ચટપટી રવા કેક

ઓછા તેલમાં બનતી આ કેક ઘણી જ હેલ્ધી છે. તમે એને ઓવનમાં બેક કરી શકો છો અથવા કઢાઈમાં હાંડવો બનાવીએ એ રીતે પણ બનાવી શકો છો. આ ઈન્સ્ટન્ટ રવા કેકને તમે રવાનો હાંડવો કહી શકો છો.

 

સામગ્રીઃ

  • 1 કપ રવો
  • ¼ કપ દહીં
  • ¼ ટી.સ્પૂન બેકીંગ સોડા
  • ¼ ટી.સ્પૂન બેકીંગ પાવડર
  • ¼ ટી.સ્પૂન હળદર 
  • ¼ ટી.સ્પૂન મરચાં પાવડર
  • 1 લીલું મરચું
  • 1 કાંદો
  • 1 લાલ સિમલા મરચું
  • 3-4 ફણસી
  • ¼ કપ કોથમીર
  • 1 ટે.સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ
  • 2 ટે.સ્પૂન વાટેલી ખસખસ
  • ½ ટી.સ્પૂન તલ
  • ¼ ટી.સ્પૂન જીરૂ
  • ¼ ટી.સ્પૂન રાઈ
  • 3-4 કળીપત્તાં
  • મીઠું સ્વાદાનુસાર
  • ચપટી હીંગ
  • 3 ટે.સ્પૂન તેલ
  • ¼ ટી.સ્પૂન તલ કેકના મિશ્રણ ઉપર ભભરાવવા માટે

રીતઃ એક બાઉલમાં દહીં તેમજ બેકીંગ સોડાને મિક્સ કરીને 5 મિનિટ માટે એકબાજુએ રહેવા દો.

કાંદો, લીલું મરચું, સિમલા મરચું, ફણસી, કોથમીર ધોઈને ઝીણાં સમારી દો.

પાંચ મિનિટ બાદ દહીંમાં રવો, સ્વાદ મુજબ મીઠું, બેકીંગ પાવડર મિક્સ કરી દો.

એક પેનમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરો. એમાં રાઈ જીરૂનો વઘાર કરો. રાઈ જીરુ તતડે એટલે ગેસની આંચ ધીમી કરી તલ ઉમેરીને ઢાંકણું ઢાંકી દો. કેમ કે, તલ ઉડશે. 5-10 સેકેન્ડ બાદ એમાં કળી પત્તાંના પાન ઉમેરીને ગેસ બંધ કરી દો. આ વઘાર રવાના મિશ્રણમાં નાખી દો.

સમારેલાં શાક અને અન્ય બાકી રહેલી સામગ્રી પણ ઉમેરી દો.

ઓવનમાં રાંધવા માટેના પેનને તેલ ચોપડી લો. ઓવનને 10 મિનિટ માટે 180 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ગરમ થવા દો. હવે પેનમાં મિશ્રણ રેડી દો. ઉપરથી તલ ભભરાવી દો.

આ મિશ્રણને ઓવનમાં 30-35 મિનિટ માટે બેક કરવા મૂકો. ત્યારબાદ ટૂથપીક અથવા ચપ્પૂ વડે કેકને ચેક કરી લો. જો ચપ્પૂ ઉપર મિશ્રણ ચોંટેલું ન હોય તો સમજી લો, કેક તૈયાર છે.

ઓવન વગર રાંધવું હોય તો. હાંડવો બનાવીએ એ રીતે એટલે કે, એક કઢાઈમાં તેલ ગરમ કરી રવાનું મિશ્રણ રેડી દો અને કઢાઈ ઢાંકી દો. ગેસની આંચ ધીમી રાખવી. 10-15 મિનિટ બાદ મિશ્રણને એક તવેથા તેમજ ચપ્પૂની મદદથી ઉથલાવી દો અને ઢાંકી દો. 10-15 મિનિટ બાદ ચપ્પૂ વડે કેકને ચેક કરી લો. ચપ્પૂ સાફ બહાર આવે એટલે ગેસ બંધ કરીને કઢાઈ નીચે ઉતારી લો. કેક ઠંડી થાય એટલે ખાવાના ઉપયોગમાં લો.