દાળ-પાલક

ઘણીવાર કોઈને પાલક નથી ભાવતી, તો અમુક લોકોને દાળ નથી ભાવતી. દાળ-પાલક એવી વેરાયટી છે. જે એકવાર ખાઓ તો વારંવાર ખાવાનું મન થાય! અને હા, એ હેલ્ધી પણ છે!

સામગ્રીઃ

  • 1 કપ ધોઈને સમારેલી પાલક
  • 1 કપ મગની દાળ
  • 2 ટમેટાં
  • 1 કાંદો
  • 5-6 કળી લસણ
  • 2 લીલાં મરચાં
  • 1 ઈંચ આદુ
  • 1 ટી.સ્પૂન જીરૂ
  • ½ ટી.સ્પૂન હળદર પાવડર
  • 1 ટી.સ્પૂન લાલ મરચાં પાવડર
  • 1 ટી.સ્પૂન ધાણાજીરૂ પાવડર
  • 1 ટી.સ્પૂન ગરમ મસાલો
  • ચપટી હીંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ટે.સ્પૂન તેલ વઘાર માટે

રીતઃ દાળને ધોઈને કૂકરમાં બાફી લો. આદુ, લસણ, મરચાં ઝીણાં સમારી લો. કાંદો તેમજ ટમેટાં અલગ-અલગ ઝીણાં સમારી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી જીરૂનો વઘાર કરી, હીંગ નાખો. તેમાં આદુ-લસણ, લીલાં મરચાંનો વઘાર કરો. 2 મિનિટ સાંતળીને કાંદો નાંખીને લાલ થાય ત્યાં સુધી સાંતળો. હવે મસાલા ઉમેરીને 2 મિનિટ સાંતળીને ટમેટાં ઉમેરો. ટમેટાં ઓગળવા લાગે એટલે તેમાં બાફેલી દાળ મિક્સ કરી દો, સાથે ધોઈને સમારેલી પાલક મિક્સ કરીને કઢાઈ ઢાંકી દો અને ગેસની આંચ ધીમી કરી દો. દસેક મિનિટમાં પાલક ચઢી જાય એટલે ગરમ મસાલો ઉમેરીને 2 મિનિટ બાદ ગેસ બંધ કરી દો.

આ દાળ-પાલક જીરા રાઈસ સાથે સરસ લાગે છે. જો કે, ગરમાગરમ ફુલકા રોટલી સાથે પણ સારી લાગે છે.