ફરી એક વાર દિલ્હીનાં પંજાબી મૂંડા-મૂંડી આવ્યાં છેઃ અંકુર ચઢ્ઢા (અર્જુન કપૂર) અને પ્રભલીન ઢિલ્લોં (ભૂમિ પેડણેકર)ને પ્યારમોહબબ્ત જેવું થતાં શાદી રચાવી લે છે. લગ્નના થોડા સમય બાદ ખબર પડે છે કે બન્ને વચ્ચે ઘણું ઘણું અનકોમન છે. લગ્ન બેડી જેવા લાગતાં છૂટાછેડા લઈ લે છે. ડિવોર્સ બાદ મૂવઑન થવામાં અંકુરને કોલેજ-ક્રશ અંતરા (રકુલ પ્રીતસિંહ) મળી જાય છે, એને ફરી પ્યાર થઈ જાય છે. વાત આગળ વધવાની હોય છે ત્યાં અંકુરને ન્યુસ મળે છે કે પ્રભલીનનો અકસ્માત થયો છે અને એ છેલ્લાં પાંચ વર્ષની સ્મૃતિ ગુમાવી ચૂકી છે. એ હજુ અંકુરને પોતાનો હસબંડ જ સમજે છે. એની આવી સમજણના લીધે અંકુર-અંતરાની લવ-લાઈફ ડગમગવા લાગે છે. હવે કરવું શું?
લેખક-દિગ્દર્શક મુદસ્સર અઝીઝની ‘મેરે હસબંડ કી બિવી’માં સર્જકે રિલેશનશિપની આંટીઘૂંટી વિશે એક વાત રેખાંકિત કરી છે. એક સીન છેઃ અંકુર પ્રેમનીતરતો ફૂલગુચ્છ પ્રભલીનને મોકલે છે. પ્રભલીન ઑફિસનાં કામમાં અતિવ્યસ્ત હાવાના લીધે પ્રતિભાવ આપી શક્તિ નથી. હવે આમ જોઈએ તો સાવ સામાન્ય વાત છે. પણ જ્યારે બે વ્યક્તિ આવી અમુક ક્ષુલ્લક વાતો, ઘટના (મારો ફોન ન ઉપાડ્યો, મેસેજનો જવાબ ન આપ્યો, મારા નવા ડ્રેસની નોંધ ન લીધી, વખાણ ન કર્યાં) વિશે વાતચીત નથી કરતી ત્યારે અંતર વધતું જાય છે.
બીજી એક સારી વાત એ છે કે સર્જકે કોઈની સાઈડ લીધી નથી. એક્સિડન્ટની વાત બાદ પ્રભલીન પોતાની સાથે અંકુરને એટલા માટે રાખવા માગે છે, કેમ કે એને અંકુરની કંપની સારી લાગે છે, એક જાતની માનસિક શાંતિ મળે છે, પણ પછી ધીરે ધીરે એને માટે અંકુરને પામવો જાણે રમત બની જાય છે. આ બાજુ અંતરા પણ અંકુરને પામવા માગે છે. પણ ડિરેક્ટરે એકેય મહિલાને ખરાબ ચીતરી નથી. બન્ને આ પૃથ્વી પરની કરોડો સ્ત્રી જેવી પોતાની લાગણી પ્રગટ કરતી સ્ત્રી જેવી સ્ત્રી છે.
મને દિક્કત એ લાગી કે ફિલ્મ ટુકડા ટુકડામાં સારી લાગે છે, પણ એક સળંગ કોમેડી તરીકે જામતી નથી. 1980ના દાયકાના મારા જેવા પ્રેક્ષકે બે હીરોઈન વચ્ચે સંજોગવશાત્ ભીંસાતા હીરોવાળી અનેક ફિલ્મો જોઈ છે, જેમાં મોસ્ટલી હીરો જિતેન્દ્ર જ રહેતોઃ ‘માંગ ભરો સજના,’ ‘જુદાઈ,’ ‘અપના બના લો’… અથવા રિશી કપૂરની ‘નસીબ અપના અપના’ જેવી ફિલ્મો. કે ડેવિડ ધવનની કોમેડી ‘સાજન ચલે સસુરાલ.’
‘હેપી ભાગ જાયેગી,’ ‘પતિ પત્ની ઔર વો’ અને લેટેસ્ટ ‘ખેલ ખેલ મેં’ જેવી ફિલ્મના રાઈટર-ડિરેક્ટર મુદસ્સર અઝીઝની આ ફિલ્મમાં નવીનતા ગણો તો એ કે હીરોએ છૂટાછેડા બાદ, નવો પ્રેમ પામ્યા પછી, ફરી એક વાર એક્સ વાઈફ સાથે રહેવું પડે છે. આગલી બધી ફિલ્મોની જેમ એમણે માહોલ હળવોફૂલ રાખવાનો પ્રયાસ કર્યો છે, જેમાં એમને આંશિક સફળતા મળી છે.
બે વર્ષ પહેલાં આવેલી લવ રંજનની ‘તૂ જૂઠી મૈં મક્કાર’માં રણબીર કપૂરનો દોસ્ત અથવા સાઈડકિક સ્ટેન્ડઅપ કોમેડિયન અનુભવ ભસ્સી હતો. અહીં અંકુરના દોસ્તની ભૂમિકા હર્ષ ગુજરાલે નિભાવી છે. હર્ષ ગુજરાલ એ સ્ટેન્ડઅપ કોમેડિયન છે, જેણે બીઅર બાઈસેપવાળી ઘટના બાદ ‘એસ્કેપ રૂમ’વાળા પોતાના બધા વિડિયો પર ડીલીટનું બટન દબાવી દીધું. એને એમ કે મોટા પરદા પર તો આપણે આવી જ રહ્યા છીએ, તો, આવી કોન્ટ્રોવર્સીમાં શું કામ ફસાવું?
“જાવું તો જામનગર ને પહોંચી ગયા ઝુમરીતલૈયા”નું બેસ્ટ ઉદાહરણ ‘મેરે હસબંડ કી બિવી’ છે. એક સારાં વિષય-વાર્તા જાણે વેડફાઈ ગયાં. વાર્તા-સંવાદ છીછરા હોવાના લીધે મામલો સહેજ બગડી ગયો, એમાં ઊંડાણ દેખાતું નથી. અને ફિલ્મ જોતાં જોતાં અમુક ચબરાક ફિલ્મરસિકોને 1997માં આવેલી જુલિયા રૉબર્ટ્સની ‘માય બેસ્ટ ફ્રેન્ડસ વેડિંગ’ની યાદ આવી જશે…
એક્ટિંગની વાત કરીએ તો, પહેલી વાર અર્જુન કપૂર સહજ અને સહ્ય લાગ્યો. ભૂમિ પેડણેકર (મને) ન જામી, રકુલ પ્રીત સ-રસ. આ ત્રણેવ જ્યારે નબળાં પડતાં લાગે ત્યારે અનિતારાજ-કંવલજિતસિંહ-શક્તિ કપૂર અને આપણા ટીકુભાઈ (તલસાણિયા) જેવા ધરખમ કલાકારો બાજી સંભાળી લે છે.
જો ‘છાવા’ જોઈ લીધી હોય અને ઈન્ડિયા-પાક્સિતાનની મેચનો ટાઈમ એડજસ્ટ થતો હોય તો વીકએન્ડમાં ‘મેરે હસબંડ કી બિવી’ જોવા જજો.
