જંગલીઃ હાથીકાય નિરાશા

ફિલ્મઃ જંગલી

કલાકારોઃ વિદ્યુત જામવલ, પૂજા સાવંત, આશા ભટ્ટ

ડાયરેક્ટરઃ ચક રસેલ

અવધિઃ આશરે ૧૧૫ મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★

દરિયાકિનારા પરનું એક બંદર ને બંદર પર 1980ના દાયકાની ફિલ્મોમાં જોવા મળતો એવો વિલનનો અડ્ડો. એક બૂચા નાકવાળો જાડિયો ચીનો વેપારી એની ધોળી ગર્લફ્રેન્ડ સાથે ડૉલરથી ઠાંસીને ભરેલી બૅગ લઈને પ્રવેશી રહ્યો છે. અડ્ડા પર એ લોકો વિરલ કહેવાય એવા હાથીદાંત ખરીદવા આવ્યાં છે. અચાનક ધોળી દીદી કહે છેઃ “મને માછલીની વાસ આવે છે, તને આવે છે”? છાશિયું કરતાં પેલો સુટેડબૂટેડ જાડિયો ચીનો કહે છેઃ “અરે બોઘી, આપણે દરિયાકિનારા પર છીએ… તો માછલીની જ વાસ આવે કે નહીં”?… એ પહેલાં, ભરજંગલમાં ફિલ્મના હીરોને કૂટી નાખવામાં આવ્યો છે ને એ ઑલમોસ્ટ બેભાનાવસ્થામાં પડ્યો છે. અચાનક ત્યાં દૂંદાળા દેવ, ગણપતિ પ્રગટ થાય છે ને હીરોને ઊભો થઈ લડવા સમજાવે છે. આવા તો કંઈકેટલા હાસ્યાસ્પદ સીન્સ છે ‘જંગલી’માં. ખાસ કરીને ઈન્ટરવલ પછી. નવાઈ એ લાગે કે આવી ફિલ્મ બનાવવા હોલિવૂડથી ડિરેક્ટર આયાત કરવા પડે બીજા શબ્દોમાં જિમ કેરીને ચમકાવતી ‘ધ માસ્ક’, આર્નોલ્ડ શ્વાર્ઝનેગરને ચમકાવતી ‘ઈરેઝર’, ‘ધ સ્કોર્પિયન કિંગ’, ‘નાઈટમેર ઑન એલ્મ સ્ટ્રીટ’ સિરીઝ જેવી અનેક ફિલ્મો સર્જનારા હોલિવૂડના પીઢ ડિરેક્ટર ચક રસેલ બોલિવૂડમાં પદાર્પણ કરવા આવો સબ્જેક્ટ, આવી સ્ક્રિપ્ટ પસંદ કરે?

ઓક્કે શું  વિષય પસંદ કર્યો છે? જંગલમાં પોતાની મસ્તીથી જીવતા, ભોલાભાલા (ફિલ્મના મુખ્ય હાથીનું નામ પણ ભોલા છે) નિરુપદ્રવી જનાવરના શિકાર કરી, એમના હાથીદાંત મેળવી એને કરોડો ડૉલરમાં વેચી મારતા પોચર્સ ને એમની સામે પડતો હાથી અભયારણ્ય ચલાવતા  આધેડ વયના માલિકનો બેટો રાજ નાયર (વિદ્યુત  જામવલ). બાપ-બેટા વચ્ચે અમુક બાબત કંઈ અંટસ પડી ગઈ હોવાથી બેટો દસેક વર્ષથી જંગલ છોડી મુંબઈમાં જનાવરના દાક્તર તરીકે પ્રૅક્ટિસ કરે છે. એક દિવસ એને થાય છે કે આ વખતે મૃત માતાની વર્ષી પર પિતા પાસે એટલે કે ચંદ્રિકા નામની એલિફન્ટ સેન્ક્ચુરી જવું જોઈએ (જો કે શૂટિંગ થાઈલૅન્ડમાં થયું છે). ત્યાં જતાં એને ખબર પડે છે કે ‘જંગલ મેં હાલાત અબ પેહલે જૈસે’ નથી. અને એ થોડો સમય ત્યાં રહી જવાનું નક્કી કરે છે.

માન્યું કે સર્જકોનો હેતુ ઉમદા હતો, પણ માત્ર સારો હેતુ રાખવાથી કામ પતી જતું નથી. અહીં હેતુ અને એના અમલ વચ્ચે ફિલ્મ અટવાઈ ગઈ. વેફરથીયે પાતળી વાર્તા, તકલાદી પટકથા, રેઢિયાળ પાત્રો-પાત્રાલેખન, વગેરે મળીને ફિલ્મને કંટાળાજનક બનાવે છે. ભાગ્યે જ કોઈ પાત્રથી વાર્તામાં ફરક પડે છે, બલકે મોટા ભાગનાં બિનજરૂરી ગિરદી કરે છે. ઓક્કે. આવાં સુસ્ત કથા-પટકથા-સંવાદ લખવા કેટલા જણને શ્રેય આપવામાં આવ્યું છે? ઍડમ પ્રિન્સ-રોહન સિપ્પી-ચારુદત્ત આચાર્ય-ઉમેશ પડાલકર-રિતેશ શાહ-અક્ષય ઘિલડિયાલ-સુમન અધિકારી). ઝાઝા રસોઈયા રસોઈ બગાડે એ કહેવતનો અર્થ અહીં બરાબર સમજાઈ જાય છે. અંતે પાછા ઠાવકા બનીને આ બધા આપણને કહે છેઃ “જો આપણે હાથીદાંતમાંથી બનેલી ચીજવસ્તુ લેવાનું બંધ કરીએ તો હાથીના શિકાર થતા અટકી જશે”. એમ? ઓહ, પ્લીઝ…

મકરંદ દેશપાંડે (રાજ નાયરના ગુરુની ભૂમિકામાં) અને અતુલ કુલકર્ણી (ઈન્ટરનેશનલ શિકારીની ભૂમિકામાં) જેવા બે  સક્ષમ કલાકાર સાવ આવા રોલમાં? નવોદિતા પૂજા સાવંત, આશા ભટ્ટને ભાગે પણ કંઈ કરવાનું આવ્યું નથી. વિદ્યુત જામવલે ભાવવિહોણા ચહેરા સાથે આખી ફિલ્મ પૂરી કરી છે. ટૂંકમાં જો તમને હાથી વિશેની ફિલ્મો જોવી ગમતી હોય તો 1970ના દાયકાની ‘હાથી મેરે સાથી’ કે એ પછી સર્જાયેલી ‘મા’ (ધર્મેન્દ્ર-હેમામાલિની) જોઈ કાઢજો.

 

 

(જુઓ ‘જંગલી’નું ટ્રેલર)

httpss://youtu.be/tcsJ-3GLDE4