કિશોરકુમાર કોણ?

માત્ર થોડાં જ વર્ષ અગાઉ આ પ્રશ્ર્નનો જવાબ ખુદ કિશોર પણ ન આપી શક્યા હોત. વિચાર કરો તો સાચે જ અટવાઈ જવાય છે: એક વ્યક્તિત્વનાં આટલાં બધાં પાસાં? કુદરતનો પ્રેમી કિશોર, અનેક મધુર ગીતોનો અનેરો ગાયક કિશોર, કલાકાર, કથાકાર, ફિલ્મસર્જક કિશોર… અને જીવનના દરેક રંગમાં એકલો અટુલો જણાતો, લાગણીશીલ, ક્યારેક ખોટી રીતે વગોવાયેલો, અન્યને મળવા આતૂર છતાં પારકાંઓથી ડરતો, ભાગતો, સાચકલો ઈન્સાન કિશોર. આજે આ પ્રતિભાવંત, સહૃદય કલાકાર કહે છે કે લીના સાથેનાં લગ્ન બાદ એને પહેલીવાર જીવનમાં સુખ:ચેન સાંપડ્યાં છે. આ મુલાકાતમાં કિશોર દિલ ખોલીને બોલ્યો છે- એને દિલથી વાંચજો.


‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે ‘જી રજત જયંતી ૧૯૮૩’ અંકનો.


(મુલાકાતઃ સુષમા)

અદાકાર તરીકે કિશોરકુમારની મેં હંમેશા ભારે પ્રશંસા કરી હતી. ગાયક કિશોરની હું ફેન હતી, પરંતુ વ્યક્તિ તરીકે કિશોરકુમાર બાબત હું હંમેશા ખૂબ જ જિજ્ઞાસુ હતી. એના અંગત જીવન અંગે હું એમની જોડે કામ કરનારા કલાકારો આઈ. એસ. જોહર અને મહેમૂદ પાસેથી જાણી શકી હતી અને જે રીતે એની સાથેના એમના અંગત અનુભવો મને જાણવા મળ્યા એને લીધે હું વધુ ઉત્સુક અને એને મળવા ઓર આતુર બની ગઈ.

રેકૉર્ડિંગ થિયેટરોમાં બે વાર ધક્કા ખાધા છતાં કાંઈ ન વળ્યું. હું તો એને જુદા જ વાતાવરણ અને એ નિશ્ર્ચિન્ત હોય ત્યારે મળવા આતુર હતી. આખરે એની પત્ની (અને મારી સખી) લીનાએ એને વાત ગળે ઊતારી કે બધાં જ ફિલ્મ પત્રકારો ગમે તેવું લખીને ગેરસમજણ ઊભી નથી કરતાં લીનાએ કહ્યું: ‘હું બનતા પ્રયાસો કરીશ, પરંતુ એ ઈન્ટરવ્યૂ આપશે કે કેમ એની ખાતરી નથી આપતી.’

‘જી’નો અંક વાંચવામાં મશગુલ કિશોરદા

અમે પ્રયાસ કરવાનું નક્કી કર્યું. શું અમે સફળ નીવડ્યા? ભગવાનના સોગંદ! પહેલો જ ઈન્ટરવ્યૂ આટલો જબરદસ્ત થશે એવી તો આશા જ નહોતી. કિશોરકુમારને હું અંતર્મૂખ માનતી હતી પણ એ ખૂબ જ ખિલ્યા. એવા તો ખિલ્યા અને ખૂલ્યા કે એના ગર્ભિત અંતરંગમાં અમે ડોકિયું કરી શક્યા! કહેવું પડશે કે મારે માટે ખૂબ જ ભાગ્યશાળી દિવસ હતો એ!

‘અમને તમારા બાળપણ અંગે જણાવો,’ ઈન્ટરવ્યૂની શરૂઆતમાં મેં પૂછેલો સવાલ વાર્તાલાપમાં પરિણમ્યો અને તે દ્વારા તેના અંગત જીવનના રસપ્રદ પાસાં નિરખવા મળ્યાં.

બહેન ગીતાદેવી, મા ગૌરીદેવી (બાળક સાથે), પિતા કુંજીલાલ વિ. કુટુંબના સભ્યો સાથે કિશોરકુમાર

‘મારું બાળપણ સાવ સાધારણ હતું. મારા પિતા વકીલ હતા જેમને માસિક ત્રીસ રૂપિયા મળતા અને એટલી અમથી આવકમાં ત્રણ દીકરાઓ અને એક દીકરીને ઉછેરવાના હતા. અમે ખંડવામાં રહેતા. બાળક તરીકે પણ હું એકલવાયો હતો. હું એકલો બેસી રહેવાનું પસંદ કરતો. મને યાદ છે કે ઘરની છત પર બેસીને હું આકાશ નિરખ્યા કરતો. મને લાગે છે કે હું હંમેશ પ્રકૃતિનો પ્રેમી રહ્યો છું. વરસતો વરસાદ મને ગમતો. વરસાદનો ધ્વનિ મને આકર્ષતો. એક જ ધ્વનિમાં કેટલી વિવિધતા છે! ઝરમર હોય કે ધોધમાર વરસાદ! ફોરાં છત પર પડતાં હોય કે ખાબોચિયાંમાં અથવા તો બહાર પડેલા ડબ્બા પર!

 ‘મને સૂર્યોદય-સૂર્યાસ્ત અને ચંદ્રોદય નિરખવાનું ગમે છે. દરિયાના ઉછળતાં મોજાંઓ હું કલાકો સુધી જોઈ રહેતો. ઉલટ પક્ષે ભણવાનું મને હરગીઝ ન ગમતું. ખાસ કરીને ગણિત મારો દુશ્મન અને મારા પિતાનો એ મનગમતો વિષય! કોણ જાણે કેમ, એમને એમ જ લાગતું કે મેથેમેટિક્સમાં જ હોશિયાર હોય એ બુદ્ધિશાળી વિદ્યાર્થી ગણાય.

‘મારો ભાઈ અનુપ મેથ્સમાં ખૂબ હોશિયાર હતો એટલે પિતાનો લાડકો. મારે તમને એક કિસ્સો કહેવો પડશે. હું ગણિતમાં નાપાસ થતો તેથી પિતાને રિઝલ્ટ દેખાડતાં હંમેશ બીક લાગતી, પરંતુ એક વાર મેં જ મારો રેકૉર્ડ તોડ્યો. મેથ્સમાં મીંડુ મળ્યું. જો મારા પપ્પાને દેખાડું તો માર પડવાની ખાતરી હતી. તેથી એક માસ બાદ રિઝલ્ટની તારીખ હતી ત્યાં સુધી વાત છૂપાવી રાખી. આજ કી મૌત કલ પર! એને બદલે મેં મારા એક મિત્રને મારે ખાતર પેપરની નકલ કરવાનું કહ્યું. પુરા માર્ક્સ મેં જાતે જ આપ્યા અને મારા પિતાને દેખાડ્યા. તેઓ એવા તો ઉશ્કેરાઈ ગયેલા કે દરેકને બોલાવીને જાહેર કર્યું: ‘દેખો દેખો! હમારા ખોખા કિતને અચ્છે માર્ક્સ લાયા હૈં!’ (પિતાજી ‘ખોખા’ના લાડકા નામથી બોલાવતા)

ત્રણ ભાઈઃ અનુપકુમાર, અશોકકુમાર, કિશોરકુમાર

‘દિવસો પસાર થતા હતા અને હું ગણતરી કરતો હતો: એક દિન ગયા! દો દિન ગયા! ઈસ તરહ પદ્રહ દિન બીત ગયે. અચાનક મૈંને દેખા, મેરે માસ્ટરસાબ હમારે ઘરકી તરફ આ રહે હૈં! અને મારા હૃદયના ધબકારા જાણે બંધ પડી ગયા! મને લાગ્યું કે હવે પિતા પાસે કશું જ છૂપાવી નહીં શકાય. પરદા પાછળથી જોયું તો માસ્ટરસાબ નજીક આવી પહોંચ્યા હતા. જેવા તેઓ અંદર પ્રવેશ્યા એટલે મેં બારીનો પરદો પાડી દીધો ઔર કાન પર્દેસે ચિપકા દિયે.

‘મારા પિતાએ માસ્ટરજીને આવકાર્યા. જ્યારે માસ્ટરજીએ એમના હાથમાં પેપર મૂકીને તપાસી જોવા કહ્યું ત્યારે તેઓ ખૂબ ગૌરવ અનુભવવા લાગ્યા, પરંતુ જ્યારે એમણે જોયું કે દરેક તાળો ખોટો હતો ત્યારે એમના ચહેરાના ભાવ પલટાવા માંડ્યા. ગુસ્સે થઈને એમણે પૂછ્યું, ‘કિસ ઉલ્લૂ કે પઠ્ઠેને યે પરચા કિયા હૈ? સબ ગલત હૈ.’

અને માસ્ટરજીએ ખચકાતા સ્વરે કહ્યું: ‘આપ કે બેટે કિશોરને!’

કલ્પના કરો કે મારા પિતા કેવા ભડક્યા હશે. મને ખબર પડી ગઈ કે જેવા માસ્ટરજી જશે કે મારા પિતા મને બોલાવીને મેથીપાક ખવડાવશે, તેથી એમના બોલાવવાની રાહ જોયા વિના પાછલે બારણેથી પસાર થઈને હું નાસવા માંડ્યો. હું દોડતો જ રહ્યો અને બજારમાંથી નીકળી ગયો. બીજી બસ્તી પણ પાર કરી ગયો અને જ્યારે મંદિરે પહોંચ્યો ત્યારે આટલી વાર સુધી ઝડપથી દોડવાના કારણે પેટમાં શૂળ ઉપડ્યું. અટક્યા વિના કોઈ પર્યાય નહોતો.

‘હું તો મંદિરની અંદર જઈને બેસી ગયો જે નદીકાંઠે આવ્યું હતું. કલાકો વીતી ગયા. અંધારું થઈ ગયું પરંતુ ઉઠીને ઘેર પાછા ફરવાની મારામાં હામ નહોતી. તરત જ પાસેના જંગલમાંથી ઘૂવડનો ચીત્કાર સંભળાયો, શિયાળનો અવાજ પણ સંભળાયો અને હું છળી ઉઠ્યો. હવે તો મારે બેમાંથી એકની પસંદગી કરવાની જ હતી: કાંતો બેસી રહેવું અથવા ઘેર જઈ પિતાને સામનો કરવો. મેં ઘેર જવાનું નક્કી કર્યું અને જાતને ઘર તરફ ઘસડી ગયો.

‘મેં ધારેલું તેમ પિતા ઘરની બહાર રાહ જોતા ઊભા જ હતા. અનુપ પણ ઊભો હતો. જેવો અનૂપે મને જોયો એટલે એ હર્ષના આવેગમાં બરાડી ઊઠ્યો, ‘બાબા! કિશોર આ ગયા! વો દેખો!’ ‘ચલતી કા નામ ગાડી’ની માફક એ હંમેશ વિલન જ બનતો. હું તો બલિના બકરાની માફક એમના તરફ આગળ વધ્યો.

‘પછી તો…મારા પિતાના હાથનો ક્લોઝ-અપ. એમને જમણા હાથની આંગળી પરની જાડી વીંટી ઉતારીને ડાબા હાથની આંગળી પર પહેરવાની આદત હતી. જે પાછી જમણા હાથની આંગળીએ તેઓ પહેરી લેતા! વાતાવરણ જમાવવાની એમની આ ખાસિયત હતી.’

‘હવે કૅમેરા અનુપકુમાર પર! એની આંખો તો ચળકતી હતી. માંડ સ્મિત રોકી રાખતો હતો. ઉશ્કેરાટને કારણે એ પોતાના હોઠ પર જીભ ફેરવતો હતો. મારી મા બારણામાં જ ઊભી હતી. એનો ક્લોઝ-અપ, એના ચહેરા પર વ્યથિત ભાવ. મારા ફાધર પર કૅમેરાનું પેનીંગ. એમનો હાથ હવામાં ઊંચે તોળાય છે અને મને તો એક જ વાતની યાદ આવે છે કે હું જમીન પર પડ્યો છું અને કૂતરાંઓના ભસવાનો અવાજ સાંભળું છું. જો કે એકે ય કૂતરો આસપાસ હોતો નથી.

‘મારા પિતાએ ઊઠવાનો આદેશ ફરમાવ્યો. ‘ઠુલે!’ એમણે બૂમ પાડી અને હું જમીન પર થૂંક્યો. ‘અપની નાક રગડ થૂંક મેં!’ બીતા બીતા મેં એમના આદેશનું પાલન કર્યું. અનુપ અલબત્ત ખુશ થઈ ગયો! મેં તમને અગાઉ કહ્યું તેમ અનુપ મારા બચપણનો વિલન હતો.

કોઈ લૌટા દે મેરા ખોયા હુઆ બચપન

‘મને બીજો એક કિસ્સો પણ યાદ છે. અનુપ સિતાર શીખતો હતો પરંતુ વાજિંત્ર પર આંગળીઓ ફેરવવાને બદલે એ મોઢાના વિચિત્ર હાવભાવ દર્શાવતો. પછી તો એક દિવસ એણે ‘યોડલીંગ શીખ્યું, તેથી બંધબારણે રિયાઝ કરતો. મેં જ્યારે રેકૉર્ડ સાંભળવાની માગણી કરી ત્યારે એણે સાફ ઈન્કાર કરી દીધો. જો કે હું એને ટપી જાઉં એવો હતો. એ જ્યારે પણ બારણા બંધ કરીને રેકૉર્ડ વગાડતો ત્યારે મેં દરવાજે કો કાન લગા કર ખડા હો જાતા થા!

‘ત્યાર બાદ એક દિવસ એણે મને પૂછ્યું, ‘તું આવું ગાઈ શકે?’ અને એણે યોડલીંગ શરૂ કર્યું. પરંતુ એને ગધેડાની જેમ ભૂંકતો જોઈને મેં યોડલીંગ કેમ કરવું એ ગાઈને દેખાડ્યું. એ તો ચક્તિ જ થઈ ગયો. એને જાણવાની તાલાવેલી થઈ. ‘મારી રેકૉર્ડને તેં હાથ લગાડેલો?’ મેં જ્યારે એને કહ્યું કે બારણાંની બહારથી સાંભળીને હું શીખી ગયો ત્યારે એનો ક્રોધ ભભૂક્યો, ‘મારી રેકૉર્ડ પરથી યોડલીંગ શીખવાની કેમ હિમ્મત તું કરી શક્યો?’

કહેવાની જરૂર નથી કે યોડલીંગની આ કળા કિશોરકુમારના ગાવાની વિશિષ્ઠતા બની ગઈ. એની આ વિશિષ્ઠતાએ આધુનિક યુવાન કંઠને એવી તાઝગી બક્ષી શકી કે દેવ આનંદ તેની પાછળ ઘેલો બની ગયો અને પછી તો કિશોરકુમારના જ પ્લેબેક માટે એણે આગ્રહ રાખ્યો પછી ગીત રોમેન્ટિક હોય કે ‘દુ:ખી મન મેરે’ જેવું કરુણ હોય.’

એના બીજા મોટા ભાઈ વિશે કિશોરકુમારે કહ્યું:

‘દાદામુનિ અને મારી વચ્ચે અઢાર વર્ષનો તફાવત છે. નાના બાળક તરીકે મેં એમને બહુ જોયા હોય એવું યાદ નથી કારણ તેઓ મુંબઈમાં રહેતા હતા. બોમ્બે ટોકિઝની લેબોરેટરીમાં એમણે નોકરી સ્વીકારી હતી અને પાછળથી હીરો બની ગયા.

‘સદભાગ્યે એમના બૉસની પત્ની દેવીકા રાણીની સામે અને લીલા ચીટનીસ સામે એક પછી એક એમની ફિલ્મો હીટ ગઈ અને અશોકકુમાર ટોચના હીરો બની ગયા. ઘર ઘરમાં એમનું નામ ગાજતું થઈ ગયું, પરંતુ મારે માટે તો તેઓ અજનબી જ હતા. મને યાદ છે કે એકવાર તેઓ ઘેર આવેલા ત્યારે મેં માને આગ્રહ કરી કરીને એમને જમાડતા જોયેલા. ‘યે ખાઓ, વો ખાવો.’ મને એ નહોતું ગમ્યું.

‘યે આદમી કૌન હૈ?’ મેં મારી માને પૂછેલું, ‘ઔર તુમ ઉસકો ઈતને લાડ-પ્યાર ક્યોં કર રહી હો?’ મારી માએ કહ્યું: ‘એ મારો દીકરો છે!’ મને સાંભળતાવેંત ભારે નવાઈ લાગી કારણ મને તો ખબર સુદ્ધાં નહોતી કે મારે આવડો મોટો ભાઈ હતો. એટલે મેં દલીલ કરી, ‘પરંતુ હું ય તમારો દીકરો છું.’ મારી લાગણીનો ખ્યાલ કરીને મારી માએ કહ્યું, ‘તૂ તો મેરા બેટા હૈ હી! મગર યે ભી મેરા બેટ હૈ. સબસે બડા બેટા!’

વતન ખંડવામાં ગાંગુલીબંધુઓએ માતા-પિતાની યાદમાં ગૌરીકુંજ સભાગૃહનું અશોકકુમારના હસ્તે શિલારોપણ કરાયું

‘બીજીવાર હું એમને મળ્યો જ્યારે એમનું ‘કિસ્મત’ સર્વત્ર સુપરહીટ નીવડેલું. જ્યારે ઘેર આવેલા ત્યારે ઘર રાજી રાજી થઈ ગયેલું. એક ખાસ કિસ્સો તો બરાબર યાદ છે. મારી દીદી (સ્વ. શ્રીમતી એસ. મુખરજી) સંગીત શીખતી હતી. વાસ્તવમાં મને સંગીતની જે કાંઈ થોડી ઘણી તાલીમ મળી એ મારી ગીતાદીદી પાસેથી જ મળી. સ્વભાવે એ સાવ જુઠ્ઠી હતી. બાદ બાત મેં જૂઠ બોલતી થી.’

એ સમયે કિશોરકુમારની વાત રસપૂર્વક સાંભળતા દેબૂ મુખરજીએ ટાપસી પૂરતા કહ્યું: ‘સાચે જ, માને અમથું જ જૂઠ્ઠું બોલવાની ટેવ હતી.’

‘તો ક્યા હુઆ,‘ કિશોરકુમારે ઉમેર્યું. કિસી બાત પર દાદામુનિ ઔર દીદી કે બીચ બહસ શુરુ હો ગયી. ‘તૂ જૂઠ બોલ રહી હૈ!’ દાદામુનિનો ક્રોધમાં કહ્યું, પરંતુ દીદીએ તો કક્કો ખરો જ કરવા માંડ્યો. દાદામુનિનો ક્રોધ માઝા મૂકવા માંડ્યો. મારી માએ દરમિયાનગીરી કરી અને ઝઘડતા ભાઈ-બહેનને શાન્ત પાડ્યા. હું મોજથી બોલ્યો, ‘યે કિસ્મત કા હીરો!’

થોડીવાર પછી દાદામુનિ કાબૂ ગૂમાવી બેઠા અને દીદીને ફટકારવાની તૈયારીમાં હતા એવામાં મારા પિતાજી દાખલ થયા. મારી માએ એમને ફરિયાદ કરી: ‘દેખો તો, અશોક ગીતા કો મારના ચાહતા હૈ!’ હવે મારા પિતાનો વારો હતો. તેઓએ આગળ વધીને હાથ ઉગામ્યો અને બીજી જ પળે દાદામુનિ ઓરડામાં બીજા ખૂણે આડા પડ્યા હતા. ‘યે કિસ્મત કા હીરો!’ મેં વિચાર્યું.

વાત એમ હતી કે મારા પિતાનું શરીર પહેલવાન જેવું કસાયેલી હતું અને એમની એક જ થાપટ અશોકકુમારને દસ ફૂટ છેટે ઉડાડવા પૂરતી હતી. હું મારા ભાઈની પ્રતિક્રિયા હરગીઝ ન ભૂલી શકું. ઊઠીને દાંત કચકચાવતા એમણે ચોક્કસ ભાવ દર્શાવ્યો, પરંતુ એકેય હરફ ન બોલી શક્યા, ‘ઔર કિસ્મત કા હીરો રૂમમેં સે બાહર ચલા ગયા!’

પહેલી પત્ની રુમાદેવી, દીકરો અમિત

પાછળથી ગાયક તરીકે હું પણ બોમ્બે ટોકિઝમાં દાખલ થયો. ‘મશાલ’ માટે મેં ગાયું ત્યારે હું વીસ વર્ષનો હતો. બોમ્બે ટોકિઝની એ ફિલ્મમાં રુમાદેવી કામ કરતી હતી. અમારી મુલાકાત ત્યાં જ થયેલી.’ કિશોરકુમાર કહ્યું.

હું કાન સરવા કરીને બેઠી. મુદ્દાઓ ટાંકવાના પણ બંધ કરી દીધા, એટલા માટે કે એની વિચારશૃંખલા અને મૂડ જળવાઈ રહે.

‘મને નથી લાગતું કે હું ત્વરિત લગ્નના બંધનમાં પડવા આતૂર હતો, પરંતુ એના માતા-પિતા વ્યગ્ર હતા, લડકી કી બદનામી હો જાયેગી વગેરે. કાં તો અમારે પરણી જવું અથવા વાતચીત બંધ કરી દેવી એવી આકરી શરત મૂકી. રુમાએ પણ આગ્રહ સેવ્યો. મેં એને સમજાવી કે મારે ઠરીઠામ થવાનું બાકી હતું. બન્નેનું પોષણ થાય એટલી કમાણી નહોતી થતી, કારણ જો હું એને પરણું તો ફિલ્મોમાં કામ ન જ કરવા દઉં.’

‘પરંતુ એ ન માની અને મારે લગ્ન કરવાં જ પડ્યાં ૧૯૫૦માં લગ્ન થયા!’

એ વખતે લીનાએ ખલેલ પહોંચડાતા કહ્યું: ‘૧૯૫૦! ત્યારે તો હું જન્મી હતી તમને પરણવા!’

‘મારા ભાઈએ લગ્નની સમ્મતિ નહોતી આપી.’ કિશોરકુમારે કહ્યું, ‘પરિણામે બિમલ રોય દિગ્દર્શિત બોમ્બે ટોકિઝની ‘મા’ ફિલ્મમાંથી મને કાઢી મૂકવામાં આવ્યો. મારે બદલે ભારત ભૂષણને લેવામાં આવ્યો. બિમલ રોયને ખરાબ લાગ્યું. એમને મારા પ્રત્યે લાગણી હતી, પરંતુ બોમ્બે ટોકિઝમાં નોકરી કરતા હોવાથી તેઓ કશું જ ન કરી શક્યા. મારે કહેવું જોઈએ કે દેખાવડા દાદામુનિ મને હંમેશ મહેણું મારતા: ટતુ તો કાલા હૈ! તુઝે હીરો કૌન બનાયેગા!’

‘નોકરી ગુમાવીને અમારે રીતસર ફૂટપાથ પર રહેવાનો વારો આવ્યો. ક્રાઈસીસમેં રોમાન્સ હવા હો જાતા હૈ! ભૂખે પેટ પ્યાર નહીં હો શકતા! પેટ કી આગ દિલ તક પહુંચ કર પ્યાર-બ્યાર સબ જલા દેતી હૈ! ઔર વોહી મેરે ઔર રુમા કે સાથ હુઆ. હમ દોનોંમેં ખિટપિટ શુરૂ હો ગઈ.’

સંગીતકાર સચીન દેવ બર્મન સાથે

‘હું સચિનદા પાસે કામ માટે ગયો. એમણે મને મદ્રાસમાં ‘બ્રેક’ આપ્યો. એ.વી.એમ.ની ‘બહાર’માં (કરણ દીવાન-વૈજયંતિમાલા)માં મેં ગાયું. એમને મારું ગાવાનું એટલું તો ગમી ગયું કે આગામી ફિલ્મ ‘લડકી’માં એમણે મને વૈજયંતિમાલા સામે હીરો બનાવ્યો. બસ, ત્યારથી ગાયક-અદાકારની કારકીર્દિ શરૂ થઈ ગઈ.’

ફિલ્મ ‘લડકી’માં વૈજયંતિમાલાનાં હીરો બન્યા હતા કિશોરકુમાર

‘મને હતું કે ‘આંદોલન’ (૧૯૪૯) તમારી પ્રથમ ફિલ્મ હતી!’ મેં કહ્યું.

‘આંદોલન’ તો દસ્તાવેજી ફિલ્મ હતી, ફિચર ફિલ્મ નહોતી.’ કિશોરકુમારે સ્પષ્ટિકરણ કર્યું અને ઊમેર્યું. ‘મારી ધંધાદારી જિંદગી ટોચે ચડી, પરંતુ રુમા સાથેનું અંગત જીવન કથળી ગયું. કલાકાર જોડે લગ્ન કરીને મેં ભૂલ કરી હતી. કચકડાની દુનિયાની ઝાકઝમાળથી એ અળગી ન જ રહી શકે. મતભેદ વધતા ગયા આખરે જે રૂમા પરણવાનો હઠાગ્રહ કરતી હતી એ જ છૂટાછેડા માટે થનગની ઊઠી. જો કે અંગત રીતે હું છૂટાછેડાની વિરુદ્ધ છું.’

‘નાના બાળકનો તો ખ્યાલ કર.’ હું એને હરઘડી ટકોર કરતો પરંતુ એ સાંભળતી નહીં અને એક દિવસ મને છોડીને જતી રહી. આઠ વર્ષોના ઝંઝાવાતી સંબંધને ત્યજીને. હું તો ભાંગી જ પડ્યો. પુત્રને રેઢો મૂકીને એ આમ જતી રહેશે એ હું માની જ ન શક્યો. મારા માતા-પિતા ખાસ કરીને માએ મને એવું કહીને શાંત પાડ્યો કે બ્રહ્મ સમાજમાં છૂટાછેડા પર પ્રતિબંધ નથી.’

‘તમારી જિંદગીમાં મધુબાલાનું પ્રકરણ ક્યારે અને કઈ રીતે શરૂ થયું?’

મધુબાલા સાથેની ફિલ્મો અને જોડી જામી ગઈ

‘વાસ્તવમાં રુમા સાથેના સંબંધોના વિચ્છેદથી જ મધુ સાથેના સંબંધોની શરૂઆત થઈ. મધુ દિલીપકુમાર જોડે સંકળાઈ હતી જ્યારે હું અને દિલીપ ગાઢ મિત્રો હતા. એટલી હદ સુધી કે ક્યારેક તો બન્નેનાં પ્રેમપત્રો અને સંદેશાઓ હું લઈ જતો. પરંતુ જ્યારે એમના સંબંધો વણસી ગયા ત્યારે મધુએ મારામાં રસ લેવા માંડ્યો. હું એને દાદ નહોતો દેતો કારણે એ મારા દોસ્તની માશુકા હતી!’

‘એ અરસામાં હું મધુ સાથે કેટલીક ફિલ્મોમાં કામ કરતો હતો. અમારી ફિલ્મો અને જોડી આબાદ જામી ગઈ, પરંતુ મારે પક્ષે આ સંબંધ માત્ર ધંધાદારી જ હતો. ઉપરાંત રુમા જોડે હું પરણેલો હતો અને મારા જીવનની ગૂંચવણ કોઈને ય પાસે ન જ ફરકવા દેતી, એટલે તે સમયે બીજી કોઈ સ્ત્રીમાં રસ લેવાનો હું વિચાર સુદ્ધાં નહોતો કરી શકતો.’

‘બીજે પક્ષે રુમા અને મધુ બન્ને સખીઓ હતી. મધુ ઘણીવાર રુમાને કહેતી, ‘કિશોરકુમારને ન છોડતી. જો તું એનું ઘર ત્યજીને જતી રહીશ તો હું તારા બદલે આવીને રહીશ.’ લાંબા અરસા બાદ મને સમજાયું કે રુમાને એ જે કહેતી હતી એમાં તથ્ય હતું. સાચું માનજો, ત્યારે માનસિક રીતે હું ખૂબ ગૂંચવાઈ ગયો હતો. મને ખબર નહોતી કે હું શું કરતો હતો અને શા માટે!’

‘એની જોડે તમે મુસ્લિમ વિધિ મૂજબ નિકાહ કરેલા?’ મેં પૂછવાની હિંમત કરી.

બિલ્કુલ નહી! નિ:શંક રીતે એના અબ્બા તો ચાહતા હતા કે મારે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો અને નિકાહ કરવા, પરંતુ મેં કહ્યું: ‘એ હરગીઝ નહીં બને! હું જન્મે હિંદુ છું અને મરીશ પણ હિંદુ તરીકે જ. કોઈ પણ વ્યક્તિ કે પરિસ્થિતિ મારો ધર્મ નહીં બદલી શકે! મર્યા બાદ મને દફનાવવામાં નહીં આવે બલ્કે બાળવામાં આવશે!’

‘મને એક કિસ્સો યાદ છે. મધુ સાથે લગ્ન કર્યા બાદ હું બદ્રિનાથ ગયેલો. ત્યાંના પૂજારીઓને એવી ખબર મળી ગઈ હશે કે મેં મુસ્લિમ છોકરી જોડે લગ્ન કર્યાં છે, એટલે એમણે મંદિરમાં મને પ્રવેશવા ન દીધો. મેં ઘાંટો પાડ્યો: જોઉં છું. કોણ મને મંદિરમાં જતાં રોકે છે!’ અલબત્ત, ભીતરથી હું ડરી ગયેલો કે જો ત્યાંના પંડિતો મને અટકાવીને મારશે તો? ગમે તેમ તો યે તેઓ બધા જ હૃષ્ટપુષ્ટ હતા. અસલી ઘી ખાઈ ખાઈને એમના શરીર પણ ચમકતા હતા!’

‘હું હિંદુ છું! મુસ્લિમ બન્યો નથી!’ મેં કહ્યું, ઈશ્વર કા નામ લેકર મૈં અંદર ઘૂસ ગયા. મારા સદભાગ્યે કોઈએ મને કાંઈ કહેવાની કે રોકવાની કોશિશ ન કરી.

‘મધુ માટે અહીંના ડૉક્ટરોએ તો આશા જ ત્યજી દીધેલી. એનું હૃદય જન્મથી જ નબળું અને અવિકસિત હતું. લગ્ન બાદ હું એને લંડન લઈ ગયો. ત્યાં ડૉક્ટરોએ એક વર્ષની આવરદાની આગાહી કરી. હું એને પાછી લઈ આવ્યો અને તમે માનશો, એ ખાસ્સા નવ વર્ષ જીવી.’

‘એના મૃત્યુ પછી હું સંન્યાસ લેવાની અણી પર હતો. અરે ભગવા વસ્ત્ર અને રુદ્રાક્ષની માળા પહેરીને કેદારનાથના મંદિરના પગથિયે હું જઈને બેઠો હતો ત્યારે કેટલાક પ્રવાસીઓ મને ઓળખી ગયા. સમાચાર પ્રસરી ગયા કે કિશોરકુમાર આવ્યો છે, પરંતુ કિશોરકુમાર સંન્યાસીના વેશમાં શા માટે આવે એ વિશે એમને ખાતરી નહોતી થતી.’

‘એકે હિમ્મત ભેગી કરીને મારું નામ પૂછ્યું. મેં કહ્યું,’ ‘હું સ્વામી કિશોરાનંદ છું!’

‘સંન્યાસ’માંથી તમને ‘સંસાર’માં કોણ ઘસડી લાવ્યું અને ત્રીજી બાલીને પરણી ગયા?’

‘મેં યોગીતાને ‘શાબાશ ડેડી’માં લીધી હતી. એને હું ગમી ગયો.’

‘મારી જિંદગીનો એક બીજો રમૂજી કિસ્સો છે. મેં યોગીતાને ‘શાબાશ ડેડી’માં લીધી હતી. એને હું ગમી ગયો. શી રીતે એ તો કોણ જાણે!’ મુઝે આપસે શાદી કરનેકા શોખ હૈ.’ એ મને કહ્યા કરતી. મેં એને કહ્યું, ‘મને પરણીને તું શું પામીશ? આપણી વચ્ચે ઉંમરનો કેટલો તફાવત છે?’ હું એને કહેતો પણ એ તો મારો પીછો જ કરતી. હું જ્યાં જાઉં ત્યાં એ આવતી. રેકૉર્ડિંગમેં મૈં જાતા તો મેસેજ મિલતે થે કી વો નીચે ગાડીમેં આ કર બેઠી હૈ! આખિરમેં પરેશાન હો કર મેંને ‘હા’ કર ‘દી!’

‘આપને યોગીતા કે સાથ દો-દો બાર શાદી કયોં રચાયી થી?’ મેં પૂછ્યું.

‘પહેલીબાર હમને કિસીકો બતાયે બિના રજિસ્ટર મેરેજ કર લિયા થા! ફીર જબ ઉસકી મા કો પતા ચલા તો ઉસને તો, ‘ઉસકી કેરિયર કા ક્યા હોગા?’ કહ કે રોના શુરૂ કર દિયા.’

‘ત્યાર બાદ એણે દીકરી ખાતર મારી પાસે ઝવેરાતની માગણી કરી. દીકરીએ પણ મા સાથે રોદણાં રડવા માંડ્યા.’ તબ હી મૈં પીન્કી કી શાદી તુમસે કરા દૂંગી!’ એણે શરત મૂકી જે મેં સ્વીકારી. આમ હિંદુ વિધિ અનુસાર અમારા બીજી વાર લગ્ન થયાં.’

‘શીખ વિધિ પ્રમાણે નહીં?’

‘નહીં! હું શા માટે શીખ વિધિ અપનાવું? શાદી કરનેસે ધર્મ ઔર નામ બીવી કે બદલ જાતે હૈ, મિયા કે નહીં!’

‘યોગીતાને હિસાબે,’ મેં કહ્યું, ‘તમે અગાઉ એના પરિવારની દેખભાળ કરવાનું વચન આપેલું.’

‘મેં કોઈ વચન આપ્યું નહોતું.’ કિશોરકુમારે કહ્યું.’ પરંતુ મને કહેવા દો કે હું એના ખાનદાનને નહોતો પરણ્યો, એને પરણ્યો હતો. લાગતું હતું કે એની મા મને દહેજમાં મળેલી!

‘કારણ બન્નેમાંથી કોઈ એકલું નહોતું રહી શકતું. એક દિવસ મેં યોગીતાને કહી દીધું. ‘ચાલ, ખંડવા જઈએ અને એણે એની માને કહ્યું. માએ જણાવ્યું કે એને આવવું હતું. યોગીતાએ મને કહ્યું, ‘મમ્મી કો ભી સાથ આના હૈ!’ મેં એને પૂછ્યું. ‘મમ્મી કા કયા કામ હૈ?’ હમ દોનોં હી જાયેંગે!’ ફિર ઉસને મમ્મી સે કહા, ‘યે કહતે હૈં, હમ દોનોં હી જાયેંગે!’ ફિર ઉસકી મમ્મીને કહા, ‘નહીં! નહીં મૈં ભી સાથ આઉંગી!’ યોગીતાએ મને કહ્યું: ‘મમ્મી ભી આ રહી હૈ! અને અડધો કલાકમાં તો મા-દીકરી બોરિયા બિસ્તરા સહિત આવી પણ પહોંચ્યા! જ્યારે મેં એની મમ્મીને પૂછ્યું. ‘આપ હમારે સાથ કયોં આના ચાહતી હૈ?’ ત્યારે એણે મને અજબ જવાબ આપ્યો. ‘અગર બચ્ચા-વચ્ચા હો ગયા તો? મેરી પીન્કી કી કેરિયર કા કયા હોગા?’

‘એ વખતે અમિતકુમાર એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના રુમની બહાર નીકળી ગયો.’

‘મને આ કહેતા વિમાસણ અને આઘાત લાગ્યો, કિશોરકુમારે કહ્યું: ક્યોં? મિયાં બીવી કે લિયે બચ્ચે હોના કોઈ ગલત બાત હૈ કયા?’ મેં એને પૂછ્યું, પરંતુ લાગ્યું કે હવે બહુ થઈ ગયું અને મેં યોગીતાને એની માને ત્યાં મોકલી આપી! હવે તો હદ થઈ ગઈ!’

‘જી, એ સાચું છે કે યોગીતા રોજ આવતી અને અમે બન્ને સાથે બેસીને સજા પૂરી થવાનો ઈન્તેજાર કરતા! મૈં ઔર કર ભી કયા સકતા થા! છેવટે એણે જ્યારે છૂટાછેડાની માગણી કરી ત્યારે અમને નિરાંત વળી.’

લીના પહેલી સ્ત્રી છે જેને મેં લગ્નનો પ્રસ્તાવ મૂકેલોઃ કિશોરકુમાર

‘મારે કહેવું જોઈએ કે લીના પહેલી સ્ત્રી છે જેને મેં લગ્નનો પ્રસ્તાવ મૂકેલો. અગાઉની મારી ત્રણેય પત્નીઓએ મારી સામે પ્રસ્તાવ મૂક્યા હતા. મધુના મૃત્યુના કારણે અમે વિખૂટા પડી ગયા હતા, જ્યારે બીજા બે કિસ્સાઓમાં તો પત્નીઓએ છૂટાછેડાની માગણી કરી હતી!’

અત્યાર સુધી અંગત વાતો સાંભળી લીનાએ કિશોરકુમાર પાસેથી વાતનો દોર સંભાળતા કહ્યું: ‘તમને ખબર છે કે તેઓ એક ફિલ્મની (પ્યાર અજનબી હૈ) ઑફર લઈને મારી પાસે આવેલા. ત્યારે મારી જિંદગી છિન્નભિન્ન થઈ ચૂકી હતી, મારું અંગત જીવન રોળાઈ ગયું હતું. મને ખબર નહોતી કે હું શા માટે અને કોને ખાતર જીવતી હતી. મારી કારકીર્દિનું ય કશું ઠેકાણું નહોતું. તેથી અમણે જ્યારે મને ફિલ્મ માટે કહ્યું ત્યારે હું સ્વાભાવિક રીતે રોમાંચ અનુભવવા માંડી, પરંતુ મેં જ્યારે મને રોલ ફાવશે કે નહીં એ અંગે ચર્ચા કરવા માંડી ત્યારે એમણે મને કહ્યું: ‘એ બાબત ચિન્તા ન કર. આપણે તારો રોલ બદલી નાખીશું. અરે, વાર્તામાં પણ ફેરફારો કરી નાખીશું!’

લીના પાસે પોતાની જ ફિલ્મ ‘મમતા કી છાંવ મેં’નાં ગીતનું રિહર્સલ-રેકોર્ડિંગ કરાવતા કિશોરકુમાર

‘આના પરથી મને શંકા ઉપજી, કારણ જ્યારે મારી કારકીર્દિ ટોચ પર હતી ત્યારે કોઈએ મને આવું નહોતું કહ્યું, તો કિશોરકુમાર શા માટે કહે? મને તો એમ જ હતું કે મારી નીકટ આવવા ખાતર ફિલ્મનું ઓઠું એમણે શોધ્યું હતું.’

કિશોરકુમારે કહ્યું: ‘લીનાના અંગત જીવનમાં જે કાંઈ બન્યું એ બદલ હું ખૂબ દુ:ખી હતો, મને એના પ્રત્યે અનુકંપા જન્મી હતી.’

‘આખરે લીનામાં તમને આદર્શ પત્ની જડી! મેં ટકોર કરી.’

‘જી!’ કિશોરકુમારે કબૂલ ર્ક્યું, ‘એને મેળવીને હું ધન્ય બની ગયો. મારી જિંદગીમાં લીનાએ જ મને સાચું ઘર આપ્યું. એણે મને પુત્ર અને માનસિક સદ્ધરતા આપી. તમે નહીં માનો પરંતુ આજકાલ તો હું એક જ દિવસમાં બીજા ગીતનું રેકૉર્ડિંગ પણ કરતો નથી. વધુ પરિશ્રમ હું ટાળું છું. થોડા વર્ષો પૂર્વે મારી રફતાર જ ઔર હતી. સાંજે રેકૉર્ડિંગ કરતો નથી. બપોરે જ પતાવું છું જેથી સાંજે ઘેર આવીને પત્ની અને બાળકો સાથે સમય વીતાવી શકું.’

લીના, સુમિત, અમિત અને કિશોરકુમાર

કિશોરકુમાર સમાપન કરતા કહ્યું, ‘એણે મને જીવનનું લંગર આપ્યું છે જેની મને ખૂબ જ જરૂર હતી.’

‘તેઓ એકલા જ નસીબદાર નથી, બલ્કે એ લાગણી અરસપરસ છે!’ લીનાએ પડધો પાડ્યો, ‘એમણે મને દુ:ખમાંથી ખેંચી કાઢી જિંદગીનો સાચો મર્મ સમજાવ્યો. સાચે જ હું એમની આભારી છું.’

પાકશાસ્ત્રની પ્રવીણ લીના

અને એ જ સમયે અમે સમાપન કરવાનું નક્કી કર્યું… ફરીથી મુલાકાત થાય ત્યાં સુધી જ સ્તો!

લીના-કિશોરનાં સંતાનને રમાડતી રુમાદેવીલાઈટ જતી રહેતાં ટોર્ચના સહારે પતિને મદદ કરતી લીનાવીજળી બંધ પડી, પણ મુલાકાતનો દોર ચાલુ જ રહ્યોઃ કિશોરકુમારને બેટરીનો પ્રકાશ પૂરો પાડી રહ્યાં છે લેખિકા સુષમા

મીઠાશભરી મુલાકાતને અંતેઃ દંપતી કિશોર-લીના સાથે ‘જી’નાં તંત્રી મધુરી કોટક

(મુલાકાતની તસવીરો: મધુરી કોટક-મૌલિક કોટક)