“વધુ ડાહ્યો, વધુ ખરડાય”
|
ક્યારેક વધારે પડતી ચીકણાશ ખોટા પરિણામ લાવે છે. આ કહેવત પાછળ એક નાની વારતા છે. એક કહેવાતો ડાહ્યો વ્યક્તિ રસ્તા પર ચાલી રહ્યો હતો ત્યાં એનો પગ છાણના પોદળામાં પડ્યો. આને કારણે પગ ખરડાયો. આ છાણ જ છે કે બીજું કાંઈ તે નક્કી કરવા આ ડાહ્યા માણસે આંગળી ઉપર આ ગંદવાડ લીધો. એ છાણ જ હતું. છતાં વધુ ખાતરી કરવા એ આંગળી નાક પાસે લઈ સૂંઘી. આમ કરવા જતાં નાકનું ટેરવું ખરડાયું.
આટલું ઓછું હોય તેમ એણે એ આંગળી ચોખ્ખી કરવા દિવાલે ઘસી એટલે દિવાલ ખરડાઈ. સરળતાથી સમજાઈ જાય એવી વાત હતી. છતાં વધારે પડતી ચીકણાશ કરવામાં એણે પગ તો બગાડ્યો હતો, આંગળી બગાડી, નાકનું ટેરવું ચીતર્યું અને ભીંત બગાડી ! જે વાત સાદા-સીધા માણસને સમજાઈ હોત તો તે આ વધારે ડાહ્યાને ન સમજાઈ અને પરિણામે બધું ખરડી મૂક્યું. આમ કહેવત પડી – “વધારે ડાહ્યો, વધારે ખરડાય.”
(ડો.જયનારાયણ વ્યાસ)
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
