1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં મુરલીકાંતના શરીરમાં ખોપડીથી કમર સુધીના ભાગમાં 9 બૂલેટ ધરબાઈ છે. હોસ્પિટલના બિછાનામાં બહાદુર સૈનિક અને રમતવીર મુરલીકાંતને ખબર પડે છે કે હવે ખેલકૂદમાં ભાગ લેવો એને માટે લગભગ અશક્ય છે. નિરાશાની ખીણમાં સરી પડેલા મુરલીને એના પૂર્વ કોચ અલી કહે છેઃ “આ યુદ્ધ પણ અજીબ છે. જે લડાવે છે એમનું કંઈ નથી જતું, પણ જે લોકો યુદ્ધ લડે છે એનું બધું છીનવાઈ જતું હોય છે”.
કબિર ખાન દિગ્દર્શિત આશરે સવાબે કલાકની ‘ચંદુ ચેમ્પિયન’ની કેટલીક બેસ્ટ મોમેન્ટ્સમાંની આ એક છે. કાળની ખાઈમાં દટાઈને વીસરાઈ ગયેલી મહારાષ્ટ્રના સાંગલીમાંથી આવતા આર્મીમેન અને એથ્લીટ મુરલીકાંત પેટકરની સત્ય કથા જેટલી રોમાંચક છે એટલું જ રોમાંચક એનું કથન છે. ભારતે જીતેલા ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત ‘83’ની નિષ્ફળતાથી ડગ્યા વિના કબિર ફરી એક વાર સ્પોર્ટ્સ ડ્રામા સાથે હાજર થયા છે. પેરા ઓલિમ્પિક તરીકે ઓળખાતી દિવ્યાંગો માટેની ખેલસ્પર્ધામાં ભારતને પ્રથમ સ્વર્ણપદક અપાવનાર મુરલીકાંતની વાર્તા કહેવા ડિરેક્ટરે ફ્લેશબેકની ડિવાઈસ ઈસ્તેમાલ કરી છેઃ ભૂતકાળ-વર્તમાન વચ્ચે ઘૂમતી વાર્તા એની પકડ ગુમાવતી નથી. 1950ના દાયકાથી આરંભાયેલો ફર્સ્ટ ભારતીય પેરાલિમ્પિયન મુરલીકાંતનો પ્રવાસ 2018માં પદ્મશ્રીના સમ્માન સાથે પૂરો થાય છે.
બાળપણમાં ઓલિમ્પિક મેડલ જીતવાનાં સપનાં જોતા મુરલીકાંતને ગામવાળા ચંદુ, ચોમુ કહી એની પર હસતા, પણ મુરલી ક્યારેય હતાશ થઈને બેસી જતો નથી. ઓલિમ્પિક મેડલ માટે એ ગરીબી, ઉપહાસ, પિતાનો ગુસ્સો-માર, યુદ્ધમાં ગંભીર ઈજા સામે લડીને ઊભો થાય છેઃ પહેલવાની શીખી એમાં નૈપુણ્ય મેળવે છે. પછી ખબર પડે છે કે ઓલિમ્પિકમાં જવું હોય તો સેનામાં ભરતી થવું જોઈએ એટલે એ આર્મીમાં જોડાય છે. ઓલિમ્પિકમાં પહેલવાની છે જ નહીં એટલે એ બૉક્સિંગ શીખી એમાં કૌશલ મેળવે છે. પછી વૉરમાં ગંભીર રીતે ઘવાયેલા મુરલીકાંત પછી અવ્વલ દરજ્જાનો તૈરાકૂ બને છે. હેડલબર્ગ, જર્મનીમાં આયોજિત 1972ની પૅરા ઑલિમ્પિકમાં ફ્રીસ્ટાઈલ સ્વિમિંગમાં એ ભારતનું પ્રતિનિધત્વ કરે છે… અને બાળપણમાં જોયેલું સપનું સાકાર કરે છે.
આમાં કોઈ સ્પોઈલર એટલા માટે નથી કેમ કે એંસી વર્ષી મુરલીકાંત પેટકરની કથા જાહેર છે. ‘એક થા ટાઈગર’, ‘બજરંગ ભાઈજાન’, ‘83’ જેવી ફિલ્મ બનાવનાર કબિર ખાન માટે આ જ મોટો પડકાર હતોઃ પોતે જે કથા કથી રહ્યા છે એ,એનો અંત ખબર હોવા છતાં પ્રેક્ષકને સવાબે કલાક ખુરશી સાથે જકડી કેવી રીતે રાખવો? કહેવું જોઈએ કે કબિરે આ પડકાર માત્ર ઝીલ્યો જ નથી, પરંતુ એમાં એ સફળ થયા છે. કહેવું જોઈએ કે ‘ચંદુ ચૅમ્પિયન’માં સૌથી આગળ લેખક-દિગ્દર્શક (સુમીત અરોરા-કબિર ખાન-સુદીપ્તો સરકાર અને એડિશનલ ડાયલોગ્ઝ રોહિત શુક્રે) છે. અલબત્ત, આ માટે એમણે સત્યકથામાં થોડી છૂટછાટ લીધી છે, થોડા કાલ્પનિક પ્રસંગ, પાત્રો ઉમેર્યાં છે, પણ એનાથી મૂળ વાતને કોઈ હાનિ થતી નથી. ખાસ તો આવી એક્સટ્રા ઓર્ડિનરી, પ્રેરણાદાયી, પણ વીસરાઈ ગયેલી કથાને આપણી સામે મૂકી આપવા માટે સલામ.
મુરલીકાંતની ભૂમિકા ભજવતો કાર્તિક આર્યન પણ એમની સાથે ખભેખભા મિલાવીને દોડે છે. બલકે અમુક લોકો આને કાર્તિકનો બેસ્ટ પરફોરમન્સ કહે છે, પણ માફ કરજો, હું એમની સાથે સંમત નથી. ગયા વર્ષે ‘સત્યપ્રેમ કી કથા’માં પ્રભાવિત કરી ગયેલો કાર્તિક લવ રંજનની ‘પ્યાર કા પંચનામા’ સિરીઝની ફિલ્મમાં મને વધારે ગમ્યો છે. અહીં ખાસ તો એની ડાયલોગ ડિલિવરી મને નિરાશ કરી ગઈ. ઓકે, કાર્તિકને સાથ આપે છે કમાલનો એક્ટર વિજય રાઝ, કોચ અલી સરની ભૂમિકામાં.
આ ઉપરાંત ભારતીય સેના તથા મુરલીકાંતના જિગરી દોસ્ત બૉક્સરની ભૂમિકામાં ભુવન અરોરા તથા વૉર્ડબૉયની ભૂમિકામાં રાજપાલ યાદવ પણ સ-રસ. શ્રેયસ તળપદે તથા સોનાલી કુલકર્ણી નાની પણ અસરકારક ભૂમિકામાં છે, સ્વરાંકન પ્રીતમનાં છે જે વાર્તાને અનુરૂપ છે. થિમ સોંગ “તૂ હૈ ચૅમ્પિયન” પ્રભાવી છે. ‘ચંદુ ચેમ્પિયન’ આજે (14 જૂને) થિએટરમાં રિલીઝ થઈ છે. ફિલ્મની લંબાઈ, અમુક બિનજરૂરી ગીત-સીન્સ તથા ઉપદેશાત્મક સંવાદ જેવી કેટલીક સમસ્યા છતાં સ્પોર્ટ્સ વિશેની આ ફિલ્મ જોવાની હું ભલામણ કરું છું.