ઘઉંના પેન કેકમાં ઉમેરવામાં આવતા વેજીટેબલ્સને લીધે તે વધુ હેલ્ધી તેમજ સ્વાદિષ્ટ બને છે!
સામગ્રીઃ
- હળદર ¼ ટી.સ્પૂન
- રેડ ચિલી ફ્લેક્સ ½ ટી.સ્પૂન
- કાંદો 1
- ટામેટું 1
- લીલા મરચાં 2-3
- આદુનો ટુકડો 1 ઈંચ
- સમારેલી કોથમીર ½ કપ
- લીંબુનો રસ 1 ટે.સ્પૂન
- ગરમ મસાલો ½ ટી.સ્પૂન
- સિમલા મરચું 1
- ગાજર 1
- બટેટા 2
- ઘઉંનો લોટ ½ કપ
- રવો ½ કપ
- ચણાનો લોટ ½ કપ
- સ્વાદ મુજબ મીઠું
- જીરૂ ¼ ટી.સ્પૂન,
- રાઈ ¼ ટી.સ્પૂન
- તેલ પેન કેક સાંતળવા માટે
- સફેદ તલ 2 ટે.સ્પૂન
રીતઃ કાંદો, ટામેટું, સિમલા મરચું, લીલા મરચાં ઝીણાં સમારી લો. આદુ, ગાજર, બટેટાને ખમણી લો.
1½ કપ પાણી લઈ તેમાં સમારેલાં કાંદો, ટામેટું, સિમલા મરચું, કોથમીર લઈ તેમાં ખમણેલાં આદુ, ગાજર, બટેટા ઉમેરી દો. ત્યારબાદ તેમાં ગરમ મસાલો, હળદર, રેડ ચિલી ફ્લેક્સ, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું મેળવીને મિશ્રણ એકસરખું થાય એટલે ઘઉંનો લોટ, રવો, ચણાનો લોટ મેળવી દો.
વઘારિયામાં એક ચમચી તેલ ગરમ કરી રાઈ તેમજ જીરૂનો વઘાર કરો. આ વઘાર લોટના મિશ્રણમાં રેડી દો.
એક કઢાઈમાં 1 ચમચી તેલ ગરમ કરી, તેમાં થોડાં સફેદ તલ ઉમેરી એક કળછી મિશ્રણ રેડીને થોડું એવું ફેલાવી દો. કઢાઈને ઢાંકી દો. ગેસની આંચ ધીમી કરી દો. 2-3 મિનિટ બાદ પેનકેક ઉથલાવીને થોડું તેલ ફરતે રેડીને ફરીથી કઢાઈ ઢાંકીને 2-3 મિનિટ થવા દીધા બાદ પેનકેક તવેથા વડે એક પ્લેટમાં ઉતારી લો.
આ જ રીતે બધા પેનકેક તૈયાર થાય એટલે લીલી ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.