શેરને માથે સવા શેર |
ઈશ્વરની આ દુનિયામાં દરેકને કોઈકને કોઈક વિશિષ્ટ શક્તિઓ ઈશ્વરે આપી છે. કોઈને બળ આપ્યું છે તો કોઈકને વાકપટુતા. દુનિયામાં એક એકથી ચડિયાતા માણસો મળી આવે છે. અને એટલે જ કહેવાયું છે કે ‘બહુરત્ના વસુંધરા’. દુનિયામાં કોઈએ અભિમાન નહીં રાખવું જોઈએ કે પોતે જ મહાબલી અથવા સર્વોત્તમ છે. એનાથી પણ વધુ બળવાન મળી આવે છે. મહાભારતમા એક કથા આવે છે. જે મુજબ મહાબલી ભીમનું અભિમાન ઉતારવા હનુમાનજી એક વૃદ્ધ વાનરનું સ્વરૂપ ધારણ કરીને ભીમના રસ્તામાં આડા પડ્યા હતા.
ભીમે જ્યારે તુચ્છકારપૂર્વક એને જ્યારે પોતાના રસ્તામાંથી હટી જવા કહ્યું ત્યારે ખૂબ દીન ચહેરે હનુમાનજીએ ભીમને કહ્યું કે તે પોતે ખૂબ વૃદ્ધ છે એટલે ભીમના રસ્તામાં આડુ આવતું પૂંછડું એ જાતે જ ખસેડીને મૂકી દે. ભીમે જાણે તણખલું ઊંચકવાનું હોય એ રીતે હનુમાનજીનું પૂંછડું ઊંચકવાનો પ્રયત્ન કર્યો. પણ કેમે કરી ઊંચકાયું નહીં ત્યારે ભીમને ખ્યાલ આવ્યો પોતાના કરતાં વધુ મહાબલી આ દુનિયામાં છે અને એને આ અહેસાસ થતાં ખૂબ જ વિનમ્રતાથી વૃદ્ધ વાનરરાજની માફી માંગી ત્યારે હનુમાનજી પ્રગટ થયા. આમ ભીમના ગર્વનું ખંડન થયું. આ સંદર્ભમાં આ કહેવત પડી છે કે શેરને માથે સવા શેર.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)