ડિસેમ્બર, 2021માં સલમાન ખાને સર્પદંશ બાદ સાજા થઈને પોતાના 56મા જન્મદિવસે ‘બજરંગી ભાઈજાન-2’ બનાવવાની જાહેરાત કરી એનું શીર્ષક કન્ફર્મ કર્યુઃ ‘પવનપુત્ર ભાઈજાન.’ આ સમાચાર વાંચીને માંકડ જેવું મન હૂપાહૂપ કરતું જઈ પહોંચે છેઃ કચ્છ અને ‘બજરંગી ભાઈજાન’ જેવા વિષય પર એથી અનેક વર્ષ પહેલાં એક નહીં, પણ બબ્બે ગુજરાતી ફિલ્મો અને એના સર્જક પાસે.
સર્જકનું નામઃ વિનોદ ગણાત્રા. વિનોદભાઈની અચિવમેન્ટ્સ સાંભળીએ તો ગુજરાતી તરીકે આપણી છાતી 66 ઈંચની થઈ જાય. વક્રતા એ છે કે વિનોદભાઈ તથા એમની ફિલ્મો, એમનાં કાર્યોની પિછાણ આપણા કરતાં વિદેશી ફિલ્મરસિકોને વધુ હશે. કેમ કે એમની ફિલ્મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગાજે છે. આવા વિનોદભાઈની સિદ્ધિ તથા એમની ગુજરાતી ‘બજરંગી ભાઈજાન’ વિશે જાણીએ એ પહેલાં તમે આ વાંચોઃ
મધ્યમવર્ગી કચ્છી પરિવારમાંથી આવતા વિનોદભાઈનો જન્મ-ઉછેર-ભણતર મુંબઈમાં જ. કૉલેજશિક્ષણ બાદ એમને મુંબઈની ‘ઝુનઝુનવાલા કૉલેજ’માં ક્લર્કની નોકરી મળી. 1960ના દાયકામાં એક દિવસ મુંબઈમાં ભારે વરસાદ પડ્યો ત્યારે કૉલેજના નંબર પર એક ફોન આવ્યોઃ “હું તમારી કૉલેજની સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહું છું. મારી પત્ની પ્રેગ્નન્ટ છે, એકલી છે. પ્લીઝ, તમે એને સંદેશો આપો કે હું વરસાદમાં અટવાયો છું ને કાલે આવીશ.” ભરવરસાદમાં વિનોદભાઈએ ઘર શોધી પત્નીને મેસેજ આપી દીધો.
સંયોગથી પેલા ભાઈ પ્રખ્યાત ‘મોહન ફિલ્મ સ્ટુડિયો’ની ઑફિસમાં પ્યુન હતા. એની ઓળખાણથી વિનોદભાઈના સ્ટુડિયોના આંટાફેરા શરૂ થયા. અને 2 જુલાઈ, 1966ના મંગળ દિવસે એમને રમણીકલાલ દવે નિર્મિત ફિલ્મ ‘અભિલાષા’માં પ્રોડક્શન આસિસ્ટંટ તરીકે નોકરી મળી. કલાકારો હતાઃ મીનાકુમારી, નંદા, સંજય ખાન. ડિરેક્ટરઃ અમીત બોઝ. આમ શરૂ થઈ એમની ફિલ્મી સફર.
પછી તો એ ફિલ્મ-એડિટિંગ શીખ્યા, ચીફ આસિસ્ટંટ ડિરેક્ટર બન્યા, ડિરેક્ટર-એડિટર બન્યા… દૂરદર્શન ભારતમાં પ્રવેશ્યું ત્યારે એક દાયકા કરતાં વધુ સમય એમણે એડિટર તરીકે ‘સ્પૉર્ટ્સ રાઉન્ડ અપ’ તથા ‘ન્યુઝ ઍન્ડ કરન્ટ અફૅર્સ’ જેવા વિભાગ સંભાળ્યા, અમદાવાદ દૂરદર્શન માટે ધીરુબહેન પટેલની વાર્તા પરથી ‘નાગરદાસની હવેલી’ સિરિયલ બનાવી, દિલ્હી દૂરદર્શન માટે ‘બેંગનદાદા’ બનાવી, મરાઠીમાં છ સિરિયલનાં નિર્માણ કર્યાં.
પચાસ વટાવ્યા બાદ વિનોદભાઈએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પુનઃ પ્રવેશ કરીને ‘ચિલ્ડ્રન’સ ફિલ્મ સોસાયટી’ માટે ત્રણ બાળફિલ્મો બનાવીઃ ‘હેડા હૂડા,’ ‘લુકા છુપ્પી’ અને ‘હારુન-અરુણ.’ ‘હેડા હુડા’ (2003) અને ‘હારુન-અરુણ’ (2007) એમણે કચ્છ-પાકિસ્તાન સરહદ પરના છેવાડાના ગામમાં, કચ્છના રણમાં સર્જી, જ્યારે ‘લુકા છુપ્પી (2005)’ એમણે લડાખમાં, સ્થાનિક બાળકોને લઈને બનાવી. આટલી ઊંચાઈ પર શૂટ થયેલી એ પહેલી જ (કદાચ એકમાત્ર) બાળફિલ્મ હતી, જેની ‘લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સે’ નોંધ લીધી.
વિનોદભાઈની પહેલી ફિલ્મ હેડા હૂડા 57મા ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’ સહિત પચાસથી વધુ નૅશનલ, ઈન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી. જ્યારે ‘લુક્કા છુપ્પી’ અને ‘હારુન-અરુણ’ પચીસેક ફેસ્ટિવલમાં. ત્રણેય ફિલ્મે કંઈકેટલા માનઅકરામ મેળવ્યા. ‘હેડા હુડા’નો કચ્છી ભાષામાં અર્થ થાયઃ અહીંયાં-ત્યાં. કચ્છના સોનુ નામના એક બાળકનાં ત્રણ ઊંટ અનાયાસ બોર્ડર ક્રૉસ કરીને પાકિસ્તાન ચાલ્યાં જાય છે, જે પાછાં મેળવવા સોનુ સરહદ પાર કરીને પાકિસ્તાન જાય છે. એક પાકિસ્તાની એને આશરો આપે છે ને બીજે દિવસે સોનુને પાછો સરહદ પાર કરાવી દે છે. અને પ્રોમિસ આપે છે કે એ પેલાં ત્રણ ઊંટ પાછાં મેળવી આપશે. પછી ચાલે છે ઊંટને પાછાં સોંપવાની પ્રક્રિયા, જે બન્ને બાજુથી જટિલ રેડ ટેપમાં અટવાય છે. એક તબક્કે સોનુનું બાળમાનસ વિચારે છેઃ “ઊંટ સાવ સામે તો દેખાય છે. એ સીધાં ચાલીને (સરહદ પાર કરીને) મારી પાસે કેમ આવી ન શકે?”
તો ‘હારુન-અરુણ’માં ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ મૂળ લખપતના રાશિદ (ઉત્કર્ષ મઝમુદાર)ને પાકિસ્તાન વસી જવું પડે છે. વતનઝુરાપો એમને આજે પણ પીડે છે. વયોવૃદ્ધ રાશિદમિયાંની એકમાત્ર ઈચ્છા છેઃ મરતાં પહેલાં એક વાર લખપત જવું, જૂના મિત્રને મળવું. એના પરિવારમાં એકમાત્ર પૌત્ર હારુન છે. દાદા અને પૌત્ર ચોરીછૂપી લખપત જવાની યોજના બનાવે છે, પણ નાટ્યાત્મક વળાંક બાદ બન્ને છૂટા પડી જાય છે, જ્યારે હારુન એકલો લખપત પહોંચી જાય છે. હારુનની જ ઉંમરનો લખપતનો બાળક પોતાની મા વાલબાઈ (રાગિણી)થી છુપાવીને હારુનને આશરો આપે છે, એને જમાડે છે. એ હારુનને અરુણ સમજી બેસે છે. અન્ય બાળમિત્રો એને સાથે આપે છે એના બાળમિત્રો… હીતેન ગણાત્રાની આ વાર્તા પરથી પટકથા-સંવાદ લખેલા ધીરુબહેન પટેલે.
મુદ્દો એ કે બન્ને ફિલ્મના કેન્દ્રમાં બોર્ડર ક્રૉસ કરવાની તથા પાછા ફરવાની વાત છે. ફ્રેન્ડ્સ, આ ત્રણે ફિલ્મો યુટ્યૂબ પર ઉપલબ્ધ છે. ખાસ તો ‘હેડા હુડા’ અને ‘હારુન-અરુણ’ જોજો. ઓલમોસ્ટ સેમ સબ્જેક્ટવાળી ખર્ચાળ માતબર નિર્માણવાળી ‘બજરંગી ભાઈજાન’ (2015) સામે આ સાદી, પણ અંતરતાર ઝણઝણાવી મૂકતી ફિલ્મ વધુ સ્પર્શી જશે.
સંયોગથી આ લખાય છે ત્યારે (6 જાન્યુઆરીએ) વિનોદભાઈનો 73મો જન્મદિવસ હોય છે. 400 જેટલી ડૉકયુમેન્ટરીઝ, ન્યૂઝરીલ્સનાં ડિરેક્શન-એડિટિંગ તથા પચીસ જેટલા ટીવી-પ્રોગ્રામ્સ બનાવી ચૂકેલા વિનોદભાઈને મેં જન્મદિવસની વધામણી આપવા ફોન કર્યો અને પૂછ્યું કે સુદીર્ઘ કારકિર્દીમાં સૌથી વધારે સંતોષ, આનંદ શેમાં મળ્યા?
જવાબ આપતાં એ કહેઃ “દોસ્ત, કેતન, મને બાળકોના પ્રોગ્રામ, એમની વાતો, એમના માનસ આકર્ષે છે. તક મળે તો હજી એક સ્તરીય બાળફિલ્મ ફિલ્મ બનાવવી છે. સબ્જેક્ટ રેડી છે… છે કોઈ લેવાલ?”