છએક મહિના પહેલાં મલયાલી લેખક-દિગ્દર્શક જિતુ જૉસેફની જ્યોર્જકુટ્ટી (મોહનલાલ)વાળી ‘દ્રશ્યમ-3’ આવી
ત્યારે નક્કી કરેલું કે વિજય સાલગાવકર (અજય દેવગન)વાળી ‘દ્રશ્યમ’નો ત્રીજો ભાગ જોયા બાદ જ ઓરિજિનિલ જોવી. અને, એમ જ કર્યું.
મલયાલી રાઈટર-ડિરેક્ટરે જ્યોર્જકુટ્ટી (મોહનલાલ)ને આ વખતે કૌટુંબિક ઝમેલામાં જકડી રાખ્યો છે. એ અને પત્ની મોટી દીકરી અંજુનાં લગ્ન ગોઠવવામાં વ્યસ્ત છે. દલાલ સારાં માગાં લઈને આવતો રહે છે, પણ પરિવારનો ભૂતકાળ અડચણરૂપ બને છે. આમાં વળી જ્યોર્જકુટ્ટીની આસપાસના અમુક લોકો લગ્નમાં ફાચર મારવાના પ્રયાસ કરતા રહે છે. ડિરેક્ટર જિતુએ પળે પળે ઉત્કંઠા જગાવતા ટ્વિસ્ટ આપવાને બદલે એ વાત પર વધુ ધ્યાન આપ્યું છે કે એક ગુનાહિત કૃત્ય એની સાથે સંકળાયેલા લોકોનાં જીવનને કેવી રીતે બદલી નાખે છે. ત્રણેય (મલયલામ) ફિલ્મમાં સૌથી નબળી એવી ‘દ્રશ્યમ્ 3’ થ્રિલરને બદલે જ્યોર્જકુટ્ટીની પર્સનલ ડાયરી જેવી વધુ લાગે છે. એ જ્યોર્જકુટ્ટી, જેણે વર્ષોથી એક દિવસ શાંતિથી નથી વિતાવ્યો.

‘દ્રશ્યમ: ધ કન્ક્લુઝન’ (અંતિમ અધ્યાય) અને મલયાલમ ફિલ્મનો સૌથી મોટો ફરક એ છે કે હિંદી ‘દ્રશ્યમ્’ મલયાલમની હૂબહૂ નકલ નથી, બલકે, એની સ્ક્રિપ્ટ, વળાંક, ક્લાઈમેક્સ સાવ જુદાં છે. ટૂંકમાં બન્ને ફિલ્મનાં મૂળ-કુળ ભલે એક હોય, પણ હિંદી વર્ઝન અલગ રસ્તે જતી સ્વતંત્ર ફિલ્મ બની છે. ડિરેક્ટર અભિષેક પાઠકે મૂળ ફિલ્મની અસરમાંથી બહાર નીકળી આ થ્રિલર ફ્રેન્ચાઈઝીની પોતાનો ટચ આપ્યો છે.
કેબલ ટીવીનો બિઝનેસ કરતો અને હિંદી ફિલ્મો જોવાનો શોખીન વિજય પોતાની દીકરી સાથે દુર્વ્યવહાર કરનાર (સૅમ દેશમુખ)ની લાશ સંતાડતો રહે છે. 2015થી વિજયે પોતાના પરિવારની આસપાસ એવી અભેદ્ય દીવાલ ચણી છે, જેને કાયદો ભેદી શક્યો નથી, પરંતુ ગમે તેટલા પરફેક્ટ ક્રાઈમની પણ એક્સપાયરી ડેટ હોય છે.
આમિલ કિયાન ખાન-અભિષેક પાઠક-પરવેઝ શેખનું લેખન સાલગાંવકર પરિવાર પર તોળાતું જોખમ સતત જાળવી રાખે છે. સૅમ-મર્ડર કેસ ફરી ખોલવા માટે પોલીસ સામે એવા નક્કર પુરાવા સામે આવે છે, જે આખી પરિસ્થિતિને ગંભીર બનાવી દે છે અને, વિજય સાલગાંવકરની ખરી કસોટી શરૂ થાય છે. એની સામે હવે માત્ર પોલીસ નથી, પરંતુ એવી સિસ્ટમ છે, જે એણે ચણેલી અભેદ્ય દીવાલ તોડી એના પરિવાર સુધી પહોંચવા માગે છે. સિસ્ટમનો ભાગ એવા ગોવા ક્રાઈમ બ્રાંચના નવા વડા (જયદીપ અહલાવત), દેશમુખ-દંપતી (રજત કપૂર-તબુ), પુલીસ અફ્સર ગાયતોંડે (કમલેશ સાવંત) વગેરે સાલગાવકર પરિવારની પાછળ આદું ખાઈને પડી જાય છે અને સ્ક્રિપ્ટ અહીં રસપ્રદ વળાંક લે છે.
ગોવા-વાસીઓની (અને પ્રેક્ષકોની) નજરમાં વિજય એવો હીરો છે, જેને હરાવવો લગભગ અશક્ય લાગે છે એટલે, એ ગુનો કેવી રીતે છુપાવે છે એ બતાવવામાં ડિરેક્ટર સમય નથી વેડફતા. આને બદલે એમણે ચોથી પાસ વિજયે રચેલી દંતકથાને સિસ્ટમ કેવી રીતે તોડી શકે એની પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સાલગાવકર-પરિવાર માટે હવે જાણે બધું સમાપ્ત થવાની અણી પર છે એવું વાતાવરણ સર્જાય છે. ‘ગેમ ઓવર’નો માહોલ જેટલો સ્પષ્ટ બનતો જાય છે એટલી જ ફિલ્મમાં નવી ઊર્જા આવતી જાય છે. વળી હિંદીના મેકર્સ માટે મૂળ ફિલ્મની વાર્તાને અનુસરવાની મજબૂરી નથી એટલે વિજયના જવાબી દાવ-પેંતરા હવે માત્ર નસીબથી બચી ગયા જેવા લાગતા નથી, પણ ચેસનો ગ્રાન્ડમાસ્ટર પોલીસ માટે જાળ ગોઠવી રહ્યો હોય એવા લાગે છે. હા, આના લીધે પત્ની (શ્રિયા સરન) અને દીકરીઓ (ઈશિતા દત્તા-મૃણાલ જાધવ) પરદા પર ઓછા સમય માટે દેખાય છે.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારી રાજવીરસિંહ તોમર તરીકે જયદીપ અહલાવતની ધમકાવનારી હાજરી અને આગવો રુઆબ અજય દેવગનના ગણતરીપૂર્વકના મૌન માટે એકદમ યોગ્ય વિરોધાભાસ ઊભો કરે છે. ‘સિંઘમ’માં જયકાંત શિકરેના પાત્રને મજેદાર બનાવનનાર પ્રકાશ રાજ અહીં પણ બાહોશ એડ્વોકેટ શેટ્ટી તરીકે એ જ કટાક્ષભર્યો લય લઈને આવ્યા છે.

કમલેશ સાવંતે પહેલાં કરતાં અલગ ગાયતોંડે રજૂ કર્યો છે. પોતાના પાત્ર અને ફિલ્મની રમતથી પૂરેપૂરો વાકેફ હોય એવા રમૂજી અંદાજમાં એને રજૂ કરવામાં આવ્યો કરે છે. ઍક્ચ્યુલી, ગાયતોંડે પ્રેક્ષક સાથે સીધી વાત કરતું પાત્ર બની જાય છે. એના માધ્યમથી સ્ક્રિપ્ટ આપણને યાદ દેવડાવે છે કે બીજી ઑક્ટોબર એ માત્ર તિથિ નથી રહી, પણ એ એક એન્ટી-હીરો માટેની અલાઈબી (અમુક દિવસે હું તો અમુક જગ્યાએ હતો એની સાબિતી)માં પરિવર્તિત થઈ ગઈ છે. ગાંધી જયંતી તો દર વર્ષે, દેશભરમાં આવે છે, પણ વિજય સાલગાંવકરની દુનિયામાં એ તારીખ આવે એટલે એક જ સવાલ ઉદભવેઃ એ દિવસે કોણ ક્યાં હતું, શું કરતું હતું, એ કર્યા બાદ શું ખાધું અને આમાંનું કોને, શું યાદ છે?
કદાચ ‘દ્રશ્યમ’ની સૌથી મોટી રમત પણ આ જ છે: જે વાત વારંવાર કહેવામાં આવે, ગોઠવીને મૂકવામાં આવે અને વિશ્વસનીય લાગે એ વાત સાચી છે એવું માનવા માટે આપણને ઝાઝા પુરાવાની જરૂર પડતી નથી.
વધુ કંઈ ન કહેતા આટલું કે, ‘દ્રશ્યમ: ધ કન્ક્લુઝન’ જોઈને ટેસ્ટી પાંઉ-ભાજી ખાઈ લેજો. આ માટે પણજી જવાની જરૂર નથી. તમારી આસપાસના થિયેટરમાં પણ રિલીઝ થઈ છે.






