ગયા અઠવાડિયે એકતા કપૂર નિર્મિત ગોધરાકાંડ પર આધારિત ‘ધ સાબરમતી રિપોર્ટ’ થિએટરમાં રિલીઝ થઈ, તે જ સમયે ઈતિહાસ-આધારિત વેબ સિરીઝ ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ ઓટીટી પર, ‘સોની લિવ’ પર સ્ટ્રીમ થઈ. ‘સાબરમતી રિપોર્ટ’નાં વડા પ્રધાને વખાણ કર્યાં. ‘ફ્રીડમ એટ મિડનાઈટ’નાં મારે કરવાં છે. દરેક ઈતિહાસપ્રેમીએ, ભારતના ઈતિહાસમાં રસ ધરાવનારાએ જોવી જોઈએ. નવી પેઢીએ તો ખાસ આ સિરીઝ જોવી જોઈએ.
મુઘલ સામ્રાજ્યની ચડતી-પડતી પર આધારિત ‘ધ એમ્પાયર,’ ડૉ. જહાંગીર ભાભા-ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈના જીવનકવન પર આધારિત ‘રૉકેટ બૉય્સ’ જેવા વેબ-શો તેમ જ ‘કલ હો ના હો’થી ‘બાટલા હાઉસ’ અને જૉન અબ્રાહમ-શર્વરી વાઘની ‘વેદા’ જેવી ફિલ્મોના સર્જક નિખિલ અડવાની લાવ્યા છે ‘ફ્રીડમ ઍટ મિડનાઈટ.’
બે વર્ષ પહેલાં 91 વર્ષની વયે જેમનું અવસાન થયું એ ફ્રેન્ચ લેખક ડોમિનિક લેપિયેર અને લેરી કૉલિન્સ લિખિત, પારિતોષિક-વિજેતા પુસ્તક ‘ફ્રીડમ એટ મિડનાઈટ’નો સમયકાળ ૧૯૪૬થી ૧૯૪૮નો છે. અમેરિકન રાઈટર લેરી કોલિન્સ 2005માં 75 વર્ષની વયે કાળધર્મ પામેલા. ‘અડધી રાતે આઝાદી’ એ શીર્ષક હેઠળ અશ્વિની ભટ્ટે ‘ફ્રીડમ એટ મિડનાઈટ’નો અનુવાદ કર્યો .
ફ્રેન્ચ-અમેરિકન લેખક-જોડીના પુસ્તકનો ઉપાડ 1947ના ન્યુ યરથી એટલે ફર્સ્ટ જાન્યુઆરીએ લંડનમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર ત્યારના બ્રિટનના વડા પ્રધાન ઍટલીને મળવા જતા લૉર્ડ માઉન્ટબેટનની મનોઝંઝટથી થાય છે. ભારતને આઝાદી આપવાનો વિધિ પાર પાડવા માઉન્ટબેટને હિંદુસ્તાન જવું એવો ઍટલીનો આગ્રહ છે, પણ માઉન્ટબેટન મુદ્દલ ઈચ્છા નથી આ કામ હાથ પર લેવાની… સિરીઝના આરંભમાં અંગ્રેજોને દાદાગીરીથી બ્લેકમેલ કરતા ઝીણા અને એનાથી વ્યથિત બાપુની વેદના જોવા મળે છેઃ “હિંદુસ્તાન કા બટવારા હોને સે પેહલે, મેરે શરીર કા બટવારા હોગા…” બાપુની વેદના બાદ ધીરે ધીરે આપણને ભારતના ભાગલા અને હિંસા વચ્ચે સ્વતંત્ર ભારતના જન્મનાં દશ્ય જોવા મળે છે. આ સમય દરમિયાન ખેલાયેલું રાજકારણ, આઝાદી, વગેરે.
સ્વાતંત્ર્યપ્રાપ્તિ ને ભાગલા બાદ 30 જાન્યુઆરી, 1948ના રોજ મોહનદાસ કરમચંદ ગાંધી દિલ્હીમાં ગોડસેની ગોળીથી હણાયા. તો, રાજકોટ જિલ્લાના પાનેલીથી નીકળેલા મહમદ અલી ઝીણા પૂંજા વાલજી ઠક્કરનું મોત કરાચીમાં, 10 સપ્ટેમ્બર, 1948ના થયું.
કહેવું જોઈએ કે સિરીઝના ઓલમોસ્ટ અડધો ડઝન લેખકો, સર્જક નિખિલ અડવાની મૂળ કૃતિને, પુસ્તકને વળગી રહ્યા છે, કોઈની બાજુ, કોઈનો પક્ષ અહીં લેવામાં આવ્યો નથી. સ્વાતંત્ર્ય સાથે આવેલી સામૂહિંક હિંસા, કત્લેઆમ, અત્યાચાર, ભૂખમરો, રોગચાળો, વગેરેને ઝાઝું ફૂટેજ આપવામાં આવ્યું નથી. આવાં અમુક દશ્યો સેપિયા કલરમાં જોવા મળે છે, જે દશ્યની અસરકારકતા વધારે છે. અલબત્ત, લોહીનીંગળતાં શરીર બતાવવાથી સર્જકો દૂર રહ્યા છે. કથાપ્રવાહને સુરેખ બનાવવા અમુક જગ્યાએ ક્રિયેટિવ લિબર્ટી લેવામાં આવી છે એવું સર્જકો કબૂલે છે, પણ ઈતિહાસ સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી.
સિરીઝમાં આપણા ચિરાગ વોરા (મહાત્મા ગાંધીજી)થી લઈને અરીફ ઝકરિયા (ઝીણા), આરજે મલિશ્કા (સરોજિની નાયડુ), ઈરા દુબે (ફૅટી અથવા ફાતિમા ઝીમા), જ્યુબિલી વેબસિરીઝમાં જય ખન્નાના કેરેક્ટરથી જાણીતો થયેલો ચહેરો સિદ્ધાંત ગુપ્તા (જવાહરલાલ નેહરુ), એમએસ ધોની, લૂપલપેટા તથા કેટલીક ટીવીસિરિયલના કલાકાર રાજેન્દ્ર ચાવલા (સરદાર વલ્લભભાઈ પટેલ) જેવા સશક્ત કલાકારો છે. ચવાઈને ચુથ્થો થઈ ગયેલું વાક્ય વાપરીને કહેવું હોય તો, ચિરાગ આ પાત્રને જીવી ગયા છે, એની ત્વચાની અંદર ઊતર્યા છે. પોતડી પહેરીને રેંટિયો કાંતતા ચિરાગને જોવો એક આહલાદક અનુભવ છે. અલબત્ત, અન્ય બધા કલાકારોએ ઉમદા કામ કર્યું છે. બધા કલાકારોની જેમ અહીં પ્રોડક્શન ડિઝાઈનિંગ પણ એક મહત્વની ભૂમિકા ભજવે છે. આખી પ્રોડક્શન ટીમે ખૂબ જહેમત ઉઠાવીને આજથી 76-77 વર્ષ પહેલાંનો કથાનો એ કાળખંડ તાદશ કર્યો છે.