ઉદયપુરમાં રહેતી 24 વર્ષી પલક અગ્રવાલ આમ તો બિઝનેસ એડમિનીસ્ટ્રેશનનું ભણી છે, પણ ડીગ્રી મેળવ્યા પછી કોઇ કોર્પોરેટમાં નોકરી કરવાના બદલે એ આજકાલ ઉદયપુર નજીકના ગામડાંઓ ખૂંદી રહી છે. ગામડાંઓમાં જઇને એ પોલિયાગ્રસ્ત કે બીજી બીમારીથી પીડાતાં ગરીબ પરિવારોને મળે છે. એમની સાથે વાતચીત કરીને એમના માટે યોજાનાર કેમ્પમાં એમનું રજીસ્ટ્રેશન કરાવે છે. કેમ્પમાં સારવાર કરાવી ચૂકેલા દર્દીઓને મળીને એ ફોલો-અપ ટ્રીટમેન્ટ માટે પણ જરૂરી મદદ કરે છે.
જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ બે મહિનામાં જ એ કૃત્રિમ પગ બેસાડવાના 2730, કેલિપર્સના 749 અને અન્ય સર્જરીની જરૂર હોય એવા 836 દર્દીઓનું રજીસ્ટ્રેશન કરાવી ચૂકી છે. પલક પાસે 2022થી લઇને આગામી પાંચ વર્ષનો વિઝન ડોક્યુમેન્ટ પ્લાન છે, જેમાં એ વધુમાં વધુ સંખ્યામાં આવા દર્દીઓને આવરી લેવા માગે છે. પલક કહે છે, ‘અગાઉ અમે કેમ્પમાં જે ઓપરેશન્સ કરતાં એના કરતાં પંદર ટકા વધારે ઓપરેશન્સ કરવાનું અને વધારેમાં વધારે દર્દીઓ સુધી પહોંચવાનું અમારું વિઝન છે.’
ના, આ વિઝન કાંઇ આજકાલની એક યુવતીએ રાતોરાત જોયેલું સપનું નથી. એનો પાયો તો નખાયેલો છેક 1985માં. પલકના દાદા કૈલાશ અગ્રવાલે આજથી સાડત્રીસ વર્ષ પહેલાં ઉદયપુરમાં ઘરે ઘરે ફરીને એક મુઠ્ઠી લોટ ઉધરાવીને એમાંથી રસોઇ બનાવીને હોસ્પિટલના દર્દીઓને ટિફીન પહોંચાડવાની શરુઆત કરેલી. ગરીબની સેવા એ નારાયણની સેવા સમજીને કૈલાસજીએ લોટ ઉધરાવવાના ડબ્બા પર બ્રશથી નારાયણ સેવા લખી દીધેલું. આજે 2022માં નારાયણની એ સેવા ‘નારાયણ સેવા સંસ્થાન’ નામની મોટી સંસ્થા બની ચૂકી છે અને દિવ્યાંગો સહિત માનવસેવાના અનેક પ્રકલ્પોમાં કાર્યરત છે. કૈલાશજીએ શરૂ કરેલી સેવાની સરવાણી એમના પુત્ર પ્રશાંત અગ્રવાલે આગળ ધપાવ્યા પછી હવે એ ત્રીજી પેઢીએ ફૂટી નીકળી છે અને પ્રશાંતજીની દીકરી પલક એને વધારે આગળ ધપાવવા પ્રયત્નશીલ છે.
નારાયણ સેવા સંસ્થાનનું નામ ઉદયપુર-રાજસ્થાન કે ગુજરાત ઉપરાંત ઉત્તર ભારતના રાજ્યોમાં હવે અજાણ્યું નથી. દિવ્યાંગ લોકોની સારવારના ક્ષેત્રે આ સંસ્થાએ બહુ મોટું પ્રદાન કર્યું છે અને એમના સેવાયજ્ઞની જ્યોત અનાથ બાળકોના ઉછેર-શિક્ષણ ઉપરાંત દિવ્યાંગ કપલ્સના લગ્ન કરાવવા સુધી વિસ્તરી ચૂકી છે.
ગરીબોની સેવા કરવાની એક વ્યક્તિની લાગણી અને પ્રબળ ઇચ્છાશક્તિ કેવી હોય અને એ વ્યક્તિ ધારે તો શું કરી શકે એનું એક જીવંત ઉદાહરણ તો આ સંસ્થા છે જ, સાથે સાથે સેવાના સંસ્કારો સંતાનોમાં કેવી રીતે રોપી શકાય એનું પણ ઉદાહરણ છે એ. કૈલાશજીએ માનવ સેવાને જ જિંદગીનું ધ્યેય બનાવ્યું અને સંતાનોને પણ વારસામાં સેવાની ભાવના જ આપી. ઉદયપુરના લેખક-પત્રકાર સુરેશ ગોયલે ‘ઝીની ઝીની રોશની’ નામે હિન્દીમાં કૈલાશ અગ્રવાલની જીવન પર સુંદર પુસ્તક લખ્યું છે. અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા કૈલાશજીએ કેવા મુશ્કેલ સંજોગોમાં આ સેવાકાર્યની શરૂઆત કરી એનું રસપ્રદ બયાન એમણે આલેખ્યું છે.
ઉદયપુરથી 60 કિલોમીટર દૂર આવેલું ભીંડર ગામ એ એમનું વતન. બાળપણથી જ સેવાની ભાવના એટલી પ્રબળ કે માતાજી જે ખાવાનું બનાવે એ કૈલાસજી લોકોમાં વહેંચી આવે. મોટા થઇને ભીલવાડામાં પુસ્તકોની દુકાન શરૂ કરી. વાંચવાનો શોખ એટલે પુસ્તકો વાંચે અને વેચે. પાછળથી ભાગીદારે દગો કર્યો એટલે એ ધંધો છોડવો પડયો. એ પછી પોસ્ટ ઓફિસમાં નોકરી મળી ગઇ એટલે ગુજરાનની ચિંતા એટલા પૂરતી ટળી.
જો કે કૈલાશજીની નિયતિ એમને જૂદી દિશામાં લઇ જવાની હતી. 1976માં સિરોહી વિસ્તારમાં એક અકસ્માતમાં ઘાયલ થયેલ વ્યક્તિને લઇને એ હોસ્પિટલ પહોંચ્યા અને હોસ્પિટલમાં દર્દીઓને, એમના સગાવ્હાલાંઓને પડતી રહેવા-જમવાની મુશ્કેલી એમણે નજરે જોઇ. ટિફીન સેવાથી શરૂઆત થઇ. દર્દીઓની મુશ્કેલીમાં પણ કૈલાશજી મદદરૂપ થવાના પ્રયત્નો કરવા લાગ્યા. ધીમે ધીમે સેવાભાવી લોકો આર્થિક મદદે આવતા ગયા. ખાસ કરીને દિવ્યાંગ દર્દીઓની સારવારનું કામ વધતું ગયું. લોગ જુડતે ગયે. કારવાં બનતા ગયા.
એવુંય નહોતું કે રસ્તો સાવ સરળ હતો, પણ કહે છે ને કે જ્યાં નિઃસ્વાર્થ ભાવના હોય ત્યાં મુશ્કેલી આવે તો પણ ઇશ્વર કોઇકને કોઇક રીતે મદદ કરી જ આપે છે. પ્રશાંત અગ્રવાલ એમના પિતાજી સાથે બનેલા બે કિસ્સાઓ સંભળાવે છે. 1997માં ઉદયપુરના ચાંડકસાહેબ નામના એક સજ્જને એમના બન્ને દીકરા રાજન અને સાજનના પગના ઓપરેશન કરાવ્યા પછી દીકરાઓ ચાલતા થઇ ગયા એટલે એમના દિલમાંય સેવાની ભાવના જાગી. એમણે પોતાની મોટરસાયકલ પર નારાયણ સેવા સંસ્થાનને દાનની અપીલ કરતી એક પ્લેટ લગાડી અને એ લઇને આ વિસ્તારમાં ફરવા માંડયા. એક દિવસ ચાંડકજી દાનની પોટલી લઇને કૈલાશજી પાસે આવ્યા. પોટલી ખોલી તો એમાંથી 70120 રૂપિયા નીકળ્યા અને એ સમયે કૈલાશજીને સ્ટાફને મહેનતાણું ચૂકવવા એટલી જ રકમની જરૂર હતી! એમના માટે તો ચાંડકજી એ દિવસે જાણે ઇશ્વરે જ મદદ કરવા મોકલ્યા હતા.
એવી જ એક ઘટના વર્ષ 2000માં બની. અમેરિકામાં યશપાલ છાબડા નામના એક સજ્જન સત્ય સાંઇબાબાના ભક્ત. છાબડાજી થોડા સમય માટે ભારત આવેલા અને એમણે ઉદયપુરમાં આ સંસ્થાની કામગિરી વિશે જાણ્યું. બરાબર એ જ સમયગાળામાં કૈલાશજી હોસ્પિટલ ચલાવવામાં અત્યંત આર્થિક મુશ્કેલીમાં હતા. એક સમયે તો એ હોસ્પિટલ બંધ કરીને ધર્મશાળા ચલાવવી એવા નિર્ણય પણ આવી ગયા હતા. હોસ્પિટલ શરૂ રાખવા માટે એમને લગભગ સાડા ત્રણ લાખ રૂપિયાની તાત્કાલિક જરૂર હતી અને છાબડાજીને જાણે ખુદ ઇશ્વરે જ મોકલ્યા હોય એમ એ આવીને એક બેગ દાનમાં આપી ગયા. બેગમાં સાડા ત્રણ લાખ રૂપિયા જ હતા! પ્રશાંતજી કહે છે, ‘એમાં પણ કોઇક ઇશ્વરીય સંકેત જ હશે કે આર્થિક તકલીફના કારણે કામ ક્યારેય અટક્યું નથી.’
પ્રશાંત અગ્રવાલે 1998થી સંસ્થાનો વહીવટ સંભાળ્યા પછી એની પ્રવૃત્તિઓનો વ્યાપ અનેકગણો વધાર્યો છે. આજસુધીમાં એમણે 425038 જેટલા દિવ્યાંગોની સર્જરી કરાવી છે. 274603 વ્હીલચેર, 264422 ટ્રાઇસિકલ અને એટલી જ મોટી સંખ્યામાં અપંગો-ગરીબોના જીવનજરૂરિયાતની ચીજો પહોંચાડી છે. દિવ્યાંગ લોકોને એકબીજાનો સાથ મળી રહે એ માટે એમણે 3113 યુગલના લગ્ન પણ કરાવી આપ્યા છે. સંસ્થામાં જ અવારનવાર આવા સમુહલગ્ન યોજાય છે, જેમાં દિવ્યાંગ યુગલ નવેસરથી જિંદગીની શરૂઆત કરે છે. એમને રોજગાર માટે વોકેશનલ તાલીમ કેન્દ્ર પણ ચાલે છે.
રિલાયન્સના મુકેશ અંબાણીના દીકરી ઇશાના લગ્ન ઉદયપુરમાં યોજાયા ત્યારે અંબાણી પરિવારની ઇચ્છા ગરીબ પરિવારોને જમાડવાની હતી. પાંચ હજાર લોકોને સતત ચાર દિવસ સુધી જમાડી શકાય એવી વ્યવસ્થા માટે એમણે ‘નારાયણ સેવા સંસ્થાન’ પર જ પસંદગી ઉતારેલી.
હવે એ ઉદયપુરમાં 450 પથારીની અદ્યતન હોસ્પિટલ બનાવી રહ્યા છે અને આ પ્રોજેક્ટને એમણે ‘વર્લ્ડ ઓફ હ્યુમેનિટી’ નામ આપ્યું છે.
આમ પણ, સંસ્થાનની પ્રવૃત્તિના પાયામાં તો હ્યુમેનિટી એટલે કે માનવતા જ છે. કૈલાશજી હવે ઉંમર અને બન્ને આંખની રોશની ચાલી જવાના કારણે બહાર નીકળતા નથી. સંસ્થાનનો ઓવરઓલ વહીવટ પ્રશાંતજી સંભાળે છે તો હોસ્પિટલની જવાબદારી પ્રશાંતજીના પત્નિ વંદના અગ્રવાલ સંભાળે છે. હવે આગામી પાંચ વર્ષના વિઝન ડોક્યુમેન્ટ પર એમની દીકરી પલક કામ કરી રહી છે. કૈલાશજીની આંખોના રોશની ચાલી ગઇ છે, પણ એમના જ સંતાનો અનેક ગરીબો-દિવ્યાંગોના જીવનમાં નવી રોશની લાવી રહ્યા છે. માનવતાના સંસ્કારો વિના એ શક્ય નથી.
(કેતન ત્રિવેદી)