલ પ્રભાશંકર ઊંઢાઈવાલા હંમેશાં યાદ રહેશે એમની અભિનયકલા માટે તથા એમના ઉમદા વ્યક્તિત્વ માટે.
(કેતન મિસ્ત્રી)