મગની દાળનો મિની હાંડવો

મગની દાળનો નાસ્તો પચવામાં હલકો તેમજ સ્વાદિષ્ટ હોય છે!

સામગ્રીઃ

  • મગની દાળ 1 કપ
  • ચણાનો લોટ 2 ટે.સ્પૂન
  • દહીં 1 કપ
  • લીલા મરચાં 2
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • સમારેલું સિમલા મરચું 2 ટે.સ્પૂન
  • કાંદો 1
  • સમારેલું ગાજર 1 ટે.સ્પૂન
  • અધકચરા વાટેલાં શીંગદાણા 2 ટે.સ્પૂન
  • ધોઈને સમારેલી કોથમીર 1 કપ

વઘાર માટેઃ

  • રાઈ
  • સફેદ તલ
  • કળી પત્તાના પાન
  • તેલ

રીતઃ મગની દાળને 2-3 પાણીએથી ધોઈને બીજા ચોખ્ખા પાણીમાં 2 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તેમાંથી પાણી નિતારી લઈ મિક્સીમાં દાળ, 1 ચપટી સાકર મેળવીને બારીક પીસી લો. હવે તેમાં ચણાનો લોટ તેમજ એક ચમચા જેટલું પાણી ઉમેરી ફરીથી મિક્સી ફેરવી લો.

એક બાઉલમાં દહીંને જેરણીથી એકરસ કરીને તેમાં સમારેલાં બારીક મરચાં, સિમલા મરચું, ગાજર, કાંદો, શીંગદાણાનો ભૂકો, સ્વાદ મુજબ મીઠું મેળવીને ખીરું બનાવી લો.

એક વઘારીયામાં તેલ ગરમ કરી રાઈ તતડે એટલે તેમાં સફેદ તલ તેમજ કળી પત્તાના પાન ઉમેરીને એક કળછી ખીરું ઉમેરીને ગેસની ધીમી આંચ કરીને વઘારીયાને ઢાંકણ ઢાંકીને નાસ્તો થવા દો. 1 મિનિટ બાદ ઉથલાવીને ફરીથી એકાદ મિનિટ થાય એટલે વઘારીયામાંથી કાઢીને એક પ્લેટમાં કાઢી લો.

મગની દાળના આ મિની હાંડવા તૈયાર થાય એટલે લીલી ચટણી સાથે પીરસો.