અન્ન પારકું છે, કાંઇ પેટ પારકું થોડું છે? |
રોટી, કપડાં અને મકાન એ માણસની પાયાની જરૂરિયાત છે. માણસને ભૂખ લાગે એટલે એને બીજું કશું જ સૂઝતું નથી. એ ભૂખ્યો હોય અથવા એનું કુટુંબ ભૂખ્યું બેઠું હોય તો પેટનો ખાડો પુરવા એ ગમે તે હદ સુધી જઇ શકે છે. એટલા માટે જ કહેવાયું છે કે ‘બુભુક્ષીતમ કીમ ન કરોતિ પાપમ’ અર્થાત ભૂખ્યો માણસ કોઈ પણ પાપ કરી શકે છે.
ભૂખ સમાવવા માટે અનાજ જોઈએ અને જમવા બેસીએ ત્યારે પોતાના ઘરે જમતો હોય ત્યારે તો પોતાનું અનાજ હોય. પણ પારકાને ત્યાં મહેમાનગતિએ ગયો હોય, સરસ મજાનાં મિષ્ટાન બનાવ્યાં હોય, આગ્રહ કરીને પીરસાતું હોય ત્યારે પણ ભલે અનાજ પારકું હોય પણ પેટ પોતાનું છે ને? અકરાંતિયા થઈને ખાઈએ તો માંદા પડાય. આ જ રીતે તમને કોઈ પણ કામ માટે વિપુલ માત્રામાં સાધનો મળે તો પણ એનો બગાડ નહીં કરવો જોઈએ, સંયમથી રહેવું જોઈએ. આ સંદર્ભમાં ઉપરોક્ત કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)