ફરાળી દૂધી ઢોકળા

આ નવરાત્રિમાં માતાજીની સેવા પૂજા તેમજ વ્રત સાથે સ્વાદિષ્ટ તેમજ સ્વાસ્થ્યપ્રદ ઢોકળાનો પણ ફરાળ નૈવેદ્યમાં ધરાવી શકો છો!

સામગ્રીઃ

  • સામો 1 કપ
  • સાબુદાણા ¼ કપ
  • ખાટું દહીં ½ કપ
  • પાણી ½ કપ
  • દૂધીના ટુકડા ½ કપ
  • લીલાં મરચાં 3-4
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • તેલ 1 ટી.સ્પૂન તેમજ ½ ટી.સ્પૂન
  • સાકર ½ ટી.સ્પૂન (optional)

ફરાળી ચટણીઃ

  • શીંગદાણા 2 ટે.સ્પૂન
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • લીલાં મરચાં 3
  • દહીં 1 ટે.સ્પૂન
  • લીંબુનો રસ 1 ટે.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • સ્વાદ મુજબ સિંધવ મીઠું
  • સાકર સ્વાદ મુજબ (optional)

વઘાર માટેઃ

  • તેલ 2 ટે.સ્પૂન
  • જીરુ 1 ટી.સ્પૂન
  • સફેદ તલ 1 ટી.સ્પૂન
  • મીઠાં લીમડાના પાન 8-10
  • લીલાં મરચાંના ટુકડા 4-5

રીતઃ સામો તેમજ સાબુદાણાને મિક્સીમાં કરકરા દળી લો. તેમાં ખાટું દહીં ½ કપ તેમજ પાણી ½ કપ મિક્સ કરીને ખીરું બનાવી લો. પાણીનું પ્રમાણ ½ કપ જ હોવું જોઈએ. વધુ કે ઓછું ના હોવું જોઈએ. ખીરું ઘટ્ટ હોવું જોઈએ. આ ખીરું 10-15 મિનિટ માટે ઢાંકીને રાખો.

દૂધીને છોલીને નાના ચોરસ ટુકડા કરી લો. આદુ તેમજ મરચાંના પણ ટુકડા કરી લો.

15 મિનિટ ખીરું રાખવાથી તે એકદમ ઘટ્ટ થઈ જશે. આ ખીરાને મિક્સીમાં ફરીથી નાખો. તેમાં દૂધી તેમજ આદુ-મરચાંના ટુકડા ઉમેરીને 1 મિનિટ માટે મિક્સી ફેરવો. હવે તેમાં સ્વાદ મુજબ સિંધવ મીઠું, તેલ 1 ટી.સ્પૂન, જો સાકર જોઈતી હોય તો ½ ટી.સ્પૂન ઉમેરીને મિક્સીને ફરી 1 સેકન્ડ માટે ફેરવી લો.

ઢોકળા બાફવાના વાસણમાં પાણી ઉકળવા મૂકી દો. એક થાળીમાં તેલ ચોપડી દો. ખીરામાં ટી.સ્પૂન ઈનો ઉમેરીને ½ ટી.સ્પૂન પાણી તેની ઉપર નાખીને ચમચા વડે હલાવીને તેલ ચોપડેલી થાળીમાં રેડી દો. અને ઢોકળા બાફવાના વાસણમાં આ થાળી મૂકીને ઢાંકીને 15-20 મિનિટ માટે ઢોકળા થવા દો.

એક મિક્સીમાં શીંગદાણા, આદુ-મરચાંના ટુકડા, સિંધવ મીઠું, લીંબુનો રસ, દહીં તેમજ કોથમીર મેળવીને પાણી ઉમેર્યા વિના મિક્સી ફેરવીને ચટણી બનાવી લો.

15 મિનિટ બાદ ઢોકળા થઈ જાય એટલે નીચે ઉતારી થોડા ઠંડા થાય એટલે કટ કરી લો.

ઢોકળા વઘાર કરવા માટે વઘારિયામાં તેલ ગરમ કરી તેમાં જીરુ તતડાવીને મીઠાં લીમડાના પાન તેમજ લીલાં મરચાંના ટુકડા ઉમેરીને સફેદ તલ મેળવીને ગેસ બંધ કરી દો. 2 મિનિટ બાદ ઢોકળાના ટુકડા ઉપર આ વઘાર ફેલાવીને રેડી દો.

લીલી ચટણી સાથે આ ફરાળી તેમજ હેલ્ધી ઢોકળા પીરસો.