બટેટાનો આ ચટપટો નાસ્તો ઝટપટ બની જાય છે!
સામગ્રીઃ
- બાફેલા બટેટા 2
- ટામેટાં 2
- કાંદા 2
- લીલા મરચાં 2-3
- ધોઈને સમારેલી કોથમીર 1 કપ
- આખા ધાણા અધકચરા વાટેલા 1 ટી.સ્પૂન
- અજમો ¼ ટી.સ્પૂન
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- હળદર 2 ચપટી
- સ્વાદ મુજબ મીઠું
- ઘઉંનો લોટ ¼ કપ
- ચણાનો લોટ ¼ કપ
- તેલ શેલો ફ્રાઈ કરવા માટે
રીતઃ બાફેલા બટેટાનો છૂંદો કરી લો. તેમાં કાંદા, ટામેટાં, લીલા મરચાં ઝીણાં સમારીને ઉમેરી દો. હવે તેમાં અધકચરા વાટેલા ધાણા તેમજ અજમો ઉમેરી લાલ મરચાં પાઉડર, હળદર, સ્વાદ મુજબ મીઠું, સમારેલી કોથમીર ઉમેરીને 2-3 મિનિટ રહેવા દીધા બાદ તેમાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ મેળવી 1-2 ચમચાં પાણી ઉમેરી ઘટ્ટ પૂરણ તૈયાર કરી લો. આ પૂરણ બટેટા વડાના પૂરણ કરતાં સહેજ ઢીલું હોવું જોઈએ.
હવે ફ્રાઈ પેન ગેસ પર ગરમ કરી તેમાં થોડું તેલ રેડી દો. ગેસની આંચ ધીમી જ રાખવી. બટેટાના પૂરણને એક ચમચા વડે તેમાં નાખીને ગોળ અથવા લંબગોળ આકાર ચમચા વડે આપીને બીજા બટેટાના સ્પાઈસી કેક પણ ગોઠવી દો.
બટેટાના કેક નીચેથી ગોલ્ડન રંગના થાય એટલે તવેથા વડે તેને ઉથલાવીને ફરતે થોડું તેલ રેડીને ફરીથી બીજી સાઈડ ગોલ્ડન રંગની શેકી લો.
બટેટાના આ સ્પાઈસી કેક ટોમેટો કેચ-અપ સાથે પીરસો.