ભીખનાં હાંલ્લાં શીકે ન ચડે

 

          ભીખનાં હાંલ્લાં શીકે ન ચડે

 

 

આપણે ત્યાં રસોઈ થાય અને બધા જમ્યા પછી પણ કંઈક બાકી રહે તે શીકું એટલે કે છત સાથે લટકાવેલ એક પાંજરા જેવાં પાત્રમાં મૂકાય એવી પ્રથા હતી. માખણ કે દહી પણ આ જ રીતે શીકામાં મુકાય. જેને કારણે બિલાડી કે અન્ય જીવ એને ઢોળી નાંખે અથવા બગાડે નહીં. આવું સમૃધ્ધિ હોય તો જ થાય. બે ટંકના રોટલા માંડ કરીને રળતો હોય એ માણસના ત્યાં શીકામાં ઢાંકવા માટે કે લટકાવવા માટે લગભગ કશું ના હોય.

ભીખારી દરિદ્ર છે. એની પાસે કોઈ આવક નથી. કદાચ કોઈ હુન્નર પણ નથી અથવા કરવો નથી. એટલે એ સ્વમાન વેચીને કોઇની સામે હાથ લાંબો કરે છે. માણસ દરિદ્ર હોય એટલે એનું મન પણ ટૂંકું હોય. આવા માણસ પાસે એટલી બધી આવક ન થઈ જાય કે એ એક સમૃધ્ધ કુટુંબની માફક શીકેં ઢાંકતો થાય. ભીખથી ક્યારેય મોટી બચત મૂડી ઊભી થઈ શકતી નથી. આ અર્થમાં આ કહેવત વપરાય છે.