ચોખાના લોટનું ગરમાગરમ પડ એની અંદર નાળિયેર અને ગોળનું મિશ્રણ. આવી રીતે તૈયાર કરેલો મોદકનો પ્રસાદ ગણપતિ બાપાને બહુ ભાવે! તો પ્રસન્ન કરી લો ગણપતિ બાપાને એમનો ભાવતો પ્રસાદ બનાવીને!
સામગ્રીઃ
- 1 તાજા નાળિયેરનું છીણ
- 1 કપ ઝીણો સમારેલો ગોળ
- 2 કપ ચોખાનો લોટ
- 2 કપ પાણી
- 1 ટી.સ્પૂન ખસખસ
- ¼ ચમચી એલચી પાવડર
- જરૂર મુજબ ઘી
- 1 ટી.સ્પૂન ડ્રાયફ્રુટની કતરણ
- કેસરના તાંતણા
- કેળાનું પાન
રીતઃ એક કઢાઈમાં એક ચમચી ઘી ઉમેરી ગેસની ધીમી આંચ રાખી ખસખસ શેકો. ખસખસ શેકાયને તતડે એટલે નાળિયેરનું છીણ, ગોળ તેમજ ડ્રાયફ્રુટની કતરણ મિક્સ કરો. ગોળ ઓગળી જાય અને મિશ્રણ એકરસ થાય એટલે એમાં એલચી પાવડર મિક્સ કરીને ગેસ બંધ કરી દો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢીને ઠંડું થવા દો.
એક મોટી તપેલીમાં 2 કપ પાણી ઉકળવા મૂકો. એમાં 1 ટી.સ્પૂન ઘી ઉમેરો. પાણી ઉકળે એટલે ગેસની આંચ ધીમી કરી દો. એમાં ચોખાનો લોટ ઉમેરીને સતત હલાવતાં રહો જેથી લોટમાં ગઠ્ઠા ન પડે. હવે ગેસ બંધ કરીને વાસણ ઢાંકીને પાંચ મિનિટ સુધી લોટને બફાવા દો. ત્યારબાદ લોટને એક મોટી થાળીમાં કાઢી લો. સહેજ ઠંડો થાય એટલે મસળીને લીસો લોટ બાંધી દો. લોટ કઠણ લાગે તો થોડું ગરમ પાણી ઉમેરીને લોટ બાંધો. લોટ લીસો હોવો જોઈએ.
આ લોટમાંથી એક લૂવો લઈ એમાં વચ્ચે અંગૂઠો મૂકીને બીજી આંગળીઓ વડે બાઉલ જેવો આકાર આપો. અને એની કિનારીની પ્લીટ્સ વાળી લો. વાટકી જેવો આકાર થાય એટલે એમાં 1 ચમચી જેટલું નાળિયેરનું મિશ્રણ નાખીને ઉપરના ભાગને મોદકનો આકાર આપીને બંધ કરી દો.
આવી જ રીતે બધાં મોદક તૈયાર થાય એટલે ઈડલી અથવા પાતરાના સાંચામાં પાણી ગરમ કરવા મૂકો. કાંઠા ઉપર ચાળણીમાં કેળાનું પાન ધોઈને ગોઠવો, એની ઉપર ઘી ચોપડી દો. અને જેટલા મોદક આવે એટલા ગોઠવી દો. દરેક મોદક ઉપર કેસરનો એક એક તાંતણો મૂકી દો. વાસણ ઢાંકીને 10-12 મિનિટ સુધી મોદક બફાવા દો. મોદક તૈયાર થાય એટલે નીચે ઉતારીને એની ઉપર થોડાં ટીપાં ઘીના રેડો.
લો તૈયાર છે મોદકનો પ્રસાદ, બાપાને ધરાવવા માટે!