નાની નાની વાતો યાદ નથી રહેતી? અજમાવી જૂઓ આ ઉપાય 

શું તમે ચાવીઓ રાખીને પછી તને શોધતા ફરો છો? શું તમે એવા લોકોમાં છો કે જેઓ બેંકમાંથી પૈસા ઉપાડવા, વીજળી-પાણી બીલ, ફી અને ફોન બીલ ભરવાની તારીખ ભૂલી જાય છે? શું તમારે જન્મદિવસની શુભેચ્છા કે લગ્ન વર્ષગાંઠની શુભેચ્છા આપતા ભૂલી ગયા હોવ અને તમારા જીવનસાથીની નારાજગી સહન કરવી પડી છે? જો આ સ્થિતિ છે, તો ચિંતા કરશો નહીં, યાદ શક્તિ ગુમાવવી અથવા યાદશક્તિ ઓછી થવી એ એક સામાન્ય માનસિક સમસ્યા છે જેનો મોટાભાગના લોકોને સામનો કરવો પડે છે. સારી બાબત એ છે કે આ સમસ્યાને કેટલાક સરળ માનસિક ઉપાયો અને આહારમાં પરિવર્તનથી નિયંત્રિત કરી શકાય છે.

મનોવૈજ્ઞાનિકના કહેવા પ્રમાણે, “જો મગજ યાદ રાખી શકે છે, તો તે ભૂલી પણ શકે છે.” વાસ્તવમાં તમે કોઈ વસ્તુ પર તમારું મગજ કેવી રીતે કેન્દ્રિત કરો છો તેના પર મેમરી ખૂબ નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ નવા સ્થળે જાઓ છો, તો રસ્તો શોધવો મુશ્કેલ છે, પરંતુ જો આ પેટર્ન ફરીથી અને ફરીથી પુનરાવર્તન કરવામાં આવે, તો મગજ સરળતાથી માર્ગો પર નેવિગેશન કરે છે. આનો અર્થ એ છે કે આપણે આપણા મગજમાં અનેક વખત જરૂરી માહિતી ભરવાની જરૂર હોય છે. જો ક્યારેય તમારી યાદશક્તિ તમારી સાથે દગો કરે તો હિંમત હારવાની જરૂર નથી, પરંતુ જ્યારે આ સમસ્યા વારંવાર થવા લાગે તો કેટલાક સરળ અભ્યાસો અને જીવનશૈલીમાં ફેરફાર કરવો જરૂરી છે.

સૂવાનો સમય પહેલાં પુનરાવર્તન કરો:

મનોવૈજ્ઞાનિકોએ મેમરી લોસ (સ્મૃતિ લોપ)ને ખૂબ જ સામાન્ય માનસિક સમસ્યા ગણાવી છે, જેનું સમાધાન પણ એટલું જ સરળ છે. તેમના મતે, કંઇક યાદ કરવાનો શ્રેષ્ઠ સમય રાત્રે સૂતા પહેલાનો છે. રાત્રે સૂતા પહેલા મગજ જે કંઈ વાંચે છે અથવા યાદ કરે છે તે ખૂબજ ઝડપથી ગ્રહણ કરે છે. આ સમયે વાંચેલી કે યાદ કરેલી વાત મગજ દિવસના અન્ય સમયની સરખામણીએ મગજમાં વધુ પ્રમાણમાં સ્થિર રહે છે.

યોગ્ય સમયે સૂઈ જાઓ:

રાત્રે મોડા સૂવું અને મોબાઇલ ફોનમાં મગજ વ્યસ્ત રહેવાથી આંખો અને શારીરિક સ્વાસ્થ્ય તો નબડું પડે જ છે પણ સાથે મગજની ક્ષમતામાં પણ ઘટાડો કરે છે. વહેલું સૂવું અને વહેલું ઉઠાવું’ ની આદત માણસને સંપૂર્ણ રીતે ફિટ રાખે છે.

એક વૈજ્ઞાનિક સર્વે અનુસાર, જે લોકોને રાતે મોડા સૂવાની આદત હોય છે તેમની યાદશક્તિ સામાન્ય લોકો કરતા 28 ટકા ઘટી જાય છે.  હવે તમારા પર નિર્ભર છે કે, મોડી રાત સુધી ચાલતી પાર્ટીઓ, સ્માર્ટફોનમાં ચેટિંગ કરવાને પ્રાથમિકતા આપવી કે પછી તમારા માનસિક સ્વાસ્થ્યને! આ ઉપરાંત તમારી આસપાસ સકારાત્મક વાતાવરણ પણ યાદશક્તિ મજબૂત કરવા ઘણું જરૂરી છે.

મગજને પણ વ્યાયામની જરૂર હોય છે:

શરીરના અન્ય ભાગોની જેમ મગજને પણ સતત વ્યાયામની જરૂર હોય છે અને જો આ વ્યાયામ યોગ્ય રીતે કરવામાં આવે તો યાદશક્તિને નબળી પાડતી અટકાવી શકાય છે. મગજની ક્ષમતાને પુન: જાગૃત કરવી મુશ્કેલ નથી. ઉપર જણાવેલા અભ્યાસની મદદથી તમે ધીમે ધીમે તમારી યાદશક્તિને મજબૂત બનાવી શકો છો.