![]() આપણી પાસે ન હોય તે પણ પડોશીને ત્યાં હજો |
આમેય આપણામાં કહેવત છે, ‘પહેલો સગો તે પાડોશી’. કોઈ પણ મુશ્કેલી હોય, વખત-બેવખત કોઈ વસ્તુની જરૂર પડે તો સૌથી નજીકનું ઘર એટલે પાડોશીનું. આ કહેવત એવું કહેવા માગે છે કે પાડોશી સમૃદ્ધ થાય, આપણી પાસે ન હોય તેવી વસ્તુઓ પણ તે વસાવવા માંડે તો એની ઈર્ષ્યા ક્યારેય ન કરવી કારણ કે ગમે ત્યારે કોઈ વસ્તુ એની પાસે હોય તો અડીઓપટીમાં એ આપણને કામ આવશે.
દા.ત. આપણી પાસે વાહન નથી અને પાડોશી પાસે કાર છે તો ક્યારેક અરધી રાતે કોઈ સાજુંમાંદુ થાય અને હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે તો પાડોશીના બારણાં ખખડાવીશું તો એ આવા પ્રસંગે ક્યારેય ના નહીં પાડે અને કટોકટીના આ સમયે, ભલે કાર પાડોશી પાસે છે પણ આપણી પોતાની હોય તે રીતે ઉપયોગમાં આવશે.
આમ કહેવતનો સાર એ છે કે પાડોશી સમૃદ્ધ થાય, નવી વસ્તુઓ વસાવે તો એની ઈર્ષ્યા ન કરતાં અને એમ સમજવું કે આપણી પાસે ન હોય તે પણ પડોશીને ત્યાં હજો.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
