સમરથ કો નાહી દોષ ગુંસાઈ

 

સમરથ કો નાહી દોષ ગુંસાઈ

 

સમાજ હંમેશા બળવાનને નમે છે. એક સામાન્ય માણસ જો ભૂખ્યો થયો હોય અને રસ્તા પર ચાલતાં ચાલતાં કશુંક ખાતો હોય તો એને ગમાર અથવા વિવેકહીન ગણીને ટીકા થાય છે.

આથી ઊલટું…

જો કોઈ જાણીતા ધનપતિ પોતાની મર્સડીઝ કે બીજી કોઈ મોંઘીદાટ કારના બોનેટને ટેકો દઈ સિંગ-ચણા ખાતા હોય તો એ સાદગી ગણાય છે!

સમાજનાં બેવડાં ધોરણો ગરીબ અને નાના માણસ માટે અલગ માપદંડ અને સત્તા કે સંપત્તિવાન માણસ માટે અલગ માપદંડ એમ સમાજ બેધારી નીતિથી વર્તે છે. એક નાનો માણસ ટ્રાફિક સિગ્નલ તોડીને ગુનો કરે તો એને દંડ થાય છે પણ કોઈ મોટા પોલીસ અધિકારી કે હાકેમ અથવા મંત્રીશ્રીની ગાડી નીકળી જાય તો ટ્રાફિક પોલીસ એને સલામ કરે છે! સમાજમાં મોટો છે, બળવાન છે તેને સૌ કોઈ નમે છે. નાના માણસ ઉપર બધા રોષ જમાવે છે. સમાજના કે અન્ય નિયમો તોડવામાં મોટા માણસો પોતાની મોટાઈ સમજે છે. કાયદાથી પર હોય એ “Status Symbol” ગણાય છે. આ પરિસ્થિતિમાં કહેવાયું છે “સમરથ કો નાહી દોષ ગુંસાઈ”

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)