રેવાલ ચાલે બગાડી મજા…

ઈન્સાન અને જાનવરના લાગણીનીતરતા સંબંધની આપણે ત્યાં ‘હાથી મેરે સાથી’થી લઈને ‘તેરી મેહરબાનિયાં’, ‘ચિલ્લર પાર્ટી’ કે અક્ષયકુમારની ‘એન્ટરટેન્મેન્ટ’ જેવી ફિલ્મો આવી છે ને એ ફિલ્મો વધતેઓછે આપણને ગમી ગઈ એનું કારણ છે સ્ટોરી.

હવે, વર્ષોનાં વહાણાં વીત્યે મેન-એનિમલના અપાર સ્નેહવાળી ફિલ્મ ‘આઝાદ’ આવી છે, જે જોતાં સવાલ થાય કે સર્જકોએ આ ફિલ્મ બનાવી શું કામ? એમની પાસે કહેવા જેવું તો કંઈ છે જ નહીં. તો, જવાબ છેઃ અમુક સુખી બાલૂડાંવને લૉન્ચ કરવા. જેમ કે અજય દેવગને બહેન નીલમના બેટા અમનનું રૂપેરી પરદા પર લેન્ડિંગ કરાવ્યું. અમનની સાથે રવીના-અનિલ થડાનીની દીકરી રાશા થડાની આવી. નાના પરદા પર ‘ડોલી અરમાનો કી’ અને ‘કૂલફીકુમાર બાજેવાલા’ જેવી સિરિયલમાં ચમકેલો મોહિત મલિક પણ ‘આઝાદ’થી મોટા પરદા પર આવ્યો.

વાર્તા 1920ના સમયકાળની છે. સેન્ટ્રલ પ્રોવિન્સના એક ગામમાં ગરીબ ખેડૂતપુત્ર ગોવિંદ (અમન દેવગન) વડીલો પાસેથી મહારાણા પ્રતાપ અને એમના ઘોડા ચેતકની વાતો સાંભળીને મોટો થયો છે. ગોવિંદની તીવ્ર ઈચ્છા છે કે ચેતક જેવો એક ઘોડો એની પાસે હોય. એવો પાણીદાર અશ્વ એને મળે છેઃ આઝાદ, જે બાગી વિક્રમ ઠાકૂર (અજય દેવગન)નો છે. ગોવિંદને “દુનિયા કા સબસે સુંદર ઘોડા”નું વળગણ એ હદે થઈ જાય કે એ વિક્રમ ઠાકૂર (અજય દેવગન)ની ગિરોહમાં સામેલ થઈ જાય છે. પણ આઝાદ એવો અડિયલ કે પોતાના માલિક સિવાય કોઈનું સાંભળતો જ નથી. સમયાંતરે ગોવિંદને આઝાદ પર સવારી કરવા મળે છે ત્યારે એની અંદર એક પ્રવાસ શરૂ થાય છે. એની આ ઈનર જર્નીમાં એની સહપ્રવાસી બને છે ગામના જમીનદાર (પીયૂષ મિશ્રા)ની બેટી જાનકી (રાશા થડાની).

ફિલ્મના ડિરેક્ટર અભિષેક કપૂરે અંગ્રેજોના જુલમી શાસનની પૃષ્ઠભૂમાં માનવ-અશ્વના પ્રેમની વાર્તાવાળી કહાણી પસંદ કરી ત્યારથી જ મુશ્કેલીની શરૂઆત થઈ. વાર્તામાં જરાય ઊંડાણ કે નવીનતા નથી. જુલમી જમીનદારની બેટી (રાશા થડાની) સાથે ગામના યુવાન ગોવિંદ (અમન દેવગન)ની નાનીમોટી તકરાર બાદ પ્યાર… આવું તમે કેટલી ફિલ્મમાં જોયું છે એ કહેવા માટે કોઈ પ્રાઈઝ અમે રાખ્યું નથી. જમીનદારના મોટા બેટા (મોહિત મલિક) અને પુત્રવધૂ (ડાયના પેન્ટી)નું કંગાળ લગ્નજીવન વાર્તામાં વળાંક લાવવા રાખ્યું છે, પણ એનાથી કંઈ અર્થ સરતો નથી.

હા, ‘જો જિતા વોહી સિકંદર,’ ‘લગાન’ જેવી ફિલ્મ જેવો ક્લાઈમેક્સ અસરદાર બન્યો છે, પણ એ આવતાં સુધીમાં પ્રેક્ષક અધમૂઓ થઈ ગયો હોય છે. કેમ કે પાણીદાર આઝાદ તબડક તબડક કરતો દોડ્યે જાય છે, પણ વાર્તાની ચાલ ધીમી છે. કથાકથનમાં જરાયે ફેર ન પાડતા સીન્સ જોડીને એને આગળ ખેંચવામાં આવી છે. અરે ભાઈ, બાવા આદમના જમાનાની વાર્તાવાળી ફિલ્મ અમને આજે દેખાડો છો તો એમાં કંઈ તો એવું નાખો જેનાથી અમે કનેક્ટ થઈએ. કોઈ પાત્ર, કોઈ સીન, કોઈ પ્રસંગ કનેક્ટ નથી થતાં. નવાઈની વાત એ કે ત્રણ અવ્વલ દરજ્જાના કથાકારોએ વાર્તા લખી છેઃ અભિષેક કપૂર-સુરેશ નાયર-રિતેશ શાહ.

અભિનયની વાત કરીએ તો, અમન સામે પડકાર હતો ઘોડા સાથે એક્ટિંગ કરવાનો, જેમાં એ અમુક અંશે જીત્યો છે, પણ વધુ સારાં સ્ટોરી-સ્ક્રીનપ્લે ડિઝર્વ કરે છે. રાશાની સ્ક્રીન પ્રેસઝન્સ સારી છે, એક્ટિંગ પણ ઠીકઠાક છે, જે કે અનેક ઠેકાણે ખાસ કરીને એના ઘોડેસવારીના સીન્સમાં બૉડી ડબલ વાપરવામાં આવ્યા છે. મોહિત મલિક, ડાયના પેન્ટી પણ પ્રભાવક છે. અજય દેવગન એવો લાગે છે, જાણે ક્યારેય શૂટિંગ પતે ને ઘરે જાઉં.

નેશનલ એવોર્ડથી સમ્માનિત ‘રૉક ઑન’ અને ત્યાર બાદ ‘કાઈપો છે’થી લઈને ‘કેદારનાથ’ અને છેલ્લે ‘ચંડીગઢ કરે આશિકી’ જેવી ફિલ્મો બનાવનાર અભિષેક કપૂરની શું મજબૂરી હશે આ ફિલ્મ બનાવવાની એ આપણે નથી જાણતા. કદાચ ફિલ્મ કેવી ન હોવી જોઈએ એ સાબિત કરવા બનાવી હોય એવું બની શકે (જસ્ટ જોકિંગ) ટૂંકમાં, નિરાશાજનક.