દૂધીના ક્રિસ્પી ઢોકળા

દૂધીના ફરાળી ઢોકળા કે પોંચા ઢોકળા તો ઠીક છે. પણ દૂધીના બહારથી એકદમ સ્પાઈસી, કુરકુરા અને અંદરથી પોચા એવા ઢોકળા કોને નહીં ભાવે!

સામગ્રીઃ

  • રવો 1 કપ
  • દૂધી 200 ગ્રામ
  • ચણાનો લોટ ½ કપ
  • દહીં ½ કપ
  • આદુ-મરચાંની પેસ્ટ 2 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ
  • કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ઈનો ફ્રુટ સોલ્ટ ¾ ટી.સ્પૂન
  • રાઈ 1 ટી.સ્પૂન
  • સફેદ તલ 2 ટી.સ્પૂન
  • લીમડો 6-7 પાન
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન

રીતઃ એક બાઉલમાં રવો, ચણાનો લોટ તેમજ દહીં લઈ મિક્સ કરો. ત્યારબાદ અડધાથી પોણા કપ જેટલું પાણી ઉમેરીને આ મિશ્રણને 10 મિનિટ ઢાંકીને રાખો. ઢોકળા બાફવાની થાળીને તેલ ચોપળીને ઢોકળા બાફવાના વાસણમાં પાણી ઉમેરીને એક કાંઠા પર રાખો અને ગેસ ચાલુ કરીને વાસણ ગરમ થવા માટે મૂકો.

10 મિનિટ બાદ મિશ્રણ થોડું ફુલીને ઘટ્ટ થઈ ગયું હશે. હવે  તેમાં દૂધીને ખમણીને ઉમેરો. સાથે આદુ-મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું મેળવી લો. હવે તેમાં ઈનો ઉમેરીને ઉપર 2 ટે.સ્પૂન જેટલું તેલ રેડી દો અને મિશ્રણને ચમચા વડે એકસરખું હલાવી ઢોકળાની થાળીમાં રેડી દો. વાસણ ઢાંકીને 15 મિનિટ માટે ઢોકળા બફાવા દો. 15 મિનિટ બાદ ચપ્પૂ થાળીના ઢોકળામાં નાખીને ચેક કરી લો. જો તે સ્વચ્છ નીકળે તો ઢોકળા બફાઈ ગયા હશે. ગેસ બંધ કરીને ઢોકળાની થાળી બહાર કાઢી લો. 3-4 મિનિટ બાદ ઢોકળાના ચોરસ ટુકડા કરી લો.

એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી રાઈ તતડાવો. ત્યારબાદ તલ તેમજ મીઠા લીમડાના પાન ઉમેરી દો. ગેસની આંચ ધીમી-મધ્યમ કરીને ઢોકળા પેનમાં આવે તેટલા ગોઠવીને ચારે બાજુએથી ક્રિસ્પી સાંતળી લો. ઢોકળા ચારે બાજુએથી સોનેરી ગુલાબી રંગના સાંતળી લીધા બાદ તેની ઉપર ચાટ મસાલો ભભરાવી દો. તેમજ થોડી મરચાંની ભૂકી ભભરાવી, સમારેલી કોથમીર છાંટીને ઢોકળા એક પ્લેટમાં સર્વ કરી દો.