બાળકોને સ્કૂલમાં વેકેશન છે. પરંતુ, આ કાળઝાળ ગરમીમાં તેઓ કંટાળી જાય છે. બાળકોને એમનું વેકેશન બોરીંગ ના લાગે એ માટે તેમને તાજગીસભર અને પૌષ્ટિક વિકલ્પ મેળવી આપવો હોય તો? તો બનાવી લો ઘરે જ ફ્રુટ લોલીઝ… જે તમે બહુ જ સહેલાઈથી બનાવી શકો છો!
સામગ્રીઃ લીલી દ્રાક્ષ 1 કપ, કાળી દ્રાક્ષ 1 કપ, 1 પાકી કેરીનો પલ્પ, 2-3 સંતરા, 2 ટી.સ્પૂન નાળિયેર પાણી, 8-10 સ્ટ્રોબેરી, ½ કપ નાળિયેરનું દૂધ, મધ, આઈસક્રીમ સ્ટીક, આઈસક્રીમ મોલ્ડ
રીતઃ લીલી દ્રાક્ષને મિક્સીમાં ગ્રાઈન્ડ કરી લો. એક બાઉલમાં ગ્રાઈન્ડ કરેલી દ્રાક્ષ લઈ તેમાં 1 ટી.સ્પૂન મધ મિક્સ કરી લો. આ રસને આઈસક્રીમ કેન્ડીના મોલ્ડમાં ભરીને એને ઢાંકી લો અને એમાં સ્ટીક ગોઠવી દો. લીલી દ્રાક્ષની જેમ જ કાળી દ્રાક્ષના રસને પણ કેન્ડીના મોલ્ડમાં ભરી લો. આ જ રીતે સંતરાનો રસ કાઢીને એમાં મધ મિક્સ કરીને મોલ્ડમાં ભરી લો.
પાકી કેરીને છોલીને કટકા કરીને મિક્સીમાં પલ્પ બનાવીને એક બાઉલમાં કાઢી લો. પલ્પમાં થોડું નાળિયેર પાણી મિક્સ કરીને 1 ટી.સ્પૂન મધ મિક્સ કરીને મોલ્ડમાં ભરી લો.
સ્ટ્રોબેરીને ગ્રાઈન્ડ કરીને ½ કપ નાળિયેરનું દૂધ તેમજ 2 ટે.સ્પૂન મધ મિક્સ કરીને મોલ્ડમાં ભરી લો. (સ્ટ્રોબેરી સાથે રાસબેરી અને બ્લ્યૂ બેરી પણ મિક્સ કરી શકો છો. જો મળી જતી હોય તો)
આઈસક્રીમ કેન્ડીના બધાં મોલ્ડને રેફ્રીજરેટરમાં 7-8 કલાક અથવા આખી રાત ડીપ ફ્રીઝરમાં મૂકી દો. ત્યારબાદ મોલ્ડ કાઢી લો. હલકા ગરમ પાણીના એક બાઉલમાં દરેક કેન્ડી મોલ્ડ થોડી સેકંડ માટે રાખીને એમાંથી આઈસક્રીમ કાઢીને સર્વ કરો.
દરેક ફળના રસમાં તમે એ જ ફળના નાના કટકા ઉમેરીને પણ આઈસક્રીમ બનાવી શકો છો. જો બાળકોને પસંદ હોય તો!