દાલ મખની

શાક જોઈએ તેવા સારાં ના મળી રહ્યાં હોય, તો શાકના વિકલ્પ તરીકે ‘દાળ’ એટલે કે ‘પંજાબી દાલ મખની’ બનાવી શકાય છે. જે તમારી રસોઈનો સ્વાદ વધારી દે છે. તો બનાવી લો, પંજાબી દાલ મખની!

સામગ્રીઃ

  • આખા અળદ 150 ગ્રામ
  • રાજમા 50 ગ્રામ
  • 1 કાંદો ઝીણો સમારેલો
  • 1-2 લીલાં મરચાં ઝીણાં સમારેલાં
  • 6-7 કળી લસણ તેમજ 1 ઈંચ આદુ ઝીણું સમારેલું
  • 1 કપ ટમેટો પ્યુરી
  • ½ ટી.સ્પૂન જીરૂ
  • 2-3 લવિંગ
  • 1 મોટી એલચી
  • 4-5 એલચી
  • 1 ઈંચ તજ
  • 2 તેજ પતાના પાન
  • 2 ચપટી જાયફળ પાવડર
  • ½ ટી.સ્પૂન લાલ મરચાં પાવડર
  • ½ ટી.સ્પૂન કસૂરી મેથી
  • ½ કપ ક્રીમ અથવા મલાઈ
  • 3 ટે.સ્પૂન માખણ
  • સ્વાદ મુજબ મીઠું
  • ચપટી હીંગ

રીતઃ અળદ તેમજ રાજમાને 3-4 પાણીએથી ધોઈને જુદાં-જુદાં વાસણમાં 8-9 કલાક માટે પાણીમાં પલાળો.

ત્યારબાદ આ પલાળેલી દાળને મિક્સ કરી દો અને ફરીથી બે પાણીએથી ધોઈ લો. દાળને કૂકરમાં નાખો અને 5 મોટાં કપ પાણી ઉમેરી દો. કૂકર બંધ કરીને તેજ આંચે ગેસ ઉપર ગરમ કરવા મૂકો. લગભગ 7-8  સીટી કરવી, ગેસ બંધ કરી દો. કૂકર ઠંડું થાય એટલે ખોલીને દાળના 2-3 દાણાં હાથેથી દાબી જુઓ. દાળ એકદમ ઓગળેલી હોવી જોઈએ. જો દાળ ના ચઢી હોય તો ફરીથી 1 કપ પાણી ઉમેરીને કૂકર બંધ કરીને ગેસ ઉપર મૂકો. 2-3 સીટી થાય એટલે ગેસ બંધ કરી દો, કૂકર તરત ના ખોલવું.

એક જાળા તળિયાવાળી કઢાઈમાં માખણ ગરમ કરવા મૂકો. હીંગનો વઘાર કરીને આખા ગરમ મસાલા ઉમેરો અને સુગંધ આવે ત્યાં સુધી સાંતળો. એમાં સુધારેલો કાંદો ઉમેરી લાલ થાય ત્યાં સુધી સાંતળો. હવે એમાં ઝીણાં સમારેલાં આદુ-લસણ અને લીલાં મરચાં ઉમેરી 2 મિનિટ સુધી સાંતળો. ત્યારબાદ ટમેટો પ્યુરી ઉમેરીને 5-10 મિનિટ સાંતળો. એમાં જાયફળ પાવડર તેમજ લાલ મરચું પાવડર ઉમેરીને ફરીથી 1 મિનિટ માટે સાંતળો.

હવે બાફેલી દાળ એમાં મિક્સ કરી દો અને ગેસની આંચ એકદમ ધીમી કરી દો. થોડી થોડીવારે દાળને હલાવતાં રહો. દાળને 20-25 મિનિટ સુધી આ જ રીતે તૈયાર થવા દો. જો ઘટ્ટ થાય તો 1 કપ પાણી ઉમેરીને ફરીથી થવા દો. 5 મિનિટ બાદ એમાં ક્રીમ ઉમેરીને દાળને હલાવો. 1 મિનિટ બાદ કસૂરી મેથીને મિક્સ કરી દો અને 2 મિનિટ બાદ દાળને નીચે ઉતારી લો.

દાલ મખની પરોઠા અથવા જીરા રાઈસ સાથે પીરસો.